Trending News
સ્થાનિક સમાચાર

નખત્રાણામાં બાયપાસ રોડ ક્યારે? :  કે પછી લાશો ગણાયા બાદ જ તંત્ર જાગશે?

17 January

આશાસ્પદ યુવાનના મોત ટાંકણે આક્રોશ : કોઈક તો બોલો, કોઈક તો આવો આગળ.!



નખત્રાણા બાયપાસ રોડની જાહેરાત થયાને બે વર્ષથી વધુનો સમય થઈ ગયો, તો પછી આજ સુધી એક ઈંટ પણ કેમ મુકાઈ નથી?
આ જાહેરાત માત્ર કાગળ પરની હતી કે લોકોની આંખોમાં ધૂળ નાખવા માટે?

અબડાસાના ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા તો સદાય જનહિતના પ્રશ્નોને ધારદાર રીતે રજુ કરતા રહે છે, ભોગગ્રસ્તોએ તેમની સાથે રહી અને બાયપાસ રોડ માટે ઘડવું જોઈએ પરીણામલક્ષી રજુઆત માટેનું આયોજન : પ્રદુમનસિંહ ભાઈ કોઈ પણ પ્રકારની સાડાબારી રાખ્યા વિના સરકાર તબક્કે સચોટ અને ધારદાર રજુઆત કરવાની ધરાવી રહ્યા છે છબી

નખત્રાણામાં બાયપાસ રોડનો અભાવ : ‘યમરાજ’ સમાન મહાકાય વાહનો વચ્ચે નાગરિકોના જીવ પર તોળાતું જોખમ

જમીન સંપાદન-માપણી,  સહિતના પ્રક્રીયાઓ ચાલુમાં જ છે : શ્રી કમલેશ નાઈ (ઈન્ચાર્જ અધિકારી શ્રી આર એન્ડ બી)


