Trending News
સ્થાનિક સમાચાર

મધરાત્રે કચ્છની ધરા ધણધણી ઉઠી : ખાવડા નજીક ૪.૧ની તીવ્રતાનો ભૂકંપ : થોડા સમય માટે અફરાતફરી સર્જાઈ

17 January

ભૂકંપની વરસી પૂર્વે ધરા ધ્રૂજી



મધરાતે ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ : ૧૭થી વધુ આફ્ટરશોક્સ બાદ ફરી મોટા આંચકાએ ચિંતા વધારી  :  ર૪ કલાકમાં કચ્છમાં ભુકંપના ૩ આંચકા અનુભવાયા


કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના આંચકાએ લોકોમાં ચિંતા ફેલાવી છે. સરહદી વિસ્તાર ખાવડા નજીક મોડીરાત્રે ભૂકંપનો આંચકો અનુભવાતા ઘણા લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા. રીક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૧ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ભૂકંપ રાત્રે અંદાજે ૧.૨૨ વાગ્યે આવ્યો હતો,જેનું કેન્દ્રબિંદુ ખાવડાથી અંદાજે ૫૫ કિલોમીટર દૂર ઉત્તર-પૂર્વ દિશામાં જમીનમાં ૧૧.૬ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું.  જેના કારણે કેટલાક વિસ્તારોમાં  લોકો ઘરોની બહાર મળતી માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી લગભગ ૫૫ કિલોમીટર દૂર નોંધાયું છે. આંચકો અનુભવાતાં કેટલાક ગામોમાં લોકો તાત્કાલિક ઘરની બહાર નીકળી આવ્યા હતા. થોડા સમય માટે ભય અને અફરાતફરી જોવા મળી હતી. જોકે, સદનસીબે આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે મોટું આર્થિક નુકસાન થયાની માહિતી પ્રાપ્ત થઈ નથી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૪ કલાક દરમિયાન કચ્છ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં હળવા ભૂકંપના આંચકાઓ નોંધાયા છે. ગઈકાલે ભચાઉ અને રાપર પંથકમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. સતત આવતાં આવા આંચકાઓને કારણે સ્થાનિક લોકોમાં ચિંતા વધી રહી છે.
અગાઉ ડિસેમ્બર ૨૦૨૫ના અંતિમ સપ્તાહમાં પણ રાપરથી ૪૩ કિલોમીટર દૂર ૪.૪ની તીવ્રતાનો શક્તિશાળી આંચકો આવ્યો હતો, જેના પગલે અત્યાર સુધીમાં નાના-મોટા ૧૭ થી વધુ આફ્ટરશોક્સ એટલે કે કંપન નોંધાઈ ચૂક્યા છે. સતત ધ્રૂજતી ધરાને કારણે તંત્ર અને ભૂસ્તરશાસ્ત્રીઓ પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ૨૦૦૧ના ભૂકંપની યાદો તાજી થતા સરહદી પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
કચ્છ વિસ્તાર ભૂગર્ભીય દૃષ્ટિએ અતિ સંવેદનશીલ માનવામાં આવે છે. ખાસ કરીને વાગડ ફોલ્ટલાઇન આસપાસ વારંવાર ભૂકંપની ઘટનાઓ નોંધાતી રહે છે. વર્ષ ૨૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપને અઢી દાયકા જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ કચ્છની ધરા હજુ સંપૂર્ણપણે શાંત થઈ નથી.
સમયાંતરે આવતા હળવા અને મધ્યમ તીવ્રતાના ભૂકંપના આંચકાઓ લોકોમાં ભયની લાગણી ઉભી કરે છે. સરહદી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો વધુ સતર્ક બની ગયા છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને અફવા ન ફેલાવવાની તેમજ શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે.

 

Comments

COMMENT / REPLY FROM