જુના કટારીયા સીમમાં સરકારી જમીન પર ગેરકાયદેસર મકાન તોડાયું
ડ્રગ્સ, દારૂ, હત્યાના પ્રયાસ સહિતના ગુનામાં સંડોવાયેલા હોટલ માલીક આરોપીના ગેરકાયદે દબાણ પર લાકડિયા પોલીસનું બુલડોઝર ફરી વળ્યું : ૬૦૦ ચો.મી. જગ્યા ખાલી કરાવાઈ
ગાંધીધામ : પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના જુના કટારીયા સીમ વિસ્તારમાં સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાકડીયા પોલીસ સ્ટેશનની હદમાં આવતાં મોરબી - સામખિયાળી હાઇવે નજીક આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલ રહેણાંક મકાન ડિમોલેશન કરીને તોડી
પાડવામાં આવ્યું છે.
જુના કટારિયા સીમમાં આવેલ સંધુ સરદાર હોટલના ગુલવતસિંઘ ઉર્ફે સની હજુરસિંઘ સરદારે પોતાના આર્થિક ફાયદા માટે જુના કટારીયા સીમની અંદાજે ૬૦૦ ચોરસ મીટર સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે રહેણાંક મકાનનું બાંધકામ કરેલું હતું.
પોલીસ અને સંબંધિત વિભાગોની સંયુક્ત કાર્યવાહી દરમિયાન આ ગેરકાયદેસર બાંધકામને સંપૂર્ણપણે તોડી
પાડવામાં આવ્યું છે. આરોપી વિરૂદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ, ખૂનની કોશિષ, મિલકત સંબંધી તેમજ પ્રોહીબીશન એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા છે. લાકડીયા પોલીસ દ્વારા અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહીના ભાગરૂપે સરકારી જમીન પરના
અતિક્રમણ સામે કડક વલણ અપનાવી આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કે અતિક્રમણ કરનારાઓ સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેમ પોલીસ દ્વારા જણાવાયું છે.

Comments