ગાધીધામ :નખત્રાણા શહેરમાં બાયપાસ રોડના અભાવે દિવસો પસાર થતાં જાય તેમ જીવલેણ અકસ્માતોનો ખતરો વધી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પરથી દિવસભર મોટા ટ્રેલર, ડમ્પર અને અન્ય મહાકાય વાહનોની અવરજવર ચાલુ રહેતા નખત્રાણાના રસ્તાઓ જાણે ‘યમરાજના માર્ગ’ બની ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પરિણામે શહેરના મૂળ માર્ગો સતત ટ્રાફિકથી અને તોતીંગ નિયમ વિરૂદ્ધ દોડી રહેલા મોટ મોટા ટ્રેઈલરોના લીધે ડેથ ટ્રેપ જ બની ગયા હોય તેમ ઘટનાઓ બની રહી છે. તાજેતરમાં જ એક મહાકાય ટ્રેઈલર તળે ૩૦ વર્ષીય આશાસ્પદ યુવાનનું કચડાઈ જવાથી મોત નિપજવા પામી ગયુ છે. એક પરીવારનો રોશન દીવો બુજાઈ ગયો છે, યમદુત સમાન દોડતા મોટા મોટા વાહનો, શહેરમાં વધેલા વાહનોના ટ્રાફીક તથા નાના મોટા થયેલા અતિક્રમણોની સમસ્યાનો સીધો ઉપાય બાયપાસ રોડ જ રહેલો છે. બાયપાસ રોડ એક યા બીજા કારણોસર અમલવારીના તબક્કે દેખાતો જ ન હોવાથી અને આવા યુવાનોના કરૂણ મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે હવે આંતરીક રીતે જનઆક્રોશ વધી રહ્યો છે. તંત્ર,પદાધિકારીઓ સૌને એક જ મોટો સવાલ થવા પામી રહ્ય છે કે, નખત્રાણામાં બાયપાસ રોડ કયારે? કે પછી લાશો ગણાયા બાદ જ નિર્ભર તંત્ર અને અધિકારીગણ આ બાબતે એકશનમાં આવેલુ દેખાશે?
લાબા સમય પહેર્લા નખત્રાણા બાયપાસ રોડની જાહેરાત થવા છતાં આજદિન સુધી તેની કોઈ સ્પષ્ટ અમલવારી જોવા મળતી નથી. આશ્ચર્યની વાત તો એ છે કે આ ગંભીર મુદ્દે ન તો તંત્રનું “પેટનું પાણી ચાલતું” દેખાય છે, ન તો જવાબદાર અધિકારીઓની કોઈ સક્રિયતા સામે આવી છે. યુવાનનો અકાળે જીવ ગયો, છતાં ચેતવણી નથી લેવાતી?
તાજેતરમાં નખત્રાણા શહેર વિસ્તારમાં એક કરુણ ઘટના બની ચૂકી છે. આશરે ૩૦ વર્ષીય નવયુવાન, શહેર માતાજીના ધર્મસ્થાન નજીક મોટા ટ્રેલરની હડફેટે આવી જતા અકાળે મોતને ભેટ્યો. આ ઘટનાએ ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે જો બાયપાસ રોડને તાત્કાલિક નિર્ણાયક તબક્કે ન લવાય, તો આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન થતું જ રહેશે. શહેરના રસ્તાઓ પર નાના-મોટા અતિક્રમણો, ભયંકર ટ્રાફિકનો ભાર અને નિયંત્રણના અભાવ વચ્ચે નખત્રાણાના નાગરિકો, ખાસ કરીને યુવાનો, સતત જીવના જોખમે ફરવા મજબૂર બન્યા છે. સૌ કેાઈએ આ બાબતે વેળાસર જ અવાજ ઉઠાવવો જોઈએ, તંત્રના સુતેલા ઈમાનને જગાડવુ જોઈએ, બાય પાસ રોડ નિર્માણની પ્રક્રીયા કયાં ઘોંચમાં પડી છે તેના કારણો જાણી જરૂરી તબક્કે તેના નિકાલ કરી અને આ રોડ અમલવારી તબક્કે વહેલામાં વહેલી તકે જોવા મળી જાય તે માટે જરૂર જણાય તો રસ્તા રોકો જેવા ઉગ્ર આંદોલનો પણ કરવા જ ઘટે. બીજીતરફ આ બાબતે આર એન્ડ બીના ઈન્ચાર્જ અધિકારીશ્રીને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, માપણી, જમીન સંપાદનમાં વાંધાઓ સાંભળવા સહિતની પ્રક્રીયાઓ ચાલુમાં જ છે.

............



બાયપાસ રોડ માટે હવે જનઆંદોલન જ એકમાત્ર રસ્તો?

ગાંધીધામ : બીજી તરફ, નખત્રાણાની ભોગગ્રસ્ત પ્રજાએ પણ હવે ચૂપ ન રહેવાનો સમય આવી ગયો છે. જો બાયપાસ રોડ માટે તંત્ર જાગતું ન થાય, તો જનઆંદોલનનો મોરચો છેડવાની તૈયારી રાખવી પડશે. એક મંચ નીચે શહેરવાસીઓ ભેગા થઈને રસ્તા રોકો આંદોલન સુધી પગલાં ભરવાની ફરજ પડે તો તે પણ કરી દેખાડવું જોઈએ. કારણ કે પ્રશ્ન હવે વિકાસનો નહીં, પરંતુ સીધો જનજીવન અને જનસુરક્ષાનો છે.

.........

જિલ્લા સંકલન બેઠકમાં મુદ્દો ઉઠવો

ગાંધીધામ : હકીકતમાં  નખત્રાણા બાયપાસ રોડનો મુદ્દો જિલ્લા સંકલન સમિતિની બેઠકમાઉઠાવવો જરૂરી બન્યો છે. માત્ર ચર્ચાથી શહેરવાસીઓના જીવ બચી શકશે કે કેમ એ મોટો પ્રશ્ન છે. નખત્રાણાના શહેરીજનો પર મંડરાતા મોતના જોખમોને દૂર કરવા તંત્ર અને જવાબદારોએ હવે ગંભીરતાથી વિચારવું જ રહ્યું.

