Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉના સંગમનેર અને ભુજપુર ગામે ખેડૂત તાલિમ શિબિર યોજાઈ

07 January



ભચાઉ - કચ્છઉદય : વિસ્તરણ શિક્ષણ નિયામક, સ.દા.કૃ.યું તેમજ વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ દ્વારા ભચાઉ તાલુકાના સંગમનેર અને ભુજપુર ગામ ખાતે એક દિવસીય ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિકો ડો. એલ. જે. દેસાઈ અને ડો. એસ. એમ. પટેલ તેમજ વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉના વડા ડો. આર. એમ. જાડેજા (સહ સંશોધન વૈજ્ઞાનિક) દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ વિષય નિષ્ણાતો ડો. યોગેશ એચ. રાઠવા, ડો. રવિકુમાર વાણિયા અને ડો. વારીસ અલી દ્વારા વિવિધ ખેતી વિષયક વ્યાખ્યાન આપવામાં હતા. આ એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમમાં અંદાજે ૧૨૦ જેટલા ખેડૂતો હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત ડો. એસ. એમ. પટેલ દ્વારા કરવામાં આવી હતી, જેમાં તેમણે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા થતી વિસ્તરણ, શિક્ષણ અને સંશોધન પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. ત્યારબાદ મુખ્ય પ્રવચનમાં ડો. એલ. જે. દેસાઈએ ખેડૂતોને સંકલિત ખેતી પદ્ધતિ અને સંકલિત ખેતીથી મળતા વિવિધ લાભો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ડો. આર. એમ. જાડેજા દ્વારા રેસિડ્યુ ફ્રી દાડમનું ઉત્પાદન કરવા માટે વિવિધ પદ્ધતિ વિષે અને વેચાણમાં આવતા વિવિધ પ્રશ્નોનો ઉકેલ તથા પ્રાકૃતિક ખેતીની બજાર વ્યવસ્થા વિષે સચોટ અને ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી.
ડો. રવિકુમાર વાણિયાએ પોતાના પ્રવચનમાં શિયાળુ પાકો તથા દાડમના પાકમાં આવતાં મુખ્યરોગો અને વિવિધ જીવાતો અને હાલ ચર્ચામાં રહેલા નેમેટોડ (કૃમિ) અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે આરોગો અને જીવાતોના લક્ષણો, જીવનચક્ર તથા તેના નિયંત્રણ માટે અપનાવી શકાય તેવા જૈવિક અને રાસાયણિકઉપાયો અંગે ખેડૂતોને સચોટ માર્ગદર્શન આપ્યું હતું.ડો. વારીસ અલી દ્વારા પોષણ અને ક્ષારીય જમીનનું વ્યવસ્થાપન અને તેનાથી થતાં વિવિધ લાભો વિષે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. બંને ગામના જુદા જુદા ખેડૂતોએ પોતાના ખેતીના અનુભવો અને સમસ્યાઓ વિશે માહિતી આપી હતી. તેમના નિરાકરણ અને ઉકેલોની માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી અને ખેડૂતને સંતોષકારક જવાબો પ્રાપ્ત થયા હતા. ડો. યોગેશ એચ. રાઠવાએ સર્વે ઉપસ્થિત અધિકારીઓ અને ખેડૂતોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ એક દિવસીય ખેડૂત તાલીમ સ.દાં. કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂતો વચ્ચે એક ઉપયોગી માહિતીપ્રદ સાબિત થઇ હતી.
---------- 

Comments

COMMENT / REPLY FROM