અંજાર તાલુકાના ચાંદરાણી ખાતે શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમાં પ્રથમ સોપાન ‘વેદ વિદ્યાલય’નું થશે લોકાર્પણ
ભુજ : ભારતીય સંસ્કૃતિ, વૈદિક પરંપરા અને આધ્યાત્મિક શિક્ષણના પુનરુત્થાન માટે એક ઐતિહાસિક પગલાં રૂપે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા સંસ્થાપિત અને રાપર ગુરુકુલ દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમ્ ચાંદરાણી (અંજાર-કચ્છ) ખાતે વેદ વિદ્યાલયના પ્રથમ સોપાનનું ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. તા. ૧૬,૧૭, ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ ત્રણ દિવસ ચાલનાર આ ઐતિહાસિક સમારોહનો મુખ્ય ઉદ્દેશ “વેદોના જ્ઞાનનો વિસ્તાર થાય, વૈદિક જ્ઞાનથી સમાજ સંસ્કારી બને, સૌ સુખી થાય” એવા ઉદ્દાત હેતુ સાથે આ ગુરુકુલમ્ ની સ્થાપના કરવામાં આવી રહી છે.
આ વૈદિક ગુરુકુલમ્ માં વિદ્યાર્થીઓને વૈદિક પદ્ધતિ મુજબ બ્રહ્મચર્ય આશ્રમ જીવન, સંસ્કૃત ભાષા, ચાર વેદો, વ્યાકરણ, દર્શન, આયુર્વેદ, ગૌસંવર્ધન, યોગ, ધ્યાન, આચાર-વિચાર, જીવનમૂલ્યો તેમજ આધુનિક વિષયોના સંતુલિત શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસ આપવામાં આવશે. અહીં શિક્ષણ સંપૂર્ણ રીતે નિઃશુલ્ક આપવામાં આવશે અને વિદ્યાર્થીઓ માટે રહેઠાણ, ભોજન તથા આવશ્યક સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. તા.૧૮ જાન્યુઆરી ૨૦૨૬, રવિવારના રોજ સવારે ૧૧-૩૦ કલાકે વૈદિક વિધિ, પૂજા-અર્ચના અને સંતોના આશીર્વાદ સાથે યજમાનોની ઉપસ્થિતિમાં ભુજ મંદિર ના મહંત સ. ગુ. સ્વામી ધર્મનંદનદાસજીના વરદ હસ્તે વેદ વિદ્યાલયનું લોકાર્પણ અને નવા ભવનના નિર્માણ માટે શિલા પૂજન કરવામાં આવશે. આ પ્રસંગે ભુજ મંદિરના મહંત સદગુરુ પુરાણી સ્વામી ધર્માનંદનદાસજી, ઉપમહંત સ. ગુ. સ્વામી ભગવદ્જીવનદાસજી, સ. ગુ. કોઠારી પાર્ષદ જાદવજી ભગત, રાપર મંદિરના મહંત તથા ગુરુકુલના માર્ગદર્શક સદ્ગુરુ સ્વામી બાલકૃષ્ણદાસજી, સ. ગુ. સ્વામી મુકુંદજીવનદાસજી, સ. ગુ. સ્વામી હરિબળદાસજી તેમજ અન્ય સંતો, વિદ્વાનો, રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ દરમિયાન ત્રણેય દિવસ બપોર પછી ૩-૩૦ થી ૬-૩૦ દરમિયાન સાંજના સમયે ધર્મસભા, વૈદિક પાઠ, શાસ્ત્રીય પ્રવચનો, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે અને કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ વિદેશમાંથી આવેલા સંતો અને વિદ્વાનો દ્વારા વૈદિક જ્ઞાનનું મહત્ત્વ અને આજના સમાજમાં તેની પ્રાસંગિકતા વિષે માર્ગદર્શન આપવામાં આવશે. શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા ચાંદરાણીની પ્રસાદી ભૂમિ પર સ્થાપિત થતું આ વૈદિક ગુરુકુલમ્ સમાજને ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે સશક્ત બનાવશે તથા આવનારી પેઢીઓને સંસ્કારસભર જીવન માટે તૈયાર કરશે, તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ ઐતિહાસિક લોકાર્પણ મહોત્સવમાં ભુજ, અંજાર, માંડવી, રાપર , તેમજ ભુજ મંદિર સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ સહિત સમગ્ર કચ્છ પટેલ ચોવિસી અને આસપાસના વિસ્તારોના હરિભક્તો, ગ્રામજનો તથા સંસ્કૃતિપ્રેમી જનતાને પધારવા સંતો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
----------

Comments