Trending News
સ્થાનિક સમાચાર

નંદગામ પાસે બ્રેકડાઉન ડમ્પરમાં પ્રોપ્રાઈન ગેસ ભરેલું ટેન્કર ઘૂસી જતા ચાલકનું મોત 

08 January


આજે વહેલી સવારે બનેલી ઘટનાથી નેશનલ હાઈવે પર મચી દોડધામ : અકસ્માત એટલો ગંભીર કે ચાલક કેબીનમાં દબાઈ ગયો : મોટી જાનહાની અટકાવવા આસપાસમાંથી તમામ ટેન્કરોને દૂર કરવામાં આવ્યા 


ભુજ - કચ્છ ઉદય : પૂર્વ કચ્છના નેશનલ હાઈવે પરથી ગેસ ભરેલા વાહનો પસાર થતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતોના પ્રમાણમાં વધારો થઈ છે ત્યારે આજે સવારે પ્રોપાઈન ગેસ ભરેલું ટેન્કર બ્રેકડાઉન ડમ્પરમાં ઘૂસી જતા ચાલકનું મોત થયું હતું. 
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે ૩ઃ૧ર કલાકે ભચાઉ ફાયર ટીમને ૧૧ર પરથી કોલ આવ્યો હતો કે, નંદગામ પાસે પેટ્રોલ પંપની સામે અકસ્માત થયો છે અને ડ્રાઈવર ફસાઈ ગયો છે. અકસ્માત થયેલા ટેન્કરમાં પ્રોપાઈન ગેસ ભરેલો હતો. આજુબાજુ બીજા ટેન્કરો ઊભા હોઈ વધુ કોઈ જાનહાની થાય તે પહેલા બીજા ટેન્કરોને સાઈડમાં કરવામાં આવ્યા હતા. કારણ કે, અકસ્માત એટલો ગંભીર હતો કે, ટેન્કરનો ચાલક કેબીનમાં ફસાઈ ગયો હતો. તેને બહાર કાઢવા માટે પ્રોપાઈન ગેસ ભરેલા ટેન્કરને ખેંચવું પડે જો ઘર્ષણ થાય અને ગેસ લીકેજ થાય તો મોટી દુર્ઘટના થવાની શક્યતા હતી. જેથી પ્રથમ અન્ય ટેન્કરો દૂર કરી કાળજીપૂર્વક રીતે બોડી બહાર કાઢવામાં આવી હતી. આ કામગીરીમાં ભચાઉ ફાયર વિભાગના પ્રવીણ દાફડા, શક્તિસિંહ તેમજ પોલીસ સ્ટાફ, ટોલ પ્લાઝા, ૧૦૮ ના કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ બાબતે ભચાઉ પોલીસનો સંપર્ક કરતા હાલમાં પંચનામાના કાર્યવાહી ચાલુમાં હતી. બનાવ બાબતે પ્રાથમિક તબક્કે સામે આવ્યું કે, ડમ્પર નં.જીજે૩૯ - ટીએ - ૦૬૯૬ ના ટાયરમાં ખામી થતા બ્રેકડાઉન કરીને રાખવામાં આવેલી હતી. આ દરમિયાન આજે સવારે પ્રોપાઈન ગેસ ભરેલું ટેન્કર નં.કેએ - ૦૧ - એએફ - ૪૮૯૬ ઘૂસી જતા આ બનાવ બન્યો હતો. જેમાં બિહારના ડ્રાઈવરનું મોત થયું હતું.


.............

પ્રોપાઈન ગેસ લીકેજ થાય તો આગ અથવા વિસ્ફોટનું ગંભીર જોખમ 

પ્રોપેન એક રંગહીન, ગંધરહિત પરંતુ અત્યંત જ્વલનશીલ ગેસ છે. સલામતી માટે તેમાં ખાસ ગંધ ઉમેરવામાં આવે છે જેથી લીકેજ તરત ઓળખી શકાય. તે એલપીજી ગેસનો મુખ્ય ઘટક છે અને સામાન્ય દબાણમાં પ્રવાહી સ્વરૂપે સિલિન્ડર અથવા ટેન્કરમાં સંગ્રહ થાય છે. પ્રોપેન ગેસનો વ્યાપક ઉપયોગ ઘરગથ્થુ રસોઈમાં થાય છે, ખાસ કરીને એલપીજી સિલિન્ડરમાં. ઉદ્યોગોમાં ધાતુ કાપવા અને વેલ્ડિંગ માટે, ભઠ્ઠી અને બોઇલરમાં ઇંધણ તરીકે તેનો ઉપયોગ થાય છે. હોટેલ, ઢાબા અને કેન્ટીનમાં મોટા પ્રમાણમાં રસોઈ માટે પ્રોપેન વપરાય છે. ખેતી ક્ષેત્રે પાક સુકવવા અને ગ્રીનહાઉસમાં તાપમાન જાળવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. કેટલાક વાહનોમાં ઓટોગેસ તરીકે પ્રોપેનનો ઉપયોગ થાય છે. ઉપરાંત રેફ્રિજરેશન, એરોસોલ સ્પ્રે અને કેમિકલ ઉદ્યોગમાં કાચા માલ તરીકે પણ તેનો ઉપયોગ થાય છે.પ્રોપેન ગેસ અત્યંત જ્વલનશીલ હોવાથી લીકેજ થાય તો આગ અથવા વિસ્ફોટનો ગંભીર જોખમ રહે છે. બંધ જગ્યામાં ગેસ ભરાઈ જાય તો શ્વાસઘાતનો પણ ખતરો રહે છે. તેથી તેનો સંગ્રહ અને પરિવહન હંમેશા નિર્ધારિત સુરક્ષા નિયમો મુજબ કરવો જરૂરી છે.

 

Comments

COMMENT / REPLY FROM