........


બાયપાસે રોડમાં વિલંબ કરનારાઓને સીધા જ તીખા સવાલો..!

• શહેરના રસ્તાઓ પર દિવસભર ફરી રહેલા મહાકાય ટ્રેલર અને ડમ્પર શું નાગરિકો માટે નહીં, પરંતુ યમરાજના દૂત બન્યા નથી? • આ ટ્રાફિક કોણે શહેરના મધ્યમાં ધકેલ્યો? •શું બાયપાસ રોડ વગર જ નખત્રાણાને ચલાવવાનો કોઈ ગુપ્ત એજન્ડા છે? •તાજેતરમાં ૩૦ વર્ષીય યુવાન ટ્રેલરની ફેટે અકાળે મોતને ભેટ્યો• આ મોત માટે જવાબદાર કોણ? ડ્રાઈવર? અથવા બાયપાસ રોડ ન બનાવનાર તંત્ર? કે પછી ચુપચાપ બેઠેલા જવાબદારો? • શહેરના મુખ્ય માર્ગો પર નાના-મોટા અતિક્રમણો કેમ દૂર થતા નથી?શું આ અતિક્રમણો કોઈના આશીર્વાદથી જીવંત છે? • ટ્રાફિકના ભયંકર ભાર છતાં ટ્રાફિક પોલીસ, નગરપાલિકા અને માર્ગ વિભાગ આખરે કરે શું છે? • નખત્રાણા જિલ્લાનું મુખ્ય મથક છે, યાત્રાધામ માતાના મઢ- નારાયણસરોવર-હાજીપીર જેવા પવિત્ર સ્થાનકો તરફ જતા હજારો પ્રવાસીઓ અહીંથી પસાર થાય છે. પ્રવાસીઓની સલામતીની જવાબદારી કોની? કોઈ મોટી દુર્ઘટના થાય પછી જ એલર્ટ આવશે કે શું? • નખત્રાણાની પ્રજા રોજ મોતના સાયામાં જીવતી રહે છે શું આ જ “વિકાસ” છે? : શું લોકોના જીવ કરતાં ફાઈલની ગતિ વધુ મહત્વની છે?

.........


મુખ્ય મથક, યાત્રાધામ અને ટ્રાફિકનું ભારણ


ગાંધીધામ : નખત્રાણા જિલ્લાનું મહત્વપૂર્ણ મુખ્ય મથક છે. અહીંથી મોટી સંખ્યામાં લોકો અને વાહનોની અવરજવર રોજિંદી છે. માતાના મઢ-હાજીપીર-નારાયણસરોવર જેવા પવિત્ર યાત્રાધામ તરફ જતા હજારો પ્રવાસીઓ પણ આ જ માર્ગ પરથી પસાર થાય છે. પ્રવાસી વાહનો સાથે મીઠાવાળા, ખનીજવાળા, પવનચક્કીઓવાળા, ઉદ્યોગોને લગતા ભારે વાહનોના ઘસારાએ સ્થિતિ વધુ ભયજનક બનાવી દીધી છે.આવી સ્થિતીએ વેળાસર બાયપાસ રોડ બને તે ખુબજ અનિવાર્ય બની ગયુ છે.


.........


હવે સવાલ સ્પષ્ટ છે કે..?

ગાંધીધામ : કેટલી લાશો પછી બાયપાસ રોડ બનેલો જોઈ શકાશે? કેટલા યુવાનોના અકાળે જીવ ગયા પછી તંત્ર જાગશે? કે પછી જનતા રસ્તા પર ઉતરી આવે ત્યારે જ નિર્ણય લેવાશે?જો તંત્રને જનજીવનની ચિંતા ન હોય,તો શું નખત્રાણાની પ્રજાએ એક મંચ નીચે ભેગા થઈને જનઆંદોલન, રસ્તા રોકો અને ઉગ્ર વિરોધનો માર્ગ અપનાવવો ન પડે?

.........

Comments

COMMENT / REPLY FROM