Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં વિવિધ શહેરોમાં શાખા ધરાવતા ટ્રાન્સપોર્ટ ના અમદાવાદ સ્થિત ગોડાઉનમાં દારૂ ના નેટવર્કનો પર્દાફાશ : ૯.૫૯ લાખનો વિદેશી દારૂ જપ્ત

11 January



લાલજી મૂળજી ટ્રાન્સપોર્ટમાં હરિયાણાથી લાકડાના ભૂંસામાં છુપાવીને મોકલાયેલી દારૂની ૨૩૪૦ બોટલો પીસીબીએ ઝડપી પાડી : અમદાવાદ કમિશ્નરશ્રી


ગાંધીધામ : ગુજરાત સરકાર એકતરફ દારૂબંધીને લઈને કડક બની રહી છે ત્યારે બીજીતરફ દારૂના ડીલરો નવા નવા કીમીયાઓ શોધી અને સતત ગુજરાતમાં દારૂની ડીલીવરી કરી રહ્યા છે. દરમ્યાન જ અમદાવાદ પોલીસ કમિશ્નરની ખાસ ટીમે હરીયાણાથી અમદાવાદ ટ્રાન્સપોર્ટની આડમાં આવેલ દારૂના જથ્થાને પકડી પાડયો છે. કચ્છમાં પણ ભુજ-ગાંધીધામ-મુંદરા સહિતમાં શાખા ધરાવતા ટ્રાન્સપોર્ટના અમદાવાદ સ્થિતી ગોડાઉનમાથી આ દારૂનો જથ્થો પીસીબીએ પકડી પાડયો હોવાની વાત સામે આવી
રહી છે. અમદાવાદ શહેરમાં પોલીસની વધતી જતી કડકાઈને પગલે હવે બૂટલેગરોએ દારૂની હેરાફેરી માટે ટ્રાન્સપોર્ટના માધ્યમનો સહારો લેવાનું શરૂ કર્યું છે. શહેરના માધુપુરા વિસ્તારમાં આવેલા પ્રેમ દરવાજા નજીક લાલજી મૂળજી ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં હરિયાણાથી મોટા પાયે દારૂનો જથ્થો આવ્યો હોવાની ચોક્કસ બાતમી પોલીસ કમિશનરના સીધા તાબા હેઠળ કાર્યરત પીસીબીના ઇન્સ્પેક્ટર જે.પી. જાડેજાની ટીમને મળી હતી. આ બાતમીના આધારે પીસીબીએ તાત્કાલિક દરોડો પાડીને તપાસ હાથ ધરતા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી લાકડાના ભૂંસાની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી કુલ ૨૩૪૦ બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે, જેની અંદાજિત કિંમત ૯.૫૯ લાખ રૂપિયા જેટલી થાય છે.તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે બૂટલેગરોએ દારૂ છુપાવવા માટે અત્યંત ચાલાકીપૂર્વક લોખંડના પીપડાઓનો ઉપયોગ કર્યો હતો. આ પીપડાઓમાં ઉપરના ભાગે લાકડાનું ભૂંસું ભરી દેવામાં આવ્યું હતું જેથી કોઈને શંકા ન જાય. પીસીબીની ટીમે જ્યારે આ પીપડાઓ ખોલાવ્યા ત્યારે તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ માલ હરિયાણા સ્થિત ‘ન્યૂ કૃષ્ણા પેઇન્ટ્‌સ હાર્ડવેર’ નામની પેઢીના નામે મોકલવામાં આવ્યો હતો. જોકે, ટ્રાન્સપોર્ટના બિલ્ટી અને ચલણમાં માલ મેળવનાર તરીકે અમદાવાદના અશ્વિન વેગડાનું નામ દર્શાવવામાં આવ્યું છે.આ સમગ્ર મામલે પીસીબીએ દારૂનો જથ્થો કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે માધુપુરા પોલીસને સોંપ્યો છે. માધુપુરા પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને અશ્વિન વેગડા નામના શખ્સની શોધખોળ અને આ દારૂનો જથ્થો ખરેખર કોણે મગાવ્યો હતો તે દિશામાં તપાસ તેજ કરી છે. ગાંધીધામમાં લાલજી મુળજી ટ્રાન્સપોર્ટનું સંચાલન સંભાળનાર જવાબદાર શ્રી લહેરીભાઈની સાથે વાતચીત કરતા તેઓએ અમદાવાદમાં થયેલી કાર્યવાહી બાબતે અજાણતા દર્શાવી હતી તો વળી ગાંધીધામમાં આવી કોઈ પ્રવૃતીઓ થવાની સંભાવનાઓ જ તેઓએ નકારી દીધી હતી. તમામ પ્રકારની ચોકકસાઈ તેઓ દ્વારા રાખવામાં આવી રહી હોવાનુ તેમણે જણાવ્યુ હતુ. તો વળી બીજીતરફ અમદાવાદમા લાલજી મુળજી ટ્રાન્સપોર્ટના શ્રી કમલેશભાઈની સાથે વાતચીતનો પ્રયાસ તેમના ફોનની ઘંટડીઓ રણકતી જ રહી હોવાથી વિફળ નીવડયો હતો.

Comments

COMMENT / REPLY FROM