બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે પ્લાસ્ટિક સર્જરી અને દમ-શ્વાસના રોગો માટેની શિબિરો યોજાઈ
બિદડા - કચ્છઉદય : બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ચાલી રહેલા બાવનમાં મેગા સર્જિકલ અને મેડીકલ કેમ્પમાં ડો. અનીલ અને મીનલ મોદી (આરકેડીયા, કેલીફોર્નીયા, અમેરીકા) ના સહયોગથી પ્લાસ્ટિક સર્જરી શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરમાં મુંબઈના પ્રખ્યાત પ્લાસ્ટીક સર્જન ડો. કુમૈલ સૈયદ અને ડો. સરફરાઝ આલમ દ્વારા જન્મજાત ખોડ-ખાંપણ, ફાટેલા હોઠ, તાળવાની તકલીફ, દાઝેલા દર્દીઓ, પેશાબની નળીની તકલીફ, હાથની આંગળીઓ વગેરે તકલીફ ધરાવતા નાની-મોટી ઉમરના કુલ ૩૮ દર્દીઓની તપાસણી કરી ૯ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા. આ શિબિર દરમ્યાન એનેસ્થેટીક ડોકટર તરીકે ડો. તુષાર દેઢીયાએ સેવાઓ આપી હતી. આથિંક રીતે નબળા તેમજ જરૂરતમંદ દર્દીઓને પ્લાસ્ટિક સર્જરી જેવા જટિલ અને ખર્ચાળ ઓપરેશન બિદડા સર્વોદય ટ્રસ્ટમાં વિનામૂલ્યે કરવામાં આવે છે, જેના થકી કચ્છ તેમજ આજુબાજુના પ્રાંતિય વિસ્તારના લોકો માટે સહાયતા પૂરી પાડી લોકોને મદદરૂપ બને છે.
ડૉ. અનીલ અને મીનલ મોદી તથા બિદડા ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનના સહકારથી યોજાયેલ અસ્થમા (દમ-શ્વાસ)ની શિબિરમાં દર વર્ષની જેમ આ વર્ષેે પણ મુંબઈના દમ-શ્વાસના નિષ્ણાંત ડો. વિશન નાગડા દ્વારા ૮૮ દર્દીઓની તપાસણી કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. આ કેમ્પમાં નાના બાળકથી માંડીને ૮૮ વર્ષેના વૃધ્ધ સુધીના દરેક દર્દીની તપાસણી કરી વિનામૂલ્યે દવાઓ અને શ્વાસ માટે પંપ આપવામાં આવ્યા હતા. ડો. વિશન નાગડાએ જણાવ્યું કે, કોરોના પછી શ્વાસની સમસ્યાઓ વધુ જોવા મળે છે. સ્ત્રીઓમાં તણાવ અને લોહીની ઉણપના કારણે દમ-શ્વાસની બિમારી વધુ પ્રમાણમાં જોવા મળી હતી. આ શિબિર વિશે સંસ્થાના ચેરમેન વિજય છેડાએ કેમ્પમાં સેવાઓ આપેલ ડોકટરો, નર્સિંગ સ્ટાફ અને દાતાઓનો આભાર વ્યકત કર્યો હતો.
---------

Comments