Trending News
સ્થાનિક સમાચાર

૬૮ શિક્ષણ સહાયકોને પ્રથમ દિવસે જ ફુલ પગારના હુકમો એનાયત

07 January


કચ્છ જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે સુશાસનનું ઉત્તમ ઉદાહરણ


જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમે પાંચ વર્ષ પૂર્ણ કરનાર કર્મચારીઓને વહીવટી પ્રક્રિયા દ્વારા તાત્કાલિક લાભ આપી રાજ્યમાં નવી રાહ ચીંધી


ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા વહીવટી પારદર્શિતા અને ત્વરિત કામગીરીનું એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા પાંચ વર્ષ પૂર્વે નિમણૂક પામેલા ૬૮ જેટલા શિક્ષણ સહાયકોને તેમની સેવાના પાંચ વર્ષ પૂર્ણ થતાની સાથે જ, પ્રથમ દિવસે જ નિયમિત પગાર ધોરણ (ફુલ પગાર)ના હુકમો એનાયત કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે સરકારી પ્રક્રિયાઓમાં સમય લાગતો હોય છે, પરંતુ કચ્છ જિલ્લામાં આ કામગીરી જે દિવસે પાંચ વર્ષ પૂર્ણ થયા તે જ દિવસે પૂર્ણ કરી દેવામાં આવી હતી, જે કદાચ સમગ્ર રાજ્યમાં પ્રથમ ઘટના છે.
જિલ્લા શિક્ષણ અધિકારીએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, સાત તારીખે નિમણૂક પામેલા આ શિક્ષણ સહાયકોની સેવા પાંચ વર્ષે પૂર્ણ થઈ રહી હતી. કર્મચારીઓને તેમના હકનો લાભ વહેલી તકે મળે તેવા ઉમદા હેતુથી શિક્ષણ વિભાગની ટીમે રાત-દિવસ મહેનત કરીને આ હુકમો તૈયાર કર્યા હતા. હવે આ તમામ કર્મચારીઓ આવતીકાલથી પોતાની શાળામાં પૂર્ણ પગારદાર શિક્ષક તરીકે ફરજ બજાવશે, જેના કારણે સમગ્ર જિલ્લાના શૈક્ષણિક આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, કચેરીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ત્રણ આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટને વર્ગ-બેમાં બઢતી મળતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં લાંબા સમયથી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા શ્રી મંસુરીને નવી શાળામાં આચાર્ય તરીકે અને અન્ય બે એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને પણ નવા હોદ્દા પર આવકારવા માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આમ, કચ્છ શિક્ષણ વિભાગે પોતાની કામગીરી દ્વારા સુશાસનનો સંદેશ આપ્યો છે.
----- 

 

Comments

COMMENT / REPLY FROM