ખનીજ માફિયાઓ પાસેથી ૯ મહિનામાં ૬ કરોડથી વધુનો દંડ વસૂલાયો
પશ્ચિમ કચ્છમાં ખાણ ખનીજ વિભાગની લાલ આંખ
ખનીજના ગેરકાયદેસર ખનન અને પરિવહન સામે તંત્રની કડક કાર્યવાહી
ભુજ - કચ્છઉદય : પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગ દ્વારા છેલ્લા નવ મહિના દરમિયાન ખનીજ ચોરીના દૂષણને ડામવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી છે. ગત ૧ એપ્રિલ ૨૦૨૫ થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધીના સમયગાળામાં તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ દરોડા પાડીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આકસ્મિક તપાસમાં ખનીજ ચોરીના અસંખ્ય કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જેમાં તંત્રએ આકરી દંડકીય કાર્યવાહી કરી છે. ખાસ કરીને પ્રતિબંધિત વિસ્તારોમાં થતા ખનન અને રોયલ્ટી પાસ વગર થતા ખનીજના વહન સામે અધિકારીઓએ બાજ નજર રાખીને મોટી સફળતા મેળવી છે.
ખાણ ખનીજ વિભાગની કામગીરીની વિગતો અનુસાર આ સમયગાળા દરમ્યાન ખનીજના ગેરકાયદેસર ખનન પેટે કુલ ૪૮ જેટલા કેસ નોંધવામાં આવ્યા છે. આ કેસોમાં વિભાગ દ્વારા કડક વલણ અપનાવીને ૨૭૮.૧૬ લાખ રૂપિયા જેટલી માતબર રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. માત્ર ખનન જ નહીં પરંતુ ખનીજનો ગેરકાયદેસર સંગ્રહ કરનારાઓ સામે પણ તંત્રએ સપાટો બોલાવ્યો છે. ખનીજ સંગ્રહના ૧૩ કેસોમાં ૮૯.૩૪ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ કામગીરી સૂચવે છે કે પશ્ચિમ કચ્છમાં ખનીજ સંપત્તિનું રક્ષણ કરવા માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા પાયાના સ્તરે સતર્કતા દાખવવામાં આવી રહી છે.
વિભાગની આ નવ મહિનાની કામગીરીમાં સૌથી વધુ કેસ ખનીજના ગેરકાયદેસર પરિવહનને લગતા જોવા મળ્યા છે. માર્ગો પર વહન કરતા વાહનોની તપાસ દરમિયાન વહનના ૨૨૧ કેસ નોંધાયા છે જેમાં કુલ ૨૩૩.૧૭ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. આમ પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગે ખનન, વહન અને સંગ્રહના મળીને કુલ ૨૮૨ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરી છે. આ તમામ કેસોમાં થઈને તંત્ર દ્વારા કુલ ૬૦૦.૬૭ લાખ રૂપિયા એટલે કે છ કરોડથી વધુની રકમ દંડ પેટે સરકારી તિજોરીમાં જમા લેવામાં આવી છે. આગામી સમયમાં પણ ખનીજ માફિયાઓ સામે આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવો સંકેત વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે.

Comments