ભદ્રેશ્વરમાં આધેડ મહિલાની છરીના ઘા ઝિંકી કરપીણ હત્યા
અગમ્ય કારણોસર આવેશમાં આવીને બનાવને અપાયો અંજામ : મુન્દ્રા મરીન પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી
ભુજ - કચ્છ ઉદય : મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વરમાં આધેડ મહિલાની છરીના ઘા ઝિંકી હત્યા કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાથી અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ ૪૮ વર્ષિય હવાબાઈ અભુભાઈ ગોધાની છરીના ઘા ઝિંકી હત્યા કરવામાં આવી હતી. બનાવની જાણ થતા મુન્દ્રા મરીન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘરે લોહીથી લથબથ લાશ મળી આવી હતી. દેહને મુન્દ્રા સીએચસીમાં પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો. છરીના ઘા ઝિંકીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ બનાવથી અરેરાટી ફેલાઈ જવા પામી હતી. પીએમ સહિતની કાર્યવાહી ચાલુમાં હોવાથી ગુનો દાખલ કરાયો નથી. આ બાબતે મુન્દ્રા મરીનના પીઆઈ પી.કે.રાડા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે, હત્યાનો બનાવ બન્યો છે હાલમાં વિવિધ દિશાઓમાં તપાસ ચાલુમાં છે.
.................
પશ્ચિમ કચ્છમાં વર્ષ ર૦રપ મા ર૮ હત્યા, ચાલુ વર્ષે બીજો બનાવ
પશ્ચિમ કચ્છ જિલ્લામાં નજીવી બાબતે હત્યાના બનાવો વધી રહ્યા છે. ખાસ કરીને આવેશમાં આવીને હત્યાના ગંભીર બનાવોને અંજામ આપવામાં આવે છે. વર્ષ ર૦રપ મા પશ્ચિમ કચ્છ જિલ્લામાં હત્યાના ર૮ બનાવો સામે આવ્યા હતા. વર્ષ ર૦ર૪ મા કુલ ર૧ હત્યા થઈ હતી. જેની સામે રપ મા બનાવો વધ્યા હતા. તેમાં ર૭ ગુનાનું પોલીસે ભેદ ઉકેલી લીધો હતો. ચાલુ વર્ષ ર૦ર૬ મા હજુ ૧ર દિવસ થયા છે ત્યાં પશ્ચિમ કચ્છમાં હત્યાના બે બનાવો બન્યા છે. ત્રણ જાન્યુઆરીના મુન્દ્રાના મોટા કપાયામાં ચાર હજારની ચોરી બાબતે સિક્યુરિટી ગાર્ડની હત્યા કરવામાં આવી હતી. જે બાદ ભદ્રેશ્વરમાં મામલો સામે આવ્યો છે.

Comments