ફોરલેન માટે ૨૫૦થી વધુ વૃક્ષે કપાઈ જવાની ભીતિથી દુઃખી છે સુખપર-મદનપુરના ગ્રામજનો
પંચાયત સહિત સમગ્ર ગામને અંધારામાં રાખીને અસંખ્ય વૃક્ષોની છાલ ઉતારી દેવાઈ : વૃક્ષે કપાય તેનાંથી પહેલાં ગામના વૃક્ષ પ્રેમીઓ સુચવે તે જગ્યાએ એક હજાર વૃક્ષોનું વાવેતર કરીને પાંચ વર્ષ સુધી ઉછેર કરી આપવાની જવાબદારી લેવાની માંગ
ભુજ - કચ્છ ઉદય :કચ્છમાં પ્રવાસન અને ઉધોગની હરણફાળને કારણે વધતા જતા વાહન વ્યવહારને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા રસ્તાઓની સુધારણા માટે અઢળક નાણાં ફાળવવામાં આવી રહ્યાં છે ત્યારે ભુજની ભાગોળે આવેલ જોડીયાં ગામ સુખપર અને મદનપુર માંથી પસાર થતો રાજ્ય ધોરીમાર્ગ ફોરલેન રસ્તામાં પરિવર્તિત થવાની મંજૂરી મળવાથી ગ્રામજનોમાં આનંદની લાગણી છે પરંતુ તાજેતરમાં વર્તમાન રસ્તાની બંને બાજુ ૨૫૦ થી વધુ ઘટાદાર વૃક્ષોની છાલ (ચામડી) ને કોઈ એજન્સીએ ગ્રામ પંચાયત સહિત સૌને અંધારામાં રાખીને ચુપચાપ અને આડેધડ રીતે છાલ છોલી નાખીને તેમાં નંબર લખી જતાં સૌ ગ્રામજનો અને ખાસ કરીને અનેક દાતાઓના સહયોગથી જે વૃક્ષપ્રેમી યુવાનોએ વર્ષો અગાઉ આ વૃક્ષો વાવીને તેનું રાત દિવસની મહેનત સાથે જતન કરીને ઉછેર કર્યો તેઓને ખુબ જ આઘાત સાથે દુઃખ થયું છે.
વૃક્ષારોપણ અને ઉછેર વિષયના સૌ અનુભવી જાણે છે તેમ કોઈ વૃક્ષની છાલ (ચામડી) ઉતારી નાખવી એટલે વૃક્ષને એક ઝાટકે કાપી દેવાને બદલે તે વૃક્ષને રીબાવી રીબાવીને મારવા અથવા ધીમે ધીમે સુકાવી નાખવા જેવું કૃત્ય છે. એટલે ઘટનાની જાણ થતાં જ જાગૃત યુવાનો બંને ગામની પંચાયતમાં જઈને તપાસ કરતાં ખબર પડી કે તંત્ર અથવા કોઈ એજન્સીએ પણ પંચાયતને આ વિષયની કોઈ જાણ જ કરેલ નથી. જો રોડના વિસ્તરણમાં આ વૃક્ષો કપાતમાં આવતાં હોય તો માહિતી ખાતર ઝાડ ઉપર લોખંડની પ્લેટ લગાવીને તેની ઉપર પણ નંબર લખી શકાયાં હોત પરંતુ આડેધડ ચામડી ઉતારવાના કૃત્યથી વ્યથિત ગામના યુવાનો વિચારી રહ્યા છે કે જે ચામડી ઉતારી દેવાઈ છે તે જગ્યાને સારી રીતે રૂઝ આવે તે માટે ગોબર સહિતના જરૂરી દ્રવ્યો લગાવી પાટાપીંડી કરીને આવશ્યક સારવાર સાથે દરેક વૃક્ષોને બચાવી લેવાય. અને જો ગામનાં આ વૃક્ષો રોડ કપાતમાં આવતાં જ હોય તો એ વૃક્ષો કાપતાં પહેલાં ગ્રામજનો જે સરકારી પડતર જગ્યા નક્કી કરે ત્યાં એક હજાર વૃક્ષોનું પધ્ઘતિસર વાવેતર કરીને પાંચ વર્ષ સુધી તેના ઉછેરની બાંહેધરી લેવાય.
ગ્રામજનોને સરકારશ્રી દ્વારા ફોરલેન સહિત જે પણ વિકાસ કાર્યો થાય છે તેનો કોઈ જ વિરોધ નથી પરંતુ વિકાસના ભોગે પ્રકૃતિ અને પર્યાવરણને થતું પારાવાર નુકસાન ટાળવા પુરતાં પગલાં લેવાં જ જોઈએ. અનેક દાતાઓના આર્થિક સહયોગથી ગામમાં વિવિધ જગ્યાએ વર્ષોથી વૃક્ષો વાવીને તેનો જીવની જેમ જતન કરીને હજારો વૃક્ષોનો ઉછેર કરી ચુકેલા યુવાનો જણાવે છે કે આ વિષયે ઘટતું કરવા ગ્રામ પંચાયતથી લઈને કલેક્ટર, ચુંટાયેલ સૌ પ્રતિનિધિઓ, સત્તાપક્ષના સંગઠનના હોદ્દેદારો, રાજ્યના મુખ્યમંત્રી, પર્યાવરણ મંત્રી સહિત સૌને લેખિત રજુઆત કરીને આ વૃક્ષો બચાવી લેવા અથવા વૃક્ષોને કાપતાં પહેલાં એક હજાર વૃક્ષોનું વાવેતર કરી આપવાની બાંહેધરી પણ માગવામાં આવશે.
-----

Comments