Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં પાનમસાલાની કૃત્રિમ અછત :  છૂટક બજારમાં અંધાધૂંધી અને ઉઘાડી લૂંટ

16 January





ફેબ્રુઆરીથી લાગુ થનારા નવા ટેક્સ પહેલા કાળાબઝારીઓ મેદાનમાં : જિલ્લામાં પાન- મસાલા અને બીડી - સિગારેટના બજારમાં ગરમાવો : કેટલાક કાળા બજારીયાઓના ગોડાઉનો હાલ પાન -મસાલા અને તમાકુના કાર્ટનથી ઉભરાયા : કચ્છના ગ્રામીણ વિસ્તારો અને અંતરિયાળ ગામડાઓમાં પાન-મસાલા અને ખાસ કરીને બીડી - સિગારેટની કૃત્રિમ અછત


ભુજ - કચ્છઉદય : ગુજરાતના સૌથી મોટા ભૌગોલિક વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લામાં હાલ પાન-મસાલા અને તમાકુના બજારમાં એકાએક તેજીનો પવન ફૂંકાયો છે. આગામી પહેલી ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકાર દ્વારા પાન-મસાલા અને તમાકુ ઉત્પાદનો પર જીએસટીના દરમાં મોટો ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવતા જ કચ્છના મુખ્ય વેપારી મથકો જેવા કે ભુજ, ગાંધીધામ, અંજાર અને મુંદરામાં કાળા બજારીઆઓએ આગોતરું આયોજન શરૂ કરી દીધું છે. સરકાર જ્યારે ટેક્સનું માળખું બદલીને ૨૮ ટકાથી સીધું ૪૦ ટકા કરવા જઈ રહી છે ત્યારે કચ્છના બજારમાં માલની સંગ્રહખોરી અને કૃત્રિમ અછત જેવી સ્થિતિ ઊભી થતા સામાન્ય ગ્રાહકોમાં ચિંતા જોવા મળી રહી છે.કચ્છના વિવિધ વિસ્તારોમાં કાર્યરત કેટલાક મોટા ડિલરો  દ્વારા હાલના નીચા ટેક્સ દરનો લાભ લેવા માટે મોટા પ્રમાણમાં માલનો જથ્થો મંગાવી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગાંધીધામ અને ભુજ જેવા વ્યાપારી કેન્દ્રોમાં આવેલા કેટલાક કાળા બજારીયાઓના ગોડાઉનો હાલ પાન-મસાલા અને તમાકુના કાર્ટનથી ઉભરાઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમુક સંગ્રહખોરો એવી ગણતરી લગાવી રહ્યા છે કે અત્યારે ૨૮ ટકા જીએસટીમાં ખરીદેલો માલ જ્યારે ફેબ્રુઆરીમાં ૪૦ ટકા ટેક્સ લાગુ થશે ત્યારે ઊંચા ભાવે વેચીને મોટો નફો કમાઈ શકાશે. આ ગણતરીના કારણે બજારમાં માલ હોવા છતાં તેને રોકી રાખવાની નીતિ અપનાવવામાં આવી રહી છે.
કચ્છના ગ્રામીણ વિસ્તારો અને અંતરિયાળ ગામડાઓમાં પાન-મસાલા અને ખાસ કરીને બીડી-સિગારેટની કૃત્રિમ અછત સર્જવામાં આવી છે. હાલના સંજોગોમાં સરળતાથી માલ ન મળવાથી નાના દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે.  ખાસ કરીને શ્રમિક વર્ગમાં વધુ વપરાતી બીડીના જથ્થા અને સસ્તા પાનમસાલાના જથ્થામાં પણ અચાનક ઘટાડો જોવા મળતા વ્યસનીઓ હેરાન-પરેશાન થઈ રહ્યા છે. બજારમાં એવી અફવાઓ પણ જોર પકડી રહી છે કે આવનારા દિવસોમાં માલની અછત હજુ વધુ ઘેરી બનશે, જેના કારણે ગ્રાહકો અત્યારથી જ જરૂરિયાત કરતા વધુ ખરીદી કરવા મજબૂર બન્યા છે.
નવા ટેક્સ માળખામાં માત્ર જીએસટી જ નહીં પરંતુ મશીન કેપેસિટી મુજબના નવા સેસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કચ્છમાં જે રીતે સંગ્રહખોરીના વાવડ મળી રહ્યા છે તે જોતા જીએસટી વિભાગ આગામી સમયમાં તપાસનો ધમધમાટ શરૂ કરે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. એક તરફ સરકાર ટેક્સ ચોરી રોકવા માટે કડક કાયદા લાવી રહી છે ત્યારે બીજી તરફ કચ્છના કેટલાક લેભાગુ તત્વો આ ફેરફારનો મહત્તમ આર્થિક લાભ લેવા માટે આતુર દેખાઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ફેબ્રુઆરી માસમાં નવા દરો અમલી બન્યા બાદ કચ્છનું આ અસ્તવ્યસ્ત બજાર કઈ દિશામાં વળે છે.

....

Comments

COMMENT / REPLY FROM