ભુજમાં ઉતરાયણ પર્વે ટુ-વ્હીલર ચાલકોની સુરક્ષા માટે પોલીસ દ્વારા બાઇક પર ગાર્ડ લગાડવાની ઝુંબેશ
ભુજ - કચ્છઉદય : આગામી મકરસંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસ દ્વારા ટુ-વ્હીલર ચાલકોની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પતંગની જીવલેણ દોરીથી વાહન ચાલકોને ગંભીર ઇજા ન થાય અથવા જાનહાનિ ન થાય તેવા ઉમદા હેતુથી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા બાઇક પર સુરક્ષા ગાર્ડ લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા ટ્રાફિક પી.આઈ. રાજેશ જોષીએ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, રોડ પર અવરજવર કરતા ટુ-વ્હીલર ચાલકો પતંગના દોરાનો ભોગ ન બને તે માટે પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. ટ્રાફિક શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં બાઇક પર લોખંડના ગાર્ડ ફિટ કરવાની કામગીરી આજથી કાર્યરત કરવામાં આવી છે જે આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે. આ ઉપરાંત પોલીસ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે જેથી વાહન ચાલકો પતંગની દોરીના જોખમથી સુરક્ષિત રહી શકે. દરેક બાઇક ચાલકે ફરજિયાત હેલ્મેટ પહેરવું જોઈએ અને ઉત્તરાયણના પર્વ દરમિયાન અત્યંત સાવચેતીપૂર્વક વાહન ચલાવવું જોઈએ. વાહન ચાલકો પોતાના વાહન પર દોરાથી રક્ષણ આપે તેવા ગાર્ડ લગાડે તે હિતાવહ છે. પોલીસની આ પહેલથી વાહન ચાલકોમાં સુરક્ષાનો ભાવ વધશે અને સંભવિત અકસ્માતોને ટાળી શકાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
----

Comments