Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના પ્રવાસન અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ઇન્ટરનેશનલ એરપોર્ટ અનિવાર્ય

07 January


કેન્દ્રીય બજેટ પૂર્વે ભુજમાં ભુજ ચેમ્બર દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને સંવાદ બેઠક યોજાઈ : કચ્છના નાના ઉદ્યોગોને રાહતદરે જમીન, સોના-ચાંદી પર જીએસટી ઘટાડો અને ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવી મહત્વની માંગણીઓ રજૂ કરાઈ

ભુજ - કચ્છઉદય : કેન્દ્રીય બજેટ ૨૦૨૬માં ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિકતા અને સ્થાનિક સમસ્યાઓનો સમાવેશ કરવાના હેતુથી ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન દ્વારા એક મહત્વપૂર્ણ સંવાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને અને ભુજ તાલુકાના ધારાસભ્ય કેશુભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમની શરૂઆતમાં ચેમ્બર પ્રમુખ અનીલભાઈ ગોર દ્વારા અતિથિ વિશેષોનું સન્માન કરવામાં આવ્યું હતું અને મહામંત્રી જગદીશ ઝવેરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સૂચના મુજબ બજેટમાં પ્રજાના અભિપ્રાયો અને નીતિગત સૂચનોને સ્થાન આપવા માટે આ સંવાદ યોજાયો છે, જે રજૂઆતોને તેઓ જવાબદારીપૂર્વક સંબંધિત મંત્રાલયો સુધી પહોંચાડશે.
આ બેઠકમાં ચેમ્બર પ્રમુખ અનીલભાઈ ગોરે કચ્છના વિકાસ માટે પાયાની રજૂઆતો કરતા જણાવ્યું હતું કે જિલ્લામાં મોટા ઉદ્યોગોની જેમ નાના અને મધ્યમ ઉદ્યોગો એટલે કે એમએસએમઈ સેક્ટરને પણ રાહતદરે અથવા ટોકન ભાવે જમીન ફાળવવી જોઈએ. આ ઉપરાંત કચ્છના પ્રવાસન અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ઇન્ટરનેશનલ એરપોર્ટ અને કાર્ગોની સુવિધા ફાળવવા પર ભાર મૂક્યો હતો. ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની જૂની માંગણી ફરી દોહરાવવામાં આવી હતી. રેલ્વે કનેક્ટિવિટી વધારવા માટે ગાંધીધામથી ચાલતી લાંબા અંતરની ટ્રેનોને ભુજ સુધી લંબાવવા અને રસ્તાઓના આધુનિકરણ માટે ભૂકંપ પહેલાની સ્થિતિ મુજબ બનેલા હાઈવેને નેશનલ હાઈવે લેન તરીકે ડેવલપ કરવા સૂચન કરાયું હતું.
ટેક્સ અને વેપાર ક્ષેત્રની રજૂઆતોમાં સોના-ચાંદીના વ્યવસાય પરના વર્તમાન ૩ ટકા જીએસટીને ઘટાડી ૧ ટકા કરવાની માંગણી કરવામાં આવી હતી, કારણ કે સોનું સામાન્ય નાગરિક માટે મરણમૂડી સમાન સંપત્તિ છે. સીએ અને ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશનના પ્રતિનિધિઓએ ઇન્કમટેક્સ સ્લેબમાં છૂટછાટ અને નવી વ્યવસ્થામાં બંધ થયેલી રાહતો પુનઃ શરૂ કરવા બાબતે વિગતવાર છણાવટ કરી હતી. અન્ય મહત્વના સૂચનોમાં કચ્છ સરહદી વિસ્તાર હોવાથી વેપન ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના, પશુધન માટે એનિમલ યુનિવર્સિટી અને કૃષિ પેદાશો જેવી કે કેસર કેરી, ખારેક અને દાડમ માટે ઇન્ટરનેશનલ માર્કેટ પૂરું પાડવાની માંગણીઓનો સમાવેશ થાય છે. અંતમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલે વિશ્વાસ અપાવ્યો હતો કે આ તમામ ઉપયોગી સૂચનો પર ચોક્કસ કામ કરવામાં આવશે. ચેમ્બર દ્વારા આ તમામ રજૂઆતોને વિષયવાર તૈયાર કરી લેખિતમાં સાંસદને સુપ્રત કરવામાં આવશે. આ બેઠકમાં કચ્છના વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ટેક્સ કન્સલ્ટન્ટ અને સીએ એસોસિએશનના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
--------- 

Comments

COMMENT / REPLY FROM