Trending News
સ્થાનિક સમાચાર

નામ બદલી દેવાથી ઈતિહાસ નહિ બદલે, મનરેગા યોજના ગાંધી બાપુના નામેજ ઓળખાશે : કોંગ્રેસ

05 January


ભુજ ખાતે રાષ્ટ્રીય પ્રભારી સુભાષીની યાદવના અધ્યક્ષ સ્થાને જનસંવાદ કાર્યક્રમ યોજાયો

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ તથા કચ્છ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા ભુજ ખાતે જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ રાષ્ટ્રીય નેતા ગુજરાતના સહપ્રભારી સુભાષીની યાદવ, ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતા પટેલ, જિલ્લાના પ્રભારી સંજય અમરાણી, યાસીન ગજણ, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે.ડુંબલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ જનસંવાદ કાર્યક્રમની શરૂઆત વંદેમાતરમ ગીત તથા દીપ પ્રાગ્ટયથી કરવામાં આવી હતી. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન ભુજ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ ફાલ્ગુનીબેન તથા ગાંધીધામ કાર્યક્રમ સ્વાગત પ્રવચન ઉમા શેનીએ કર્યું હતું. ગુજરાત કોંગ્રેસના જિલ્લાના પ્રભારી સંજયભાઈ અમરાણી, યાસીનભાઈ ગજણ, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના મહામંત્રી શેરબાનુબેન ખલીફા, કિરણબેન પોકાર, બિંદુ યાદવ, જિલ્લાના પૂર્વ પ્રમુખ યજુવેન્દ્રિસંહ જાડેજા, કિશોરદાન ગઢવી, નિતેષ લાલન, રફીક મારા, બેલા જોશી, જુમાબેન મહેશ્વરી, કોકિલાબેન ધેડા, પૂર્વ ધારાસભ્ય વાલજીભાઈ દનીચા, જુમાભાઈ રાયમા, ભરત ઠક્કર વિગેરે આગેવાનોએ કાર્યક્રમને અનુરૂપ ઉદ્દબોધન કર્યું હતું
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ કલ્પના જોશીએ સૌ પ્રથમ આ બન્ને બહેનોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમને સંબોધતા જણાવ્યું કે, કેન્દ્રની ભાજપ સરકાર બેટી બચાવો અને બેટી પઢાવોની વાતો કરે છે, પણ ગુજરાત સહીત ભારતની દીકરીઓ સુરક્ષિત નથી. રોજ વધતા જતા શાકભાજી, તેલ, ખાદ્યપદાર્થના વધતા ભાવોના કારણે ઘરની ગૃહિણીઓ હેરાન અને પરેશાન છે. મોઘવારીએ જયારે માજા મૂકી છે ત્યારે મહિલા કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં દેખાવ પ્રદર્શન કરી સરકારની આંખ ઉઘાડવાનો પ્રયાસ કરશે. જિલ્લા મહિલા પ્રમુખ રાધાસિંગ ચૌધરીએ જણાવ્યું હતું કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંંટણીઓમાં ૫૦ ટકા મહિલાઓની ભાગીદારી છે ત્યારે કચ્છની બહેનો સક્રિય રાજકારણમાં આવી પોતાનો ભાગ ભજવે.
કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું હતું કે, સહ પ્રભારી સુભાષીની યાદવ કચ્છ જિલ્લાની પ્રથમવાર મુલાકાતે આવ્યા છે. તેઓ પૂર્વ સાંસદ કેન્દ્રીય નેતા શરદ યાદવના દીકરી છે. શ્રી હુંબલે વધુમાં જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં વધતી જતી નશાખોરી, બેરોજગારી, નર્મદાના નીર શિક્ષણ આરોગ્ય ટ્રાન્સપોટ, ખેડૂતો, મહિલાઓના મુદ્દાઓ ઉપર કોંગ્રેસ પક્ષ મજબૂતીથી લડત ચલાવશે. સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષ જવલંત વિજયી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગીતા પટેલે જણાવ્યું હતું કે, દેશ અને રાજ્યમાં મહિલાઓ પર અત્યાચારના ગુનાઓ દિન પ્રતિદિન વધતા જાય છે, પણ કેન્દ્રની ભાજપની સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂનું દુષણ વધી રહ્યું છે. ગુજરાત પહેલા દૂધના ટેન્કરોથી ઓળખાતું હતું તે હવે દારૂના નામે ઓળખાવાનું શરુ કરી દીધું છે. