કચ્છની ૬૮૦૦થી વધુ પીડિત મહિલાઓ માટે અભયમ ૧૮૧ હેલ્પલાઇન આશીર્વાદરૂપ બની
ગત વર્ષમાં રાજ્યભરમાંથી આવેલા ૧.૮૩ લાખથી વધુ કોલ્સ પૈકી કચ્છમાં ૧૨૦૪ કિસ્સાઓમાં રેસ્ક્યુ વાન દ્વારા સ્થળ પર મદદ પહોંચાડાઈ
ભુજ - કચ્છઉદય : ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ તથા ઇ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા કાર્યરત અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન વર્ષ ૨૦૨૫ દરમિયાન કચ્છ જિલ્લાની મહિલાઓ માટે સાચી સાહેલી સાબિત થઈ છે. જાન્યુઆરી થી ડિસેમ્બર ૨૦૨૫ ના સમયગાળા દરમિયાન કચ્છ જિલ્લામાં કુલ ૬૮૯૨ જરૂરિયાતમંદ મહિલાઓના કોલ આવ્યા હતા, જેમાંથી ૧૨૦૪ અત્યંત સંવેદનશીલ કિસ્સાઓમાં અભયમની રેસ્ક્યુ વાન ઘટના સ્થળે પહોંચી હતી અને પીડિતોને તાત્કાલિક મદદ તેમજ બચાવ કામગીરી પૂરી પાડી હતી. ૩૧૫ મહિલાઓને વધુ સહાય માટે અન્ય બચાવ એજન્સીઓ પાસે રિફર કરવામાં આવી હતી.
સમગ્ર ગુજરાતની વાત કરીએ તો આ એક વર્ષમાં રાજ્યભરમાંથી કુલ ૧,૮૩,૫૨૦ કોલ્સ નોંધાયા હતા, જેમાં ૩૭,૩૮૦ કિસ્સાઓમાં ટીમે સ્થળ પર જઈને માર્ગદર્શન અને સુરક્ષા પૂરી પાડી હતી. કચ્છ જિલ્લામાં નોંધાયેલા વિવિધ કિસ્સાઓમાં સૌથી વધુ ૩૮૬૪ કેસ ઘરેલું હિંસાના જોવા મળ્યા હતા. આ ઉપરાંત શારીરિક, માનસિક અને જાતીય હેરાનગતીના ૮૬૮ કિસ્સાઓ તેમજ લગ્નજીવનના વિખવાદોના ૩૦૭ કેસોમાં હેલ્પલાઇન દ્વારા મદદ કરવામાં આવી હતી. અન્ય નોંધપાત્ર કિસ્સાઓમાં કસ્ટડીને લગતા ૨૭૧, પરિવાર છોડી દેવાના ૧૮૨ અને કાયદાકીય માર્ગદર્શન મેળવવા માંગતી ૧૨૬ મહિલાઓને પણ યોગ્ય સહાય આપવામાં આવી હતી. વળી, છેડતી, સોશિયલ મીડિયા કે મેસેજ દ્વારા થતી હેરાનગતી અને સરકારી યોજનાઓની માહિતી માટે પણ મોટી સંખ્યામાં મહિલાઓએ સંપર્ક કર્યો હતો.
અભયમ ટીમની આ સફળતામાં જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, નારી સંરક્ષણ ગૃહ અને વન સ્ટોપ સેન્ટર જેવી સંસ્થાઓનો સહયોગ નિર્ણાયક રહ્યો હતો. મહિલાઓની સુરક્ષા, શાંતિ અને સામાજિક એકતા જાળવવા માટે આ હેલ્પલાઇને પ્રશંસનીય કામગીરી કરી છે. લગ્નજીવનની સમસ્યાઓ હોય કે જાહેર સ્થળોએ થતી સતામણી, અભયમ ૧૮૧ આજે રાજ્યની યુવતીઓ અને મહિલાઓ માટે મુશ્કેલ સમયનો મજબૂત સહારો બની રહી છે.
-------

Comments