Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામના રાજવી ફાટક પર અવ્યવસ્થાઓ ચરમસીમાએ : ૧ સાંધે ત્યાં ૧૩ તુટેનો તાલ : પ્રજાજનો કહે છે અમારો શું વાંક?

06 January

પ્રશાસન કયારે કરશે સંકલન?સંકુલવાસીઓનો આક્રંદ




કોણ અપાવશે આ બધી સમસ્યાઓથી છુટકારો : આરઓબીનું કામ લટકેલું છે અદ્વરતાલ, ભોગ બની રહી છે સામાન્યજનતા, રાજવી ફાટક પર રેલવેતંત્રએ પાટ્ટાનુ કામ કરી મોટા મોટા ગાબડાઓ છોડી દીધા હોવાથી સર્જાય છે રોજીંદી સમસ્યા, સર્વિસ રોડની હાલત છે બદત્તર, મરંમત, જાળવણીની જવાબદારી આરઓબી વાળા ઠેકેદાર પર જ કેમ ન નાખી દેવાય? રાજવી ફાટક પાસે સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા, ટીઆરબી-ટ્રાફિકવાળા હોય છે, પરંતુ બ્રીજ નીચે બેસીને મોબાઈલમાં જ નીચી મુંડી કરેલી અવસ્થમાં જ દેખાય છે, ટ્રાફીક જાય તેલ લેવા..! 


બ્રિજનું કામ અટકેલું, રેલવે પાટા પાસે ખાડાઓથી વાહનચાલકો પરેશાન : વ્યસ્ત ફાટક અને અટકેલું આરઓબી કામ, ટ્રાફિકની ગંભીર સમસ્યા : ટ્રાફિક નિયંત્રણ નામ માત્ર, કર્મચારીઓની બેદરકારી : સર્વિસ રોડની હાલત પણ દયનીય

ખાટલે મોટી ખોટ : વિકાસના નારા અને હકીકત વચ્ચેનો અંતર રાજવી ફાટક પર ખુલ્લો પડી ગયો છે.હવે જોવું રહ્યું કે પ્રશાસન જાગે છે કે પછી લોકોનો ધીરજનો બંધ તૂટે તે પહેલા કોઈ કાર્યવાહી થશે?


કોઈક તો જાગો, ફાટક પર થતી દુદર્શાને માટે જનમેદની ભેગી થઈને જવાબદારો સામે લાલઆંખ કરો , પ્રજાની તાકાતનો પરચો દેખાડો તો જ સુવિધાઓ મળશે નહી તો ઝભ્ભાલેંગાવાળા જાગશે નહી


ગાંધીધામ : ગાંધીધામ શહેરના રાજવી ફાટક વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ હવે જનઆક્રોશનું સ્વરૂપ ધારણ કરી રહી હોય તેવા કચવાટ સંભાળાઈ રહ્યો છે. એક સાંધેને ૧૩ તૂટે એવી સ્થિતિ વચ્ચે, રાજવી ફાટક પર આરઓબી (ઓવરબ્રિજ)નું કામ એક યા બીજા કારણોસર અટકેલું પડ્યું છે. આ દરમિયાન સંકુલવાસીઓ માટે નવી નવી મુશ્કેલીઓ ઊભી થતી જઈ રહી છે.રાજવી ફાટક પરના પાટ્ટા પર રેલવે કામ પછી ખાડાઓ, જવાબદારી કોની? રાજવી ફાટક પર રેલવેના 
પાટાં સંબંધિત કામ થોડા સમય પહેલા રેલવે તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ કામ પૂર્ણ કર્યા બાદ ફાટક આસપાસ મોટા પ્રમાણમાં ખાડા અને ખાબોચિયાં એમના એમ છોડી દેવામાં આવ્યા છે. પરિણામે, ટુ-વ્હીલર અને ચાર-વ્હીલર વાહનચાલકોને વારંવાર હાલાકી સહન કરવી પડી રહી છે. અનેક વાહનોને નુકસાન થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે.પાટાંનું કામ કરી લીધા બાદ ખોદકામથી સર્જાયેલા ખાડા પુરવાનું કામ કોની જવાબદારી છે તે અંગે કોઈ સ્પષ્ટતા ન હોવાથી, લાંબા સમયથી સ્થિતિ યથાવત્‌ છે.
રાજવી ફાટક રાત્રિ-દિવસ ટ્રેન પસાર થતો અતિ વ્યસ્ત ફાટક છે. બીજી તરફ આરઓબીનું કામ અધરતાલમાં પડ્યું હોવાથી, આસપાસના વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. લોકો રોજબરોજ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવા મજબૂર બન્યા છે.ટ્રાફિક નિયંત્રણ માટે અમુક પોલીસ જવાનો અને ટ્રાફિક કર્મચારીઓ મુકવામાં આવે છે, પરંતુ તેઓ મોટાભાગે રસ્તા કિનારે બેસી મોબાઇલમાં વ્યસ્ત જોવા મળતા હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા થઈ રહ્યા છે. ટ્રાફિકમાં ફસાયેલા લોકો માટે જાણે કોઈ ધ્યાન આપતું ન હોય 
તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ડીપીએસ સ્કૂલ બાજુ, સાધુવાસવાણી ગેટ પાસે અને રાજવી ફાટક નજીક ઓછામાં ઓછા બે થી ત્રણ ટ્રાફિક કર્મચારીઓ ૨૪ કલાક ફરજ પર મુકવા જોઈએ, જેથી અસરકારક ટ્રાફિક નિયંત્રણ શક્ય બને. રાજવી ઓવરબ્રિજના આજુબાજુ બનાવાયેલા સર્વિસ રોડની હાલત પણ અત્યંત ખરાબ છે. જાણે કે માત્ર નામ પૂરતા બનાવાયા હોય તેવી સ્થિતિ છે. આ રસ્તાઓને મજબૂત અને દુરસ્ત બનાવવાની જવાબદારી જે રેલવે અથવા બ્રિજ નિર્માણ કરનાર એજન્સી કે કોન્ટ્રાક્ટરની છે, તેમની સામે તંત્રએ કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.આ તમામ સમસ્યાઓથી ગાંધીધામના નાગરિકો રોજબરોજ ત્રસ્ત બન્યા છે. પ્રશાસન અને સંબંધિત તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે કછવાટ અને રોષ જોવા મળી રહ્યો છે. જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સ્થિતિ વધુ વિકટ બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.


