Trending News
સ્થાનિક સમાચાર

મુંદરા-પાણીપત પાઈપલાઈન તેલચોરીનો માસ્ટરમાઈન્ડ જાવેદ હજુય ફરાર’

15 January

ખાખીના હાથ કેમ પડે છે ટૂંકા?




વાડી-જમીનની આડમાં રાષ્ટ્રીય સંપત્તીની સુનિયોજિત લૂંટ — છતાં સુત્રધાર પોલીસ પકડથી દૂર!


ગાંધીધામ - કચ્છઉદય : મુંદરા-પાણીપત પાઈપલાઈનમાંથી કરોડોની કિંમતના પેટ્રોલિયમની આયોજનબદ્ધ ચોરીના હાઈપ્રોફાઈલ કેસમાં એક મોટો સવાલ ઊભો થયો છે — શું પોલીસ ખરેખર ગુનેગારોને પકડવા માંગે છે કે 
પછી કોઈ ‘અદૃશ્ય દબાણ’ હેઠળ કામ કરી રહી છે?બીપીસીએલ દ્વારા નોંધાવાયેલી ફરિયાદ બાદ પોલીસતંત્રએ શરૂઆતમાં એક આરોપીને અને ત્યારબાદ વધુ બે સાગરીતોને ઝડપી લીધા હતા. 
પરંતુ સમગ્ર ષડયંત્રનો મુખ્ય સુત્રધાર જાવેદ હજુ પણ ખુલ્લેઆમ ફરતો હોવાનું કહેવાય છે. આ સ્થિતિએ તપાસની નીત-નિયત પર ગંભીર શંકા ઊભી કરી છે. જાણકાર સૂત્રો જણાવે છે કે જાવેદે વાડી-જમીન ખરીદી તેની આડમાં રાષ્ટ્રીય સંપત્તિ સમાન તેલની ચોરીનું સંગઠિત નેટવર્ક ઊભું કર્યું હતું. આ માત્ર સ્થાનિક ચોરી નહીં, 
પરંતુ સુનિયોજિત, ટેકનિકલ અને સંગઠિત ગુનાખોરી હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે. તેમ છતાં, 
પોલીસના હાથ કેમ બંધાયેલા છે? હવે ચર્ચા એ પણ છે કે શું જાવેદને સામેથી ‘ગોઠવણ’ હેઠળ રજુ કરાવીને મામલો ઠંડો પાડવાની વેતરણ ચાલી રહી છે? શું તેને પકડી કડક રીમાન્ડ લેવાય તો મોટા માથાઓ બહાર આવી જશે, તેથી તેને બચાવવામાં આવી રહ્યો છે? કોના ઈશારે આ ચોરીનું ષડયંત્ર રચાયું? કોને આમાંથી હિસ્સો મળતો હતો? જો જાવેદ ઝડપાય અને કડક પૂછપરછ થાય તો માત્ર સ્થાનિક ગેંગ નહીં, પરંતુ મોટું રાષ્ટ્રીય સ્તરનું નેટવર્ક ખુલ્લું પડવાની પૂરી સંભાવના છે. છતાં તે પોલીસ પકડથી દૂર છે — આ વાત જ શંકા ઊભી કરે છે.  જો આ રીતે જ ચાલશે તો જનતામાં પોલીસ અને સિસ્ટમ પ્રત્યેનો વિશ્વાસ તૂટશે — અને એ દેશ માટે ખતરનાક સંકેત છે.


........................


તીખા સવાલો :

શું પોલીસ જાવેદને પકડવામાં અસમર્થ છે કે અનિચ્છુક?
કોણ છે તે ‘મોટા માથા’ જે આ કેસને દબાવવા માગે છે?
શું આ કેસ પણ બીજા હાઈપ્રોફાઈલ કેસોની જેમ રફેદફે થશે?
રાષ્ટ્રીય સંપત્તિ લૂંટનારને કાયદાનો ડર છે કે રાજકીય છત્રછાયા?

 

Comments

COMMENT / REPLY FROM