કચ્છના નાના રણના પ્રવાસથી પરત ફરી રહેલી શાળાની બસ પલટી
હળવદ તાલુકાની શાળાના ૪૭ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ
ભુજ - કચ્છઉદય : કચ્છના નાના રણનો શૈક્ષણિક પ્રવાસ પૂર્ણ કરીને પરત ફરી રહેલી મોરબી જિલ્લાની હળવદ તાલુકાની વિવેકાનંદ સ્કૂલની બસને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર રણમલપુર ગામ પાસે ચાલુ બસનું ટાયર અચાનક નીકળી જતાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને બસ રસ્તા પર જ પલટી મારી ગઈ હતી. આ અચાનક બનેલી ઘટનાને પગલે બસમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
શાળા દ્વારા આયોજિત આ શૈક્ષણિક પ્રવાસમાં ધોરણ ૯ અને ૧૧ના કુલ ૪૭ વિદ્યાર્થીઓ કચ્છના નાના રણની મુલાકાતે ગયા હતા. પ્રવાસના સુખદ સ્મરણો સાથે પરત ફરી રહેલા આ વિદ્યાર્થીઓ માટે વળતી મુસાફરી ભયાનક સાબિત થઈ હતી. જોકે આટલી મોટી દુર્ઘટના છતાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને કાચ તોડીને તેમજ અન્ય રીતે વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તોને જરૂરી પ્રાથમિક સારવાર મળે તે માટેની વ્યવસ્થા પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન અને પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
-----

Comments