....................

રાજવી ફાટક : વિકાસના દાવાઓ સામે જનતાના સવાલો!


• બ્રિજ અટકેલો, ખાડાઓ ખુલ્લા અને તંત્ર મૌન કેમ? : ગાંધીધામના રાજવી ફાટક પર આજે જે હાલત છે તે કોઈ એક દિવસમાં ઊભી થઈ નથી, પરંતુ લાંબા સમયથી ચાલતી તંત્રની બેદરકારીનું જીવતું ઉદાહરણ છે. વિકાસની વાતો કરતી સરકાર અને તંત્ર સામે આજે નાગરિકોના અનેક તીખા સવાલો ઉભા થઈ રહ્યા છે.
• રેલવે તંત્રએ પાટાંનું કામ પૂરું કર્યું, પરંતુ ખાડાઓ એમના એમ કેમ છોડી દીધા? : આ ખાડાઓ પુરવાની જવાબદારી કોની? રેલવેની કે સ્થાનિક પ્રશાસનની? કે પછી વાહનચાલકોના નસીબે લખાયું છે કે રોજ નુકસાન ભોગવવું?
• આરઓબીનું કામ વર્ષોથી અટકેલું છે - જવાબદાર કોણ? :  કોણે કામ અટકાવ્યું, કેમ અટકાવ્યું અને ક્યારે ફરી શરૂ થશે તેની કોઈ સમયમર્યાદા કેમ નક્કી થતી નથી? કેમ આ બાબતે બોલવા કોઈના પણ પેટનું પાણી જ હાલતું નથી.?
• ટ્રાફિક સમસ્યા ચરમસીમાએ છતાં નિયંત્રણ ક્યાં છે? : રાત્રિ-દિવસ ટ્રેન પસાર થતો વ્યસ્ત ફાટક હોવા છતાં અહીં 
પૂરતી ટ્રાફિક વ્યવસ્થા કેમ નથી? ટ્રાફિક કર્મચારીઓ મોબાઇલમાં વ્યસ્ત રહે તે જ તેમની ફરજ છે કે પછી ટ્રાફિક સંભાળવાની? 
• દરરોજ જામમાં ફસાતા લોકોનો સમય અને સલામતીની જવાબદારી કોણ લેશે? : જો અકસ્માત થાય તો જવાબદારી કોણ સ્વીકારશે? શું કોઈ મોટી ઘટના પછી જ તંત્ર જાગશે?
• સર્વિસ રોડ માત્ર કાગળ પર છે કે જમીન પર પણ બનવાના છે?ઃ ઓવરબ્રિજની આજુબાજુના સર્વિસ રોડ જાણે નામ પૂરતા બનાવાયા હોય તેવી હાલત છે. શું કોન્ટ્રાક્ટરને ખુલ્લી છૂટ આપવામાં આવી છે કે જેમ મન થાય તેમ કામ કરે?
• કોન્ટ્રાક્ટર અને એજન્સી સામે કાર્યવાહી કેમ નથી? : ખરાબ કામ કરનાર એજન્સીઓ સામે દંડ કે બ્લેકલિસ્ટિંગ કેમ થતું નથી? શું કોઈની ઉપર તંત્રની મહેરબાની છે? 
આ તમામ પ્રશ્નો આજે ગાંધીધામના લોકોના મનમાં ઉકળતા જઈ રહ્યા છે. જો તંત્ર હવે પણ આંખ મીંચીને બેઠું રહેશે, તો આ જનઆક્રોશ આવતીકાલે રસ્તા પર ઉતરે તો તેની જવાબદારી કોની રહેશે?


 

Comments

COMMENT / REPLY FROM