Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં વિકાસકામોની ગુણવત્તા સામે સવાલ : જનપ્રતિનિધિઓ ક્યારે જાગશે?

12 January

અમરેલીના પ્રભારી મંત્રીની કાર્યશૈલીમાંથી લ્યો બોધપાઠ


અમરેલીના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીની જેમ કચ્છના  પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને સ્થાનિક જનપ્રતિનિધિઓ કોન્ટ્રાક્ટરો સામે લાલ આંખ કરે તેવી લોકલાગણી : માર્ગ-મકાન, નેશનલ હાઇવે અને નર્મદા કેનાલના કામોમાં વ્યાપક ગેરરીતિની ફરિયાદો વચ્ચે વિજિલન્સ તપાસની જરૂરી : જનપ્રતિનિધિઓની સક્રિયતા જ ભ્રષ્ટાચારને અટકાવશે : જાગૃત કચ્છીજનોએ વ્યક્ત કરી લાગણી 


ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લો જે રીતે ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક ફલક પર ઉભરી રહ્યો છે, તેની સાથે જ અહીં માળખાગત સુવિધાઓ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જોકે, આ વિકાસકામોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા રાખવામાં આવતી બેદરકારી અને ગુણવત્તાના અભાવે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં અમરેલીના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ જે રીતે અમરેલી જિલ્લામાં નબળું કામ કરનારા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની અને તેમની સામે કડક કાયદાકીય તપાસ કરવાની ચીમકી આપી છે, તેના પડઘા કચ્છમાં પણ પડ્યા છે. કચ્છની જનતા હવે આશા રાખી રહી છે કે જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને સ્થાનિક સાંસદ અને ધારાસભ્યો પણ આ જ પ્રકારનું કડક વલણ અપનાવીને કોન્ટ્રાક્ટરોની મનમાની પર લગામ કસે.
કચ્છમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સ્ટેટ હાઇવે તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હાથ ધરાતા માર્ગ વિસ્તૃતીકરણના કામોમાં મોટા પાયે લોલમલોલ થતી હોવાની લોક બૂમ ઉઠી છે. કરોડોના ખર્ચે બનતા હાઈવે પર ટૂંકા ગાળામાં જ ગાબડાં પડવા અને ડામર ઉખડી જવાની ઘટનાઓ કોન્ટ્રાક્ટરોની મિલીભગત તરફ આંગળી ચીંધે છે. ખાસ કરીને હાઈવે પર વપરાતું નબળું મટીરીયલ વાહનચાલકોના જીવનું જોખમ વધારે છે. અમરેલીના પ્રભારી મંત્રીની જેમ કચ્છમાં પણ આ હાઈવે પ્રોજેક્ટ્‌સની ગુણવત્તા ચકાસવા માટે નિષ્ણાતોની ટીમ દ્વારા સરપ્રાઈઝ વિઝીટ લેવામાં આવે તેવી પ્રબળ માંગ છે. કચ્છની જીવાદોરી સમાન નર્મદા યોજના અંતર્ગત બનતી મુખ્ય કેનાલ, બ્રાન્ચ કેનાલ અને માઈનોર કેનાલોના કામોમાં પણ ગુણવત્તાના ધજાગરા ઉડી રહ્યા છે. અનેક સ્થળોએ કેનાલના લાઈનિંગમાં તિરાડો પડવી અને સામાન્ય પાણીના પ્રવાહમાં પણ ગાબડાં પડવાની ઘટનાઓ સામે આવી છે. નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચતું નથી.
કચ્છના અંતરિયાળ વિસ્તારો અને સરહદી પટ્ટી પર બનતા રસ્તાઓ હોય કે ગ્રામીણ સુવિધાઓના કામો, અવારનવાર નબળા મટીરીયલના વપરાશની ફરિયાદો ઉઠતી રહે છે. નિર્ધારિત સમય મર્યાદા કરતા વહેલા તૂટી જતા રસ્તાઓ અને સરકારી મકાનોમાં પડતી તિરાડો સીધી રીતે ભ્રષ્ટાચાર તરફ આંગળી ચીંધે છે. મંત્રી જીતુભાઈ વાઘાણીએ જે રીતે સ્પષ્ટ કર્યું છે કે પ્રજાના પૈસાનું શોષણ ચલાવી લેવાશે નહીં, તેવી જ રીતે કચ્છમાં પણ દરેક સ્તરે ચાલતા કામોમાં ગુણવત્તાની ચકાસણી થાય તે અનિવાર્ય છે. લોકોની એવી લાગણી છે કે પ્રભારી મંત્રી કે સ્થાનિક પ્રજાના પ્રતિનિધિ પોતે જ સરપ્રાઈઝ વિઝીટ કરીને કામોની ચકાસણી કરે અને જે કોન્ટ્રાક્ટરો ગેરરીતિ આચરે છે તેમને કાયમી ધોરણે બ્લેકલિસ્ટ કરી રાજ્યમાં ક્યાંય કામ ન મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. આ સંજોગોમાં પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા, કચ્છ મોરબી લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડા, સ્થાનિક ધારાસભ્યો  દ્વારા નર્મદાના કામોની કડક સમીક્ષા કરવામાં આવે અને નબળું કામ કરનારાઓને બ્લેકલિસ્ટ કરવામાં આવે તે સમયની માંગ છે. સ્થાનિક સ્તરે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જો સતત સક્રિય રહીને પોતાના વિસ્તારના વિકાસકામોની દેખરેખ રાખે તો ભ્રષ્ટાચારના અવકાશ ખૂબ ઘટી જાય છે. કચ્છના વિવિધ તાલુકાઓમાં ચાલતા પ્રોજેક્ટ્‌સમાં વિજિલન્સ તપાસની જરૂરિયાત ઊભી થઈ છે. કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણીએ અમરેલીના સંદર્ભમાં જે રીતે રિપોર્ટ મંગાવ્યા છે, તે જ તર્જ પર કચ્છમાં પણ શંકાસ્પદ જણાતા તમામ કામોનો ટેકનિકલ રિપોર્ટ તૈયાર કરી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની જવાબદારી નક્કી થવી જોઈએ. જનતાના હિતમાં પારદર્શિતા લાવવા માટે પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કચ્છની નેતાગીરી મક્કમતાથી મેદાને આવે તેવી લોક લાગણી હાલમાં જિલ્લાભરમાં પ્રવર્તી રહી છે.

Comments

COMMENT / REPLY FROM