Trending News
સ્થાનિક સમાચાર

ભુજ અને શિરાચામાં ખનિજ માફિયાઓ પર સપાટો : ૫૨ લાખનો મુદ્દામાલ જપ્ત

09 January


જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરી ત્રણ વાહનો સીઝ કરાયા

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં ગેરકાયદે ખનિજ ચોરીની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે માનનીય કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ રચાયેલી ટાસ્ક ફોર્સ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. લાંબા સમયથી મળતી ફરિયાદોને ગંભીરતાથી લઈને ટાસ્ક ફોર્સે ગતરોજ ભુજ તાલુકાના સુમરાસર સીમ વિસ્તારમાં ખાનગી વાહન દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન સાદી રેતીનું ગેરકાયદે ખનન કરતા એક લોડર અને એક ડમ્પરને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા જીજે-૧૨-સીએમ-૮૧૧૩ નંબરનું લોડર અને જીજે-૧૨-બીએક્સ-૪૦૫૧ નંબરનું ડમ્પર મળી કુલ ૩૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ભુજ સ્થિત સરકારી ગોદામ ખાતે સીઝ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ટાસ્ક ફોર્સ દ્વારા શિરાચા સ્થિત વી-કોંક્રીટ પ્લાન્ટ ખાતે પણ તપાસ કરવામાં આવી હતી. અહીં તપાસ દરમિયાન જીજે-૧૬-ઝેડ-૩૧૯૦ નંબરનું ડમ્પર કોઈપણ રોયલ્ટી પાસ વગર સાદી માટીનું વહન કરતું મળી આવ્યું હતું. આ કાર્યવાહીમાં ૧૭ લાખ રૂપિયાની કિંમતનું ડમ્પર જપ્ત કરી તેને પ્લાન્ટ ખાતે જ કસ્ટડીમાં સોંપવામાં આવ્યું છે. આમ, એક જ દિવસમાં કુલ ૫૨ લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી તંત્ર દ્વારા ખનિજ ચોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. આ બંને કિસ્સાઓમાં જવાબદારો સામે નિયમોનુસાર કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
------- 

Comments

COMMENT / REPLY FROM