ભુજના આશાપુરાનગરમાં વસ્ત્રો સાથે હૂંફ વહેંચવામાં આવી
ભુજ - કચ્છઉદય : સ્વમાન સાથે જીવન નિર્વાહ કરવો એ દરેક વ્યક્તિનો અધિકાર છે અને આ અધિકારને જીવંત રાખવા માટે સમાજ દરેક તબક્કાની વ્યક્તિનો સમાજના હિસ્સા તરીકે સ્વીકાર કરે એ અનિવાર્ય હોય છે. આ વિચારને કેન્દ્રમાં રાખીને ભુજની સામાજિક સંસ્થાઓના સંયુક્ત પ્રકલ્પ ‘હોમ્સ ઇન ધ સીટી’, ‘સમ્માન ફાઉન્ડેશન’ અને ભુજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે નાગરિકો પાસેથી એકત્ર થયેલાં વિવિધ પ્રકારના વસ્ત્રોનું વિતરણ ભુજના આશાપુરાનગર ખાતે કરવામાં આવ્યું હતું. નજીવી કીંમતમાં મળી રહેલાં વસ્ત્રો લેવા માટે અહીના અનેક રહેવાસીઓ ઉમટી પડ્યાં હતાં.
તાજેતરમાં વર્ષ ૨૦૨૫ના અંતમાં ઉપરોક્ત સંસ્થાઓ દ્વારા ‘વિન્ટર ક્લોથ કલેક્શન ડ્રાઈવ’ ચલાવી હતી, જેમાં ભુજ અને આસપાસના વિસ્તારોમાંથી લોકોએ ખુબ જ સારી સ્થિતિમાં રહેલાં ગરમ કપડાં સાથે બહેનો અને બાળકો માટેનાં જૂજવાં વસ્ત્રો મંગલમ ચાર રસ્તા ખાતે આવેલા રિયુઝ, રીડ્યુઝ અને રીસાયકલ સેન્ટર ખાતે જમા કરાવ્યાં હતાં. એકત્ર થયેલાં વસ્ત્રો ભુજના વંચિત વિસ્તારોમાં રહેતા રહેવાસીઓ કડકડતી ઠંડીમાં હૂંફ મેળવવા માટે સ્વમાનભેર વસ્ત્રો ખરીદી શકે એ માટે સમયાંતરે વિવિધ વિસ્તારોમાં વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું, જેના ભાગરૂપે ગઈકાલે આશાપુરાનગર ખાતે મહેશ્વારીવાસ્ના ગરબીચોકમાં ગરમ તેમજ અન્ય વસ્ત્રો વેંચાણ માટે રાખવામાં આવ્યાં હતાં. આશાપુરાનગર અને આસપાસના વિસ્તારોમાંથી બહેનો-બાળકો ઉમટી પડ્યાં હતાં અને પોતાને મનપસંદ એવા સ્વેટર, સાડી, કુર્તી, ચણીયા ચોળી તેમજ કેટલાંક આજની ફેશનનાં કપડાં પસંદ કર્યા હતાં. અંદાજે ૫૦ થી ૬૦ લોકોએ પોતાની જરૂરીયાત માટે નિયત કીંમત આપીને કપડાં ખરીદ્યા હતાં તેમજ બીજી વાર બાળકો માટે વધારે વસ્ત્રો મળે એવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.
--------

Comments