રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધામાં માધાપરની હિમધી ચૌહાણે બે સિલ્વર મેડલ મેળવ્યા
ભુજ - કચ્છઉદય : રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધામાં માધાપરની હિમધી ચૌહાણે એક અને બે કિલોમીટરની બન્ને સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવી કચ્છ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. તેણીએ વર્ષ ૨૦૨૪માં એક ગોલ્ડ અને ૨૦૨૫માં પણ એક ગોલ્ડ મેડલ મેળવેલ હતો.
પોરબંદરના સમુદ્રમાં રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સ્પર્ધામાં ૧૬ રાજ્યોના ૧૫૦૦થી પણ વધારે સાહસિક તરવૈયાઓએ અને નેશનલ વિજેતાઓએ ભાગ લીધો હતો. દરિયાના ઉછળતા મોજા વચ્ચે રેસ્ક્યુ માટે ઇન્ડિયન નેવી, કોસ્ટ ગાર્ડ, પોરબંદર નગરપાલિકા તેમજ સ્વિમિંગ કલબના સભ્યો તૈનાત રહ્યા હતા અને ૧૫ જેટલી કાયાક દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી. તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલ પોરબંદરનો આરોગ્ય વિભાગ અને સ્થળ પર ૧૦૮ની સેવા પણ રાખવામાં આવી હતી. સ્પર્ધાને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા, કલેક્ટર, ડેપ્યુ કમિશ્નર અને એસપીએ સ્ટાર્ટ આપ્યો હતો.
માધાપરના શિક્ષક દંપતિ ભાવનાબેન અને ગિરીશભાઈ ચૌહાણની ૧૬ વર્ષની પુત્રી હિમધી ચૌહાણે ૧૪ થી ૩૦ વર્ષની કેટેગરીમાં તા.૩-૧ના એક કિલોમીટરની સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ બીજો નંબર અને તા.૪/૧ના વહેલી સવારે ૬ઃ૩૦ કલાકે કડકડતી ઠંડીમાં બે કિલોમીટરની સ્પર્ધામાં પણ રાષ્ટ્રીય કક્ષાએ બીજો નંબર મેળવી કચ્છ અને ગુજરાતને ૧ અઅને ૨ કિ.મી. બન્ને સ્પર્ધામાં સિલ્વર મેડલ અપાવેલ છે. આસામ રાઈફલના મેજર પ્રશાંત પટનાયકના હાથે ટ્રોફી આપવામાં આવી હતી. ભુજના પૂર્વ મામલતદાર અને હાલ વડોદરાના ડેપ્યુટી ડાયરેકટર બળદેવ દેસાઈએ શુભેચ્છા પાઠવી હતી. કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ ‘સમાજરત્ન’ વિનોદભાઈ પી. સોલંકી, કચ્છ કેળવણી મંડળના પ્રમુખ ડો. મનોજભાઈ પી. સોલંકીએ અભિનંદન આપ્યા હતા.
---------

Comments