Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના ભચાઉ પંથકમાં વહેલી સવારે૨.૮ની તીવ્રતાનો ભૂકંપ

07 January


કરમરીયા નજીક સવારે ૭ઃ૪૬ કલાકે અનુભવાયું કંપન 

ભુજ - કચ્છઉદય : વર્ષ ૨૦૦૧માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપની વરસી નજીક આવી રહી છે ત્યારે હુકમ સ્તંભવિત ઝોન ૬માં સમાવિષ્ટ  કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. જે અંતર્ગત આજે વહેલી સવારે ભચાઉ અને તેની આસપાસના વિસ્તારોમાં ધરા ધ્રૂજતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટરના રિપોર્ટ અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૮ મેગ્નિટ્યુડ નોંધાઈ હતી. આ આંચકો વહેલી સવારે ૭ઃ૪૬ કલાકે અનુભવાયો હતો. આ ભૂકંપના કેન્દ્રબિંદુ વિશે મળતી સત્તાવાર વિગતો મુજબ તેનું એપીસેન્ટર ભચાઉથી આશરે નવ કિલોમીટર દૂર ઉત્તર-પૂર્વ દિશામાં આવેલા કરમરીયા ગામ નજીક નોંધાયું હતું. ભૌગોલિક દ્રષ્ટિએ આ કેન્દ્ર ૨૩.૩૬૬ અક્ષાંશ અને ૭૦.૩૮૬ રેખાંશ પર સ્થિત હતું. નોંધપાત્ર બાબત એ છે કે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનની સપાટીથી ૨૦ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. જોકે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે સદનસીબે હજુ સુધી કોઈ પણ પ્રકારના જાન-માલના નુકસાન કે મિલકતને હાનિ પહોંચ્યાના સમાચાર પ્રાપ્ત થયા નથી. અત્રે નોંધનીય છે કે વર્ષ ૨૦૨૬માં ગાંધીનગર સ્થિત કચેરી ખાતે ભૂકંપનો પ્રથમ આંચકો નોંધાયો છે. જોકે સોમવારે રાત્રે કચ્છના જુદા જુદા વિસ્તારોમાં કંપન અનુભવાયા હતા પરંતુ તેની કોઈ નોંધ ગાંધીનગર કચેરી ખાતે થઇ ન હતી. 

Comments

COMMENT / REPLY FROM