વાગડમાં મંદિર ચોર ટોળકી સક્રીય : હવે સલારીમાં આસ્થાને ઠેસ પહોંચાડાઈ
સલારીમાં આવેલા મહાદેવ મંદિરમાંથી પંચધાતુની ચાંદીની નાગદાદાની મૂર્તિ ચોરી જવાઈ
રાપર - કચ્છ ઉદય : વાગડ વિસ્તારમાં મંદિર ચોર ટોળકી સક્રિય બની હોય તેમ એક બાદ અક મંદિર ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ સલારી ગામે મેટાસરી મહાદેવ મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હતો. સાત જાન્યુઆરીના સાંજે ૭ વાગ્યાથી ૮ તારીખે સવારે ૭ વાગ્યા દરમિયાન કોઈપણ સમયે આ બનાવ બન્યો હતો. ફરિયાદી દિનેશભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ કોઈ અજાણ્યા ઈસમ દ્વારા મંદિરમાં પ્રવેશ કરી શિવલિંગ પરની પંચધાતુની ચાંદીની નાગદાદાની મૂર્તિની ચોરી કરવામાં આવી હતી. ૩.પ કિલો વજન ધરાવતી ચાંદીની ૧.૧પ લાખની મૂર્તિની ચોરી કરવામાં આવતા ધાર્મિક આસ્થા દુભાઈ હતી. આ બાબતે રાપર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં રાપર તાલુકાના ખીરઈ ગામે ર તારીખે સાંજે ૬ વાગ્યાથી ૩ તારીખે સવારે ૯ વાગ્યા સુધીમાં પાબુદાદાના મંદિરમાં અસામાજિક તત્ત્વોએ તોડફોડ કરી મંદિરના ચાંદીના છતરની ચોરી કરી હતી. આ પૂર્વે પણ અનેક વખત ચોરીના બનાવ બન્યા છે ત્યારે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

Comments