ભુજની ધરતી પરથી એનએસયુઆઈનો હુંકાર : ‘ડ્રગ્સ મુક્ત કેમ્પસ’ અભિયાન અંતર્ગત શૈક્ષણિક સંકુલોમાં જાગૃતિની જ્વાળા પ્રગટી
ભુજ - કચ્છઉદય : કચ્છના યુવાધનને નશાના રાક્ષસથી બચાવવા અને શૈક્ષણિક સંકુલોને સુરક્ષિત બનાવવાના મક્કમ નિર્ધાર સાથે એનએસયુઆઈ દ્વારા ભુજની વિવિધ કોલેજોમાં "એનએસયુઆઈનો સંકલ્પઃ ડ્રગ્સ મુક્ત કેમ્પસ" મહા-અભિયાન અંતર્ગત જોરદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
ભુજની જે. બી. ઠક્કર કોમર્સ કોલેજ, ગવર્મેન્ટ પોલિટેકનિક ડિપ્લોમા કોલેજ અને સંસ્કાર કોલેજ ખાતે એનએસયુઆઈના કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એકઠા થઈને નશાના દૂષણને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે વિજય શંખનાદ કર્યો હતો.
ગુજરાતની દરેક કોલેજને વ્યસનમુક્ત કરવાના એનએસયુઆઈના રાજ્યવ્યાપી મિશનના ભાગરૂપે આજે ભુજની ત્રણેય કોલેજોમાં કાર્યક્રમ યોજાયા હતા. ડૉ. ઉપેન્દ્રસિંહ જાડેજા જણાવ્યું હતું કે, "શિક્ષણના ધામમાં પુસ્તકો અને જ્ઞાનની સુગંધ હોવી જોઈએ, નહીં કે ડ્રગ્સની બદબુ. જિલ્લાએનએસયુઆઈના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, નશાના સોદાગરો આપણા ભવિષ્યને બરબાદ કરી રહ્યા છે, જેની સામે હવે ગુજરાતનો યુવાન જાગ્યો છે.
જે. બી. ઠક્કર કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ પોતે નશાથી દૂર રહેશે અને પોતાના મિત્રોને પણ બચાવશે તેવા શપથ લીધા હતા. ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ વચ્ચે સેમિનાર યોજીને ડ્રગ્સની શારીરિક અને માનસિક અસરો વિશે માહિતગાર કરાયા હતા. જ્યારે સંસ્કાર કોલેજ ખાતે યુવાનોએ એકસૂરે "નશો છોડો, ભવિષ્ય જોડો"ના નારા લગાવ્યા હતા.
આ બાબબતે એનએસયુઆઈએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, જો શૈક્ષણિક સંકુલોની આસપાસ નશાનું વેચાણ બંધ નહીં થાય, તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ગુજરાતના દરેક કેમ્પસને સુરક્ષિત બનાવવો એ એનએસયુઆઈની પ્રાથમિકતા છે અને આ લડત છેલ્લી કોલેજ સુધી ચાલુ રહેશે. આ કાર્યક્રમમાં એનએસયુઆઈના ઋષિરાજસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ જાડેજા, કિશોરદાનભાઈ ગઢવી, તીર્થભાઈ ઠક્કર, કરણસિંહ જાડેજા, વિક્રમસિંહ સોલંકી, જાડેજા જયપાલસિંહ, ફેજલભાઈ, ભુજ શહેરના વિદ્યાર્થી આગેવાનો, યુવા મિત્રો અને કોલેજના છાત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
-----

Comments