માધાપર ગામેથી ગાંજાના જથ્થા સાથે ભુજનો શખ્સ ઝડપાયો
બાતમીના આધારે એસ.ઓ.જી.ની કાર્યવાહી : આર્મી કેમ્પ રીંગરોડ પરથી ૩૨૪.૫ ગ્રામ નશીલા પદાર્થ અને વાહન સહિત કુલ ૬૯,૨૨૫ રૂપિયાનો મુદ્દામાલ કરાયો જપ્ત
ભુજ - કચ્છઉદય : ભુજ પશ્ચિમ કચ્છ જીલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરહદી રેન્જ આઈ.જી. ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચના હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી.) ની ટીમ સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર પી.સી. શીંગરખીયાના માર્ગદર્શન હેઠળ ટી.બી. રબારી અને તેમની ટીમને એક મોટી સફળતા મળી છે.
ગઈકાલે માધાપર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. દશરથભાઈ ચાવડા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ચૌધરીને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે એક શખ્સ માદક પદાર્થ સાથે ઉભો છે. આ બાતમીના આધારે પોલીસે માધાપર ગામે આર્મી કેમ્પ રીંગરોડ પર આવેલ રમેશ લાઈટ મંડપ પાસેની જય ગોગા હેર સલૂન નજીક વોચ ગોઠવી હતી. ત્યાં ઉભેલા શંકાસ્પદ શખ્સ ઇકબાલ આદમ માંજોઠીની તલાસી લેતા તેની પાસેથી ૩૨૪.૫ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ૧૬,૨૨૫ રૂપિયાની કિંમતનો આ માદક પદાર્થ, એક મોબાઈલ ફોન અને એક હોન્ડા એક્ટિવા મળીને કુલ ૬૯,૨૨૫ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પકડાયેલ આરોપી ઇકબાલ માંજોઠી ભુજના કેમ્પ એરિયામાં પીરવાળી શેરીનો રહેવાસી છે અને તે અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ શખ્સ વિરુદ્ધ અગાઉ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એમ.ડી. ડ્રગ્સના કેસમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે. હાલ પોલીસે આ મામલે માધાપર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી.
-----

Comments