Trending News
સ્થાનિક સમાચાર

ધોળાવીરાનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું : આંતરરાષ્ટ્રીય પતંગબાજોએ આભમાં રચી પતંગોની અદભૂત રંગોળી

10 January



ધોળાવીરાના ભંજડા દાદા સંકુલ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ભવ્ય ઉજવણી : ઐતિહાસિક ધરા પર દેશ-વિદેશના કાઈટિસ્ટોનું કચ્છી સંસ્કૃતિ સાથે ભવ્ય સ્વાગતઃ દેશ-વિદેશના ૬૮ પતંગબાજોએ આભને રંગોથી સજાવ્યું : માનવ મહેરામણ ઉમટ્યો

ભુજ - કચ્છઉદય : કચ્છના રણની અફાટ વિશાળતા અને હડપ્પીય સંસ્કૃતિના ધબકારા વચ્ચે આજે ધોળાવીરાના ભંજડા દાદા સંકુલ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૬નો અત્યંત હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને કચ્છ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવમાં આજે કુદરતી સૌંદર્ય અને માનવીય કલાનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. ભંજડા દાદા સંકુલનું આ સ્થળ જાણે એક બેટ હોય તેમ ચારેબાજુથી પ્રાકૃતિક વૈભવથી ઘેરાયેલું હોવાથી પતંગબાજો અને પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગુજરાત સરકાર દ્વારા આયોજિત વાર્ષિક ઉત્સવોની શૃંખલામાં આજે ધોળાવીરાના આંગણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૬નો અત્યંત ઉત્સાહભર્યા માહોલમાં પ્રારંભ થયો છે. સવારના સૂર્યકિરણોની સાથે જ ધોળાવીરાનું આકાશ અવનવા આકાર અને રંગોની પતંગોથી ઝળહળી ઉઠ્યું હતું, જેને નિહાળવા માટે સ્થાનિક લોકો સહિત મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. આજના ઉત્સાહભર્યા માહોલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ધોળાવીરાના સરપંચ જીલુભા સોઢા, અધિક કલેકટર ડી. પી. ચૌહાણ તથા ભચાઉ પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલ સહિતના મહાનુભાવોએ હાજર રહી પતંગબાજોનો ઉત્સાહ વધાર્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના મહાનુભાવોએ ભારતીય રાષ્ટ્રધ્વજના ત્રણેય રંગના બુલન હવામાં છોડી મહોત્સવનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે દેશ-વિદેશથી પધારેલા કાઈટિસ્ટોનું કચ્છની પરંપરા મુજબ કચ્છી ઢોલના તાલે અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેનાથી વિદેશી મહેમાનો પણ ભાવવિભોર બન્યા હતા. આ મહોત્સવમાં વિશ્વના ૧૮ દેશોના ૪૫ પતંગબાજો અને ભારતના ૭ વિવિધ રાજ્યોના ૨૩ પતંગબાજોએ ભાગ લઈ ધોળાવીરાના આકાશને પતંગોની રંગોળીથી સજાવી દીધું હતું. ખાસ કરીને આજે 
પવનની ગતિ પતંગ ચગાવવા માટે એકદમ સાનુકૂળ અને અદભૂત રહી હોવાથી પતંગબાજોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અનુકૂળ 
પવનને કારણે વિશાળકાય પતંગો આસાનીથી આભમાં લહેરાતા જોઈ ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. આકાશમાં જ્યારે એકસાથે ડ્રેગન, કાર્ટૂન પાત્રો અને વિશાળકાય પતંગો ચગાવવામાં આવી ત્યારે જાણે આભમાં પતંગોની રંગોળી પુરાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વિદેશી પતંગબાજોએ પણ કચ્છના આતિથ્ય સત્કાર અને ધોળાવીરાના શાંત વાતાવરણની પ્રશંસા કરી હતી. આ મહોત્સવમાં સ્થાનિક સ્કૂલના બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમના ચહેરા પર વિદેશી પતંગો જોઈને એક અનોખી ખુશી અને આશ્ચર્યના ભાવો રેલાયા હતા. બાળકો માટે આ એક યાદગાર શૈક્ષણિક અને સાંસ્કૃતિક અનુભવ બની રહ્યો હતો. કાર્યક્રમનું સ્થળ ભંજડા દાદા સંકુલ એક બેટ જેવો વિસ્તાર હોવાથી ત્યાંથી રણ, દરિયો અને આકાશ જ્યાં એકાકાર થાય છે તે ક્ષિતિજના મનોહર દ્રશ્યો જોવા મળતા હતા. આ પ્રાકૃતિક સૌંદર્યને કેમેરામાં કેદ કરવા માટે પ્રવાસીઓએ ભારે પડાપડી કરી હતી. રણની સફેદ ચાદર અને ઉપર રંગબેરંગી પતંગોથી છવાયેલું આકાશ ફોટોગ્રાફીના શોખીનો માટે સ્વર્ગ સમાન સાબિત થયું હતું. પતંગ રસીકો અને પ્રવાસીઓની મોટી મેદની વચ્ચે ધોળાવીરાની આ ઐતિહાસિક ધરા આજે વૈશ્વિક મંચ પર ફરી એકવાર ઝળકી ઉઠી હતી.

 

Comments

COMMENT / REPLY FROM