બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ લિ. (બીકેટી) દ્વારા નવનિર્મિત ભવ્ય આહિર સમાજવાડી પધ્ધર ખાતેનું લોકાર્પણ
ભુજ - કચ્છઉદય : બાલ ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ લિ. (બીકેટી) દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે પધ્ધર ગામ ખાતે આહિર સમાજની સમાજવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. છેલ્લા દોઢ વર્ષથી સતત ચાલતી કામગીરીના પરિણામ સ્વરૂપે ભવ્ય સમાજવાડી આશરે રૂ. ૮,૧૦,૦૦,૦૦૦ ખર્ચે અને ૩૧,૦૦૦ ચો. ફૂટ જેટલા વિસ્તારમાં આકાર લીધો છે. સમાજવાડઙ્મ પધ્ધરગામ આહિર સમાજ તેમજ અન્ય સમાજના ૫૦૦૦ જેટલા લોકોના જીવનમાં સુખ દુઃખના પ્રસંગોમાં બહુ ઉપયોગી નિવડશે. ગુજરાત રાજયના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા અને બાલ ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ લિ.ના જોઇન્ટ મેનેજિંગ ડાયરેકટર રાજીવજી પોદ્દાર દ્વારા આહિર સમાજવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બી.કે.ટી. કંપનીના વરિષ્ઠ પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
બાલ ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ લિ. છેલ્લા દાયકાથી પણ વધુ સમયથી શિક્ષણ, આરોગ્ય, કુદરતી સંપદાની જાળવણી જેવા અલગ અલગ ક્ષેત્રે એક યા બીજી રીતે સીએસઆરની કામગીરી કરતું આવ્યું છે. આસપાસના વિસ્તારના ગામડાંઓમાં શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રી, વિવિધ સમાજો અને પંચાયતોને વિવિધ રીતે સુવિધાઓ પૂરી પાડેલ છે. ત્યારે આ વખતે વિશેષ રીતે પધ્ધર આહિર સમાજ અને ગામના વિવિધ સમાજો માટે એક મોટી ભેટ ધરી છે. ખાસ કરીને આ કામમાં ગામની પધ્ધર વિકાસ સમિતિએ આ કામ અંગેનો પ્રસ્તાવ મૂક્યો અને કામના અંતિમ પડાવ સુધી કંપનીની સાથે રહીને આ કામ માટે પ્રવૃત્ત રહ્યા હતા. જેના પરિણામ સ્વરૂપ ભવ્ય ભવન નિર્માણ પામેલ છે.
કાર્યક્રમની શરૂઆત બાળાઓએ મહેમાનોને ચોખા - ચંદલા કરીને વધાવ્યા હતા. સાથે ઢોલ- શરણાઈ વગડાવીને પરંપરાગત આવકાર આપ્યો હતો. ગામ દ્વારા સમાજવાડીની ઈમારતને “આહિર ભવન” નામ આપવામાં આવ્યું છે એની તકતીનું અનાવરણ કાર્યક્રમના અતિથિ વિશેષ મંત્રી ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા અને બીકેટીના જોઈન્ટ ડાયરેક્ટર રાજીવભાઈ પોદ્દારના હસ્તે કરવામાં આવ્યું હતું. ભવનને મુખ્ય મહેમાનોના હસ્તે રીબીન કાપીને ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. લોકોએ નવનિર્મિત ભવનમાં પ્રવેશ કર્યો અને સુવિધા અને એની સંરચના નિહાળીને પ્રભાવિત થયા હતા. સર્વેએ બી.કે.ટી.ના યોગદાનની ભરપૂર સરાહના કરેલ.
