ભુજમાં દોરા એકઠા કરનારને રોકડ પુરસ્કાર અપાયા
ભુજ : મકરસંક્રાંતિના પર્વ બાદ પતંગના જીવલેણ દોરાઓથી પક્ષીઓને બચાવવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજના જાણીતા સામાજિક કાર્યકર મિતેષભાઈ હીરાલાલ શાહ દ્વારા દાતા ભદ્રેશભાઈ મહેતા અને ચિરાગભાઈ શાહની પ્રેરણા અને સહયોગથી પ્રશંસનીય અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અભિયાન અંતર્ગત રસ્તાઓ અને અગાશીઓ પર વેરાયેલા દોરા એકત્ર કરી લાવનાર નાગરિકોને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પક્ષીઓ દોરામાં ફસાઈને ઈજાગ્રસ્ત ન થાય તે હેતુથી મિતેષભાઈ શાહ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે, જે કોઈ વ્યક્તિ રસ્તા પરથી પતંગના દોરા એકત્ર કરીને લાવશે તેમને દાતા ભદ્રેશભાઈ મહેતા તથા ચિરાગભાઈ શાહ તરફથી રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ અપીલને ભુજના જીવદયા પ્રેમીઓ અને પક્ષી પ્રેમીઓ તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો. મોટી સંખ્યામાં બાળકો અને યુવાનોએ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પતંગના પેચ બાદ વેરાયેલી દોરીઓ એકઠી કરી મિતેષભાઈની ઓફિસે જમા કરાવી હતી.
એકત્ર થયેલા તમામ જોખમી દોરાઓનો બાદમાં પદ્ધતિસર નાશ કરવામાં આવ્યો હતો, જેથી તે ફરી કોઈ પક્ષી માટે જીવલેણ ન બને. આ તકે દોરા જમા કરાવનાર તમામ ઉત્સાહીઓને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં સામાજિક કાર્યકર મિતેષભાઈ શાહની સાથે વેપારી અગ્રણી દિનેશભાઈ શેઠ ઉપરાંત જૈનમ જોશી અને પ્રકાશસિંહ ગોહિલ પણ જોડાયા હતા. સ્થાનિકોએ મિતેષભાઈ અને દાતાઓના અભિગમને બિરદાવ્યો હતો, જે પક્ષીઓ માટે ‘અભયદાન’ સમાન સાબિત થઈ રહ્યો છે.
-----

Comments