કંડલા પોર્ટમાં વેસલ પર પહોંચાડવાના એક લાખ કિલો ચોખા રસ્તામાં સગેવગે કરાયા
ટ્રકના માલિક તેમજ ટેલીક્લાર્ક, આરએફડીનું કામ કરતા કર્મચારીઓ સામે ગુનો નોંધાયો : ચોખા બારોબાર સગેવગે કરી રેકર્ડ પર એન્ટ્રી સરભર કરી દેવાઈ
ગાંધીધામ - કચ્છ ઉદય : કંડલા પોર્ટમાં વેસલ પર પહોંચાડવાના એક લાખ કિલો ચોખા સગેવગે કરવામાં આવતા ફરિયાદ નોંધવામાં આવી હતી. ટ્રકના માલિક તેમજ ટેલીક્લાર્ક, આરએફડીનું કામ કરતા કર્મચારીઓ સામે ગુનો નોંધાયો છે. ચોખા બારોબાર સગેવગે કરી રેકર્ડ પર એન્ટ્રી સરભર કરી દેવાઈ હતી. આ મામલે આધાર-પુરાવા મળ્યા બાદ કંડલા મરીન પોલીસમાં વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ર૦ નવેમ્બરથી ર૪ નવેમ્બર દરમિયાન આ બનાવ બન્યો હતો.
આ બાબતે ગુજરાત હાઉસિંગ બોર્ડ ગાંધીધામમાં રહેતા ગુણવંતભાઈ લાલજીભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ટ્રક નં.જીજે૧ર - એક્સ - ૧૯૭પ અને જીજે૦૬ - એક્સએક્સ - પ૭૮૩ ના માલિક કિડાણાના શંભુભાઈ સવાભાઈ ઝરૂ અને તેના દીકરા પાર્થ શંભુભાઈ ઝરૂએ ટ્રકના ડ્રાઈવરો ઉમેશ અને ગોરેલાલ સાથે મળી અલગ અલગ તારીખે બે ટ્રક દ્વારા ચોખાની ચાર ટ્રીપ કરી હતી. કુલ ર૯.૬પ લાખની કિંમતના એક લાખ કિલો ચોખા જેટી નં.૧પ અને ર પર લાગેલ એમવી ડાઈસ વેલ વેસલ સુધી પહોંચાડવાના બદલે રસ્તામાં સગેવગે કર્યા હતા. તેમજ રેલવે ઝુપડામાં રહેતા ટેલીકલાર્ક અબ્દુલ દાઉદ સાયચા, કાસમ અયુબ પઠાણ, આરએફડીનું કામ કરતા એમરોડર્સ કંપનીના માણસ વગેરે ભેગા મળી રેકર્ડ પર ચોખાની એન્ટ્રી સરભર બતાવી હતી. આરોપીઓએ ભેગા મળી ચોખા બારોબાર વેચાણ કરી નિયત જગ્યા પહોંચાડ્યા ન હતા. આ બાબતે ફરિયાદી તથા પંકિત શંભુભાઈ મ્યાત્રા, ખીમજીભાઈ દેવદાનભાઈ આગરિયા સહિતનાઓ દ્વારા સીઆઈએસએફના કમાન્ડ કંટ્રોલમાંથી સીસીટીવી ફૂટેજ જોયા બાદ ફૂટેજ તેમજ ગેટ પાસ, કાંટા ચીઠ્ઠી, ગોડાઉનની શીટ, ટેલીકલાર્કની શીટ વગેરે પુરાવાઓના આધારે કંડલા મરીન પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

Comments