મહેમાનોને મંચ પર આવકાર્યા હતા અને દીપ પ્રાગટ્ય કર્યું હતું. મંચ પરથી પધ્ધર વિકાસ સમિતિના વિપુલભાઇ કાનાભાઈ ખુંગાલા દ્વારા આમંત્રિત મહેમાનો અને સૌ ઉપસ્થિત લોકોનું ઉષ્માભર્યું શાબ્દિક સ્વાગત કર્યું હતું. મહેમાનોનું પાઘ, શાલ તેમજ સ્મૃતિચિન્હ વડે સન્માન કરવામાં આવ્યું હતું. ભૂમિના દાતા અરજણભાઇ ખૂંગલાનું મહેમાનોના હાથે વિશેષ સનમાન કર્યું હતું. સામે અરજણભાઈ દ્વારા શ્રી રાજીવજીનું પણ સન્માન કર્યું હતું.
કાર્યક્રમમાં બાલ ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ લિ.ના ભુજ પ્લાન્ટના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ નરેન્દ્રકુમારજી, સીએસઆર વિભાગના ડી.જી.એમ. રિટાયર્ડ કર્નલ શુભેન્દુ અંજારિયાજી, બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ લિ.ના હેડ ઓફિસથી આવેલા સિનિયર પ્રેસિડેન્ટ અને ડાયરેકટર સતિષ શર્માજી, કચ્છ-પાટણ વિસ્તારના મચ્છોયા આહિર સમાજના પ્રમુખ તેજાભાઈ રામાભાઈ કાનગડ, આહિર સમાજના અગ્રણી શિવજીભાઈ આહિર (માજી ધારાસભ્ય) ઉપસ્થિત રહ્યા હતા.
શિવજીભાઈએ પોતાના વક્તવ્યમાં પધ્ધર મુકામે નિર્માણ પામેલી સમાજવાડી ગુજરાત આખામાં એકમાત્ર હશે એવું જણાવ્યુ હતું. કામગીરી બદલ બીકેટી કંપનીનો આભાર માન્યો હતો. શ્રી છાંગાએ પધ્ધર સમિતિ અને બીકેટી વચ્ચે સેતુરૂપ બન્યા છે એવું જણાવ્યું હતું. તેમજ પધ્ધર ગામ મારૂ જ ગામ છે અને આ સમાજવાડી માટે શ્રી રાજીવજીનો વિશેષ આભાર માન્યો હતો. ભવિષ્યમાં આ અમાનત આપણી છે અને આપણે સાચવવાની છે એ વાત પર ભાર મૂક્યો હતો. તેજાભાઈએ કહ્યું કે, આજે પધ્ધર ગામ જાણે ગોકુળિયું બન્યું હોય એવું લાગે છે. એમણે બીકેટી કંપની દ્વારા સીએસઆરની કામગીરી માટે અભિનદન પાઠવ્યા હતા. તેમજ સમાજના મોવડીએ મંત્રી શ્રી છાંગાનો આભાર વ્યક્ત કર્યો હતો.
બી.કે.ટી.ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નરેન્દ્રકુમારજીએ નવ વર્ષથી કંપનીની કામગીરી સી.એસ.આર. કામગીરી સારી રીતે થઈ રહી છે એ માટે આનંદ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને અક્ષયપાત્રની ૧૯૩ સ્કૂલોના આશરે ૨૮,૦૦૦થી ૩૦,૦૦૦ બાળકોને પૌષ્ટિક નાસ્તો તેમજ ભોજન પ્રતિદિન આપવાની કામગીરી જે વર્ષે આશરે ૬ કરોડથી પણ વધુ ખર્ચ કરાય છે. તેમજ અન્ય સી.એસ.આર. પ્રવૃત્તિઓ વર્ષે આશરે ૮ કરોડના કામ હાથ ધરવામાં આવે છે. કંપનીના સર્વે સર્વા એવા શ્રી રાજીવજીએ માત્ર સમાજવાડી કુલ ૮ કરોડ ૧૦ લાખ જેટલા નાણાં મંજૂર કર્યા હતા. પણ ક્વોલિટીમાં બાંધછોડ નહીં ચાલે એવો આદેશ કયો હતો. તેમના આદેશને ધ્યાને લઈને મે હમેશા આ દોઢ વર્ષની કામગીરીમાં ક્વોલિટી અને માત્ર ક્વોલિટીને પ્રમુખતા આપી છે. સમિતિએ લાઈટ - પંખા માટે પણ વિનંતી કરીએ પણ અમે મંજૂર કરીએ છીએ. ગામના વિંકાસ માટે કંપની ઊભી છે. કામ એક પાયારૂપ ભૂમિકા ભજવશે. અને એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, બી.કે.ટી. કંપની અને પધ્ધર ગામ બંને વિકાસ પામશે.
બી.કે.ટી.ના જોઇન્ટ ડાયરેકટ રાજીવ પોદ્દારજી એ ખૂબ ઉત્સાહથી પધ્ધર ગ્રામજનોને આ ભવન સમર્પિત કર્યું એનો ઉમળકો વ્યક્ત કર્યો હતો. એમણે ગ્રામજનો, સમિતિના સભ્યો અને બીજા લોકો જેમણે આ કામમાં સહકાર આપ્યો છે એનો આભાર માન્યો હતો. બીકેટીની ટીમ જેણે આ શક્ય બનાવ્યું એમનો પણ આભાર માન્યો હતો. કાર્યમાં ગામ સાથે હતું ત્યારે આ શક્ય બન્યું. હજુ પણ આ કામને વધુ આગળ લઈ જવાની તક રહેલી છે. એમણે ખાસ જરૂરી એવી બાથરૂમ - ટોયલેટની સુવિધા માટે વધારાનું બજેટ ફાળવવાનું એલાન કર્યું હતું. એમના માટે પધ્ધર કર્મભૂમિ હોવાથી વિશેષ મહત્વ રહેલું છે એવું પણ જણાવ્યું હતું.
અતિથિ વિશેષ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ આ અવસરે સમગ્ર આહિર સમાજ અને પધ્ધર ગામને અભિનંદન પાઠવ્યા હતા. એમણે કંપનીના શ્રી રાજીવજી અને શ્રી કુમારજી અને ટીમ માટે આભાર વ્યક્ત કર્યો હતો. એમણે આ સામાજિક સંપદાએ એક આદર્શ અને સમાજને એક્જૂટ કરવા દાખલારૂપ બનશે. આ નૂતન સમાજવાડીનું કાર્ય મંદિર જેટલું પવિત્ર કાર્ય થયું છે એવું બી.કે.ટી.ના સર્વે સર્વા રાજીવજીને ઉદેશીને કહ્યું હતું. સમાજના પ્રમુખ તેજાભાઈ એક દાતાર તરીકેની ભૂમિકા બજાવી રહ્યા છે એમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. રાજીવજીનો સમાજ અને ગ્રામજનોવતી સમાજવાડી બનાવી આપવા બદલ આભાર માન્યો હતો. સમાજવાડી સાચા કાર્યનું દ્રષ્ટાંત છે. વધુમાં કહ્યું હતું કે, બીકેટી જે રીતે સી.એસ.આર. કરે છે એ ન ભૂતો ન ભવિષ્ય જેવુ છે. બધા સાથે મળીને એક દિશામાં કામ કરે તો આવું સુંદર પરણામ આવે એવું પણ ટાંક્યું હતું. તેઓએ ગુજરાત રાજ્ય સરકાર અને અંજાર વિધાનસભા મત વિસ્તારવતી સરાહનીય કામગીરી માટે આભાર માન્યો હતો.
અંતમાં વિવિધ સમિતિઓ વડે મંત્રીનું અને રાજીવજીનું સ્મૃતિચિન્હ વડે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. પધ્ધર ગામે ઉત્સવ જેવો માહોલ બન્યો હતો. જેમાં, બહોળી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. વેલાભાઈએ આભારવિધિ કરી હતી. સંચાલન હરિભાઈ જરૂ કર્યું હતું.
--------

Comments