Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ યુનિવર્સિટીમાં ‘એડવાન્સ્ડ એનાલિટિકલ ઇન્સ્ટ્રૂમેન્ટેશન’ પર ઐતિહાસિક રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન 

17 January



ભુજ - કચ્છઉદય : ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના સહયોગથી, ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા ૧૯થી ૨૪ જાન્યુઆરી દરમિયાન છ દિવસીય રાષ્ટ્રીય કક્ષાની કાર્યશાળા “એડવાન્સ્ડ એનાલિટિકલ ઇન્સ્ટ્રૂમેન્ટેશન” વિષય પર યોજાઈ રહી છે. યુનિવર્સિટીમાં ખૂબ ઉપયોગી કાર્યશાળા થઈ રહી છે, જેમાં એક જ મંચ પર દેશ- વિદેશની અગ્રણી કંપનીઓ અને સંશોધકો ભાગ લેશે.
કાર્યશાળાનું ઉદઘાટન ૧૯ જાન્યુઆરીના સવારે ૧૦ઃ૧૫ કલાકે યુનિવર્સિટીના કોર્ટ હોલ (કૃષ્ણ ભવન) ખાતે યોજાશે. મુખ્ય અતિથિ તરીકે એેગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝના પ્રમોટર પરિણીતા ઝવાહર ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરશે. સાથે કુલપતિ પ્રો. ડૉ. મોહન પટેલ, ઈન્ચાર્જ રજીસ્ટ્રાર ડૉ. તેજલ શેઠ હાજર રહેશે.
કેસીજી દ્વારા કાર્યશાળા માટે શરૂઆતમાં ૩૦ ભાગીદારો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. પરંતુ વિષયની પ્રાસંગિકતા અને માંગને કારણે દેશભરમાંથી કુલ ૨૦૮ નોંધણીઓ મળી હતી. વધતી માંગને પહોંચી વળવા એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. કચ્છ અને ક્રિષ્ના સાયન્ટિફિક ગાંધીધામ સહ-પ્રાયોજક તરીકે જોડાયા છે. ૧૩૫ પસંદગી પામેલા ભાગીદારોને કાર્યશાળાનો લાભ મળશે. બહારગામથી આવનાર સંશોધકો માટે યુનિવર્સિટી ગેસ્ટ હાઉસમાં રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
કાર્યશાળામાં વિદ્યાર્થીઓ અને સંશોધકોને અદ્યતન એનાલિટિકલ સાધનોની થિયરી તેમજ પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે. આ માટે જાપાન, જર્મની, અમેરિકા અને સ્વિટ્‌ઝર્લેન્ડની પ્રતિષ્ઠિત કંપનીઓના નિષ્ણાતો ખાસ ઉપસ્થિત રહેશે.
૧૯ જાન્યુઆરી તોશવિન એનાલિટિકલ (શિમાદઝુ - જાપાન) તરફથી હરેશભાઈ રાણપરીયા (૩૦ વર્ષથી વધુ અનુભવ), ઈશાન પારેખ, રશ્મિકાંત વૈષ્ણવ અને પ્રતિક પટેલ માર્ગદર્શન આપશે. સાથે જ માઈલસ્ટોન ઈન્ડિયા તરફથી સ્નેહભાઈ અને પ્રવીણભાઈ તિરમાલી ‘માઈક્રોવેવ ડાઈજેશન’ વિષય પર માહિતી આપશે.
૨૦ જાન્યુઆરી ઈલેક્ટ્રોલેબ કંપનીના નેશનલ હેડ ચંદ્રજીતસિંહ ગોહિલ તેમની ટીમ સાથે ‘ડ્રગ ડિઝોલ્યુશન સ્ટડી’ પર માર્ગદર્શન આપશે. ૨૧ જાન્યુઆરી એજિલન્ટ તરફથી ચિરાગ ખંભાતી અને તેમની ટીમ. ૨૨ જાન્યુઆરી વોટર્સ ઈન્ડિયા તરફથી ચેન્નાઈથી આવેલા ભાવસાહેબ તેમજ ૨૩ જાન્યુઆરી મેટ્રોહમ કંપની તરફથી કોલકાતાથી આનંદભાઈ અને પ્રમોદભાઈ. ૨૪ જાન્યુઆરીના મહેર ટેકનોલોજી અને જીઈઓએલ કંપની તરફથી ફાલ્ગુનભાઈ તથા તેમની ટીમ રહેશે. 
કાર્યશાળામાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત ૩૦થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ એગ્રોસેલ, આશાપુરા અને સોલારિસ જેવી ઉદ્યોગ સંસ્થાઓના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. કાર્યક્રમનું આયોજન રસાયણશાસ્ત્ર વિભાગના વડા ડૉ. જ્યોતીન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે, જ્યારે વર્કશોપના કો-ઓર્ડિનેટર તરીકે ડૉ. વિજય કુમાર રામ સેવા આપી રહ્યા છે. 
કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉ. ગીરીન બક્ષી, ડૉ. ચિરાગ પટેલ, ડૉ. અજય રાઠોડ, લેબ ટેકનિશિયન બીજલ શુક્લા, બિન શૈક્ષિણક વિભાગના સોનલબેન ડાંગેરા, ધૈર્યા શાહ, કાંતિભાઈ વાણંદ, પંકજભાઈ તેમજ વિભાગના પીએચડી અને એમએસસીના વિદ્યાર્થીઓ રાજદીપ ચુડાસમા, કિંજલ ઠક્કર, ઉષા પરમાર, વિવેક રાજગોર, નિઝાર ચાકી, ડૉ. હેન્સી ઠક્કર અને પ્રિયાંશી મમનાણી સતત મહેનત કરી રહ્યા છે.
-----

Comments

COMMENT / REPLY FROM