Trending News
સ્થાનિક સમાચાર

માંડવી કેમ્પમાં પેરાસેઈલિંગ તાલીમમાં આભને આંબવા એનસીસી કેડેટ્‌સની ઉડાન

16 January




જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સના આર્મી તથા નેવીના ૫૯૪ કેડેટ્‌સ જોડાયા : ૩૬ ગુજરાત એનસીસી બટાલિયન ભુજ દ્વારા દસ દિવસીય વાર્ષિક તાલીમ કેમ્પનો પ્રારંભ


ભુજ - કચ્છઉદય : જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સના વિવિધ યુનિટ તથા બટાલિયનના આર્મી તથા નેવી વિંગ્સના કેડેટ્‌સ ૧૪ થી ૨૩ જાન્યુઆરી દરમિયાન કચ્છના માંડવી ખાતે યોજાયેલા દસ દિવસીય સંયુક્ત વાર્ષિક તાલીમ શિબિર દરમિયાન ૩૬ ગુજરાત બટાલિયન એનસીસી ભુજ દ્વારા આયોજિત  રોમાંચક પેરાસેઈલિંગ તાલીમમાં ભાગ લઈ રહ્યા છે. યુવા કેડેટ્‌સમાં નેતૃત્વશક્તિ અને ટીમવર્કના ગુણો વિકસાવવા,  શારીરિક તથા માનસિક તંદુરસ્તી પ્રત્યે જાગૃત કરવા અને સાહસિક પ્રવૃતિઓ માટે પ્રોત્સાહિત કરવા એનસીસી દ્વારા આ સાહસિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રમાણિત તાલીમકારની નિષ્ણાત દેખરેખ હેઠળ, કેડેટ્‌સને પેરાસેઈલિંગના મૂળભૂત સિદ્ધાંતો શીખી રહ્યા છે. જેમાં સલામતીના પગલાં, સાધનોનું સંચાલન અને હવાઈ નેવિગેશનનો સમાવેશ થાય છે. આ સાહસિક અનુભવે કેડેટ્‌સને ડરને દૂર કરવા, તેમની મર્યાદાઓનું પરીક્ષણ કરવા અને દરિયાકિનારાથી ઉપર ઉડાન ભરતા આત્મવિશ્વાસ વધારવાનો પડકાર ઝીલવા પ્રેરિત કર્યા છે.
૩૬ ગુજરાત એનસીસી બટાલિયન ભુજના કમાન્ડિંગ ઓફિસર કર્નલ વિકાસ પ્રભાકરે કેડેટ્‌સના પ્રદર્શન અને ઉત્સાહ પર ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ યુવા કેડેટ્‌સે અસાધારણ હિંમત અને શિસ્તનું પ્રદર્શન કર્યું છે. પેરાસેલિંગ એ માત્ર એક સાહસિક રમત નથી પરંતુ નેતૃત્વ, નિર્ણય લેવાની ક્ષમતા અને ભયને દૂર કરવા જેવા મહત્વપૂર્ણ જીવન કૌશલ્યો વિકસાવવા માટેનું એક પ્લેટફોર્મ છે. આ કેમ્પમાં યુદ્ધ તથા કટોકટીના સમયે માહિતીનું આદાન પ્રદાન, ડ્રોન સ્પોટિંગ અને ફ્લાઇંગ, નાગરિક સંરક્ષણ, પ્રાથમિક સારવાર વગેરે વિષયો અંગે પણ કેડેટ્‌સને ખૂબ ઉપયોગી તાલીમ આપવામાં આવી રહી છે.
તાલીમ મેળવી રહેલા કેડેટ્‌સ પૈકીના અર્ચનાબા જાડેજા, ઓમકુમાર પાંડે,સિનિયર અન્ડર ઓફિસર રચના જોધા, લીડિંગ કેડેટ બંસી પટોડિયાએ આ તાલીમને જીવનનો યાદગાર અનુભવ ગણાવી હતી. પેરાસેઈલિંગ જેવી સાહસિક પ્રવૃત્તિ માટે મોટી રકમ ચૂકવવી પડે છે પણ અહીં તાલીમ તદ્દન નિઃશુલ્ક આપવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. આ તાલીમ જીવનમાં વિવિધ પડકારનો સામનો કરવા માટે ઉપયોગી બનશે તેવી લાગણી તાલીમાર્થીઓએ વ્યક્ત કરી હતી.
-------- 

Comments

COMMENT / REPLY FROM