સરકારી જમીન પર ‘ભાડાનું સામ્રાજ્ય’ ચલાવતા દબાણકારો સામે તંત્ર ક્યારે કરશે લાલ આંખ?
ગેરકાયદેસર દુકાનો - કેબીનો ખડકી લાખોની વસૂલાત કરનારા ભૂમાફિયાઓ સામે ગાળિયો કસાશે ? : જિલ્લા મથક ભુજ સહિત કચ્છમાં ગૌચર અને સરકારી પડતર જમીનો પર વર્ષોથી જામી પડેલા રાજકીય પીઠબળ ધરાવતા દબાણકારો પર સરકારની ‘સર્જિકલ સ્ટ્રાઈક’ જરૂરી : જિલ્લાના જાગૃત નાગરિકોએ વ્યક્ત કરી લાગણી : ભુજ નગરપાલીકામાં પુર્વ અને હાલના નગરસેવકો દ્વારા કરવામાં આવેલી દબાણના ભાડા લેવામાં આવે છે તેની તપાસ કરી તેના ઉપર પગલા ક્યારે..?
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી પડતર તેમજ ગૌચરની કિંમતી જમીનો પર વર્ષોથી ખડકાયેલા ગેરકાયદે દબાણો મામલે હવે લોકોમાં આક્રોશ ભભૂકી રહ્યો છે. અત્યાર સુધી માત્ર નાના દબાણો હટાવવાની કામગીરી થતી હતી રહી છે. તંત્રની નજર એવા ‘ભેજાબાજો’ પર ક્યારે સ્થિર થશે જેઓ સરકારી જમીન પર ગેરકાયદે ઓરડીઓ, દુકાનો અને વ્યાવસાયિક શેડ બનાવીને માસિક લાખો રૂપિયાનું ભાડું ઉઘરાવી રહ્યા છે. તેઓ વેધક સવાલ કચ્છના જાગૃત નાગરિકો ઉઠાવી રહ્યા છે. આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને મોટા પાયે ‘બુલડોઝર’ ફરે તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે.
કચ્છના ખૂણેખૂણે સરકારી જમીનો પર જે રીતે દબાણો વધ્યા છે તેની પાછળ માત્ર જરૂરિયાત નહીં, પણ મબલખ કમાણીની લાલચ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા અને વગદાર ગણાતા અનેક શખ્સોએ સરકારી જમીનોને પોતાની ‘જાગીર’ સમજી તેના પર પાકા બાંધકામો કરી દીધા છે. આ શખ્સો ગરીબ કે નાના વેપારીઓ પાસેથી મસમોટા ભાડા વસૂલીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે. સરકાર હવે માત્ર દબાણ હટાવીને સંતોષ ન માને, પરંતુ ભાડાના નામે મિલકતો ઉભી કરનારા આવા આર્થિક ગુનેગારો સામે પણ કાયદાનો સકંજો કસવામાં આવે તે જરૂરી બન્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તંત્ર કોઈપણ રાજકીય દબાણ વશ થયા વગર તટસ્થતાથી કામગીરી કરશે, તો જ સરકારી જમીનો ખુલ્લી થશે અને ‘ભાડાનું સામ્રાજ્ય’ ચલાવતા તત્વોને યોગ્ય પાઠ ભણાવી શકાશે તેવી લાગણી જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે.
..............
તંત્રની લાપરવાહીથી દબાણકારોમાં કાયદાનો ભય ગાયબ
સ્થાનિક વહીવટી તંત્ર અને નગરપાલિકાની વર્ષોની નિષ્ક્રિયતા અને ‘ઢીલી નીતિ’ને કારણે દબાણકારોમાં કાયદાનો કોઈ જ ડર રહ્યો નથી. ખાસ કરીને જિલ્લા મથક ભુજમાં ફૂટપાથો, જાહેર માર્ગો અને સરકારી ઇમારતોની આસપાસ લારી-ગલ્લા અને ડેરા-તંબુઓના સામ્રાજ્યથી શહેરની સુંદરતા હણાઈ રહી છે. નગરપાલિકા દ્વારા ક્યારેક ‘દેખાડા’ પૂરતી દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરાય છે, પરંતુ તંત્રની ગાડી પાછી વળતા જ દબાણકારો પુનઃ સ્થિતિ ‘જેસે થે’ કરી દેતા હોય છે. તંત્રની આ મેલી મુરાદ અથવા લાપરવાહીને કારણે દબાણકારો હવે વધુ બેફામ બન્યા છે.
.....................
જન આક્રોશ : સામાન્ય જનતાની હાલાકી
શહેરમાં ઠેર-ઠેર ફૂટપાથો પર થયેલા અતિક્રમણને કારણે રાહદારીઓને જીવના જોખમે રસ્તા પર ચાલવું પડે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ વિકરાળ બની છે. સામાન્ય નાગરિક જ્યારે પોતાના નાના કામ માટે નિયમોનું પાલન કરે છે, ત્યારે બીજી તરફ ભૂમાફિયાઓ સરકારી જમીનો પચાવી પાડીને કમાણી કરી રહ્યા છે, તેને જોઈને પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જનતા હવે એ સવાલ ઉઠાવી રહી છે કે, શું કાયદો માત્ર સામાન્ય માણસ માટે જ છે? મોટા માથા સામે તંત્ર કેમ નતમસ્તક થઈ જાય છે?
.............
ગાંધીધામની સફળ ઝુંબેશ : નિષ્ઠાવાન અધિકારીની દ્રઢતા સરાહનીય
ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં વર્ષો જૂની દબાણની સમસ્યાના નિરાકરણ માટે તાજેતરમાં તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. કોઈપણ રાજકીય શેહ રાખ્યા વગર મનપા તંત્ર દ્વારા તમામ દબાણો સામે ધાક બેસાડતી કામગીરી કરવામાં આવી હતી. ગાંધીધામ મનપાના કમિશનર મનીષ ગુરુવાણીના નેજા હેઠળ દબાણ હટાવની ઝુંબેશ સફળ રહી હતી. મનપાની દ્રઢતાને જોઈ શહેરના કેટલાક વિસ્તારોમાં દબાણ કરો એ જાતે જ પોતાના દબાણોને ખસેડી લીધા હતા. ભુજ સહિત જિલ્લામાં જવાબદાર તંત્ર વાહકો ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનરની જેમ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવે તો નાગરિકોને દબાણના ભરડામાંથી મુક્તિ મળી શકે તેવું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.
..................
ભુજના અમુક સ્થળો પર માર્કિંગ
ભુજ શહેરના તમામ રીંગરોડના નવીનિકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગ અને વહિવટીતંત્ર દ્વારા સંયુક્ત કામગીરી કરી નડતરરૂપ બાંધકામો દૂર કરવાની કામગીરી કરાશે. ભુજના ખારીનદી ચાર રસ્તાથી પ્રિન્સ રેસિડેેન્સી માર્ગ પર રોડને અડીને સરકારી જમીન પર બાંધકામ થઈ ગયા છે, તેને તોડવા માર્કિંગ કરાયું છે. જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી વિવિધ વિભાગોની સંયુક્ત બેઠકમાં પણ નડતરરૂપ બાંધકામ દૂર કરવા આદેશ કરાયો છે.
......................

Comments