રેલડી ફાટક ઓવરબ્રીજ મામલે સ્થાનિક ખેડૂતોમાં આક્રોશ
સરકારમાં રજૂઆતો પડતર હોવા છતાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કામગીરી શરૂ કરાતા ખેડૂતો મેદાને આવ્યા : નવી યોજના રદ કરી જૂના પ્લાન મુજબ કામ કરવાની કિસાન સંઘે કરી માંગ
ભુજ - કચ્છઉદય : ચુબડકથી ભુજ વચ્ચેના નેશનલ હાઈવે નંબર ૩૪૧ પર રેલડી મોટી રેલ્વે ફાટક પાસે નિર્માણ પામનારા ઓવરબ્રીજ મામલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના હિતને નુકસાન પહોંચાડતી નવી યોજનાના અમલીકરણ સામે સ્થાનિક ખેડૂતોએ મક્કમ વિરોધ નોંધાવ્યો છે. આજે કુકમા ગામ અને આસપાસના વિસ્તારના ખેડૂતો, કિસાન સંઘ દ્વારા રેલડી મોટી રેલ્વે ફાટક પર બની રહેલા ઓવરબ્રીજ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કિસાન અગ્રણીઓએ જણાવ્યું હતું કે, હાલના નવા પ્લાન મુજબ બ્રીજનું નિર્માણ કરવાથી ખેતીની જમીન અને ખેડૂતોના આર્થિક હિતોને મોટું નુકસાન થાય તેમ છે. આ બાબતે અગાઉ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી તેમજ સંબંધિત ટેકનિકલ એડવાઈઝર સમક્ષ પણ લેખિત રજૂઆતો કરવામાં આવી છે. ખેડૂતોની મુખ્ય માંગણી છે કે વર્ષ ૨૦૧૭-૧૮ના જૂના પ્લાન મુજબ જ ઓવરબ્રીજનું નિર્માણ કરવામાં આવે જેથી ખેતી અને સ્થાનિકોને ઓછામાં ઓછી અડચણ ઊભી થાય.
આ અંગે સરકારમાં રજૂઆતો ચાલુ હોવા છતાં અને મામલો હજુ અનિર્ણિત હોવા છતાં, નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ઓચિંતી કામગીરી શરૂ કરી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આજે મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો જૈન અપાશરા અને આકાશવાણી પાસે એકત્રિત થયા હતા અને મક્કમતાપૂર્વક પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. કિસાન અંગ્રણી શશીકાંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, જ્યાં સુધી તેમની માંગણીઓનો સંતોષકારક ઉકેલ નહીં આવે અને જૂના પ્લાન મુજબ કામ કરવાની ખાતરી નહીં મળે ત્યાં સુધી તેઓ શાંત બેસશે નહીં. નવા પ્લાનથી કુકમાના અંદાજીત ર૯ ખેડૂતો અને જૈન ધર્મના સ્થાનને વચ્ચેથી ઓવરબ્રિજ પસાર થતો હોવાથી જુના પ્લાન મુજબ પ્રોજેકટ આગળ ધપાવવામાં આવે તે જરૂરી છે.
કુકમા ગ્રામ પંચાયતના સભ્ય ઉત્તમ રાઠોડે જણાવ્યું હતું કે, ગ્રામજનો કે, ખેડૂતોનો વિરોધ વિકાસ સામે નથી. વિકાસકામો જરૂરી છે, પણ વિકાસની સાથે સાથે સ્થાનિકોના હિત જળવાય તે જરૂરી છે. પ્રદર્શન સ્થળે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી અજયકુમાર સ્વામીને કિસાન અગ્રણીઓ અને સ્થાનિકો દ્વારા મુદાસર રજૂઆત કરવામાં આવી હતી. આ સ્થળે પીઆઈ જે.કે. મોરી અને પદ્ધર પોલીસના જવાનો પણ હાજર રહ્યા હતા.
આ વેળાએ કુકમાના ઉપસરપંચ ભરતસિંહ સોઢા, પ્રજ્ઞેશભાઈ ચોથાણી, યોગેશભાઈ પોકાર, પૂનાભાઈ આહિર, ગોપાલભાઈ ચાવડા, કિસાન સંઘના પ્રમુખ મંગાભાઈ આહિર, રમેશભાઈ મિસ્ત્રી, રાજુભાઈ ચાવડા, વિનોદભાઈ પિંડોરિયા, કિશોરભાઈ પટેલ, વિહારધામના રજનીભાઈ ભણસાલી, વિનોદભાઈ શાહ, કપિલ મહેતા વગેરે ઉપરાંત સ્થાનિક કિસાનો મોટી સંખ્યમાં હાજર રહ્યા હતા.
.........
સાંસદ દ્વારા પણ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને કરાઈ હતી રજૂઆત
ભુજ : કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ પણ અગાઉ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને એક પત્ર લખીને ભુજ તાલુકાના રેલડી ગામ પાસે નેશનલ હાઈવે નંબર ૩૪૧ પર પ્રસ્તાવિત ઓવરબ્રિજના નકશામાં કરવામાં આવેલા ફેરફાર સામે ઉગ્ર વાંધો ઉઠાવ્યો હતો. સાંસદે રજુઆતમાં જણાવ્યું હતું કે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા અગાઉ રેલડી ગામ અને આકાશવાણી પાસેના ઓવરબ્રિજ માટે જે નકશો મંજૂર કરવામાં આવ્યો હતો, તેમાં તાજેતરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા નકશાને કારણે સ્થાનિક ખેડૂતો અને રહીશોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને તેનાથી ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સાંસદ શ્રી ચાવડાએ પણ નવા નકશાને બાજુ પર મૂકીને અગાઉના મંજૂર કરાયેલા જૂના પ્લાન અને નકશા મુજબ જ કામગીરી કરવામાં આવે તેવી રજુઆત કરી હતી.
.......

Comments