મુંદરાના મોટા કપાયામાં પરમિટની મર્યાદા બહાર ગેરકાયદે ખનન ઝડપાયું
ટાસ્ક ફોર્સ દ્વારા એક્સકવેટર મશીન સીઝ કરાયું
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં ગેરકાયદે ખનિજ ચોરીની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કાર્યરત ટાસ્કફોર્સ દ્વારા મુંદરા તાલુકાના મોટા કપાયા ગામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ખનિજ ચોરી અંગે મળી રહેલી વ્યાપક ફરિયાદોને ગંભીરતાથી લઈને ટાસ્કફોર્સની ટીમ દ્વારા ગત તારીખ ૧૫/૦૧ના રોજ આ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ઘટનાસ્થળે એક એક્સકવેટર મશીન દ્વારા સાદી માટીનું ગેરકાયદે ખનન થતું હોવાનું માલૂમ પડ્યું હતું.
તપાસ દરમિયાન એક્સકવેટર મશીનના માલિકે પોતાની પાસે જય દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝના નામે સાદી માટીની ક્વૉરી પરમિટ હોવાના પુરાવા રજૂ કર્યા હતા. જોકે, તપાસ ટીમ દ્વારા જ્યારે પરમિટ વાળા વિસ્તાર અને ખરેખર જ્યાં ખોદકામ થઈ રહ્યું હતું તે વિસ્તારની ઝીણવટભરી ખરાઈ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે, પરમિટધારક દ્વારા મંજૂર થયેલા વિસ્તારની બહાર જઈને સાદી માટીનું ગેરકાયદે ખાણકામ કરવામાં આવી રહ્યું છે. નિયમોના ઉલ્લંઘન બદલ ટાસ્કફોર્સ દ્વારા સ્થળ પરથી એક્સકવેટર મશીનને સીઝ કરવાની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે કસૂરવારો સામે આગામી સમયમાં ઙ્મકાયદેસરનાં પગલાં ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
----------

Comments