ગાંધીધામમાં દબાણમુક્તિ ઝુંબેશને મોટી સફળતા
આદિપુરના મનપાના પ્લોટ પરથી મસ્જિદ સહિત ૨૦ કોમર્શિયલ-રહેણાક દબાણો પર બુલડોઝર ફર્યુ
મસ્જિદમાં ર૦૦૦ ચોમીટર જેટલુ ગેરકાયદેસર હતુ બાંધકામ : ગાંધીધામ મનપા-પૂર્વ કચ્છ પોલીસની સંયુકત કામગીરી : ૩ હિટાચી, ૪ જેસીબી, ર બ્રેકર, ર ડમ્પર અને છ ટ્રેકટરનો ઉપયોગ કરી ગેરકાયદેસર દબાણ કરાયું દુર
ગાંધીધામ સંકુલના દબાણકારોને મનપા કમિશ્નર શ્રીગુરવાણીનો સ્પષ્ટ સંદેશ : ગેરકાયદેસર બાંધકામો કોઈના પણ હોય નહીં ચલાવી લેવાય
કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર ઘટનાસ્થળ પર વહેલી સવારે રહ્યા હતા હાજર તો પૂર્વ્ કચ્છ એસઓજી-એલસીબી સહીતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખડકાયો
ગાંધીધામ : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરને દબાણમુક્ત બનાવવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત આજ રોજ આદિપુર વિસ્તારમાં મહાનગરપાલિકાના માલિકીના પ્લોટ પર આવેલા વિવિધ પ્રકારના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ પ્લોટ પર આવેલી મસ્જિદ તેમજ આશરે ૨૦ જેટલા વિવિધ કોમર્શિયલ અને રહેણાક પ્રકારના ગેરકાયદેસર બાંધકામોને નિયમોનુસાર નોટિસ આપી, સુનાવણી પૂર્ણ કર્યા બાદ દબાણ હટાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. દબાણ હટાવવાની સમયમર્યાદા તા. ૧૨ના રોજ પૂર્ણ થતી હતી, તે પહેલા જ સંબંધિત પક્ષોએ મસ્જિદ તેમજ કોમર્શિયલ અને રહેણાક દબાણો સ્વેચ્છાએ દૂર કરવાનું શરૂ કર્યું હતું.ત્યારબાદ મહાનગરપાલિકા, પોલીસ તંત્ર, SRC , GDA , PVVCL થા હેલ્થ વિભાગના સુમેળભર્યા સંકલન સાથે વહેલી સવારે દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી. આ કાર્યવાહી દરમિયાન અંદાજિત ૪.૫ થી ૫ કરોડ રૂપિયાની બજાર કિંમત ધરાવતી આશરે ૨૦૦૦ ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરવામાં આવી છે.મનપા કમિશનરશ્રી મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી મેહુલ દેસાઈ અને સંજય રામાનુજ, દબાણ અધિકારી શ્રી ગાયત્રીપ્રસાદ જોષી સહિત એન્જિનિયરિંગ અને ફાયર વિભાગનો સ્ટાફ હાજર રહ્યો હતો. કામગીરી માટે ૩ હિટાચી, ૪ જેસીબી, ૨ બ્રેકર, ૨ ડમ્પર અને ૬ ટ્રેક્ટરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.સુરક્ષા વ્યવસ્થા માટે ડીવાયએસપી શ્રી મુકેશ ચૌધરી તથા પીઆઈ શ્રી મહેશ વાળા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.
મનપાએ સ્પષ્ટ જણાવ્યું છે કે આવનારા સમયમાં દબાણમુક્તિ ઝુંબેશ વધુ કડક રીતે ચાલુ રહેશે. નાગરિકોને સહકાર આપવા, સામેથી દબાણ દૂર કરવા, ખોટી અફવાઓથી દૂર રહેવા તથા કાયદો-વ્યવસ્થાની
પરિસ્થિતિ જાળવવા તંત્રને પૂરતો સાથ-સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
’
.....................
અંદાજીત ૫ કરોડની જમીન ખુલ્લી કરાઈ
ગાંધીધામ : આદિપુરમાં આજ રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગાંધીધામ મનપા દ્વારા ગેરકાયદેસર ધાર્મીક દબાણ દુર કરવામા આવ્યુ છે. અહી અંદાજીત ર૦૦૦ ચો.મીટરમાં ગેરકાયદેસર રીતે બંધાયેલ મસ્જિદને દુર કરવામા આવી છે અને તેના લીધે સાડાચારથી પાંચ કરોડની સરકારી જમીન ખુલ્લી થવા પામી હોવાનુ મનપાના ડે.કમિશ્નરે જણાવ્યુ હતુ. આજ રોજ દબાણ દુર કરાયુ છે તે ગાંધીધામ મનપા તથા પૂર્વ કચ્છ પોલીસની સંયુકત કાર્યવાહી કરવામા આવી છે. જેસીબી જેવા સાધનો વડે આ દબાણ દુર કરવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અહી પોલીસ કાફલો તૈનાત કરવામા આવ્યો હતો.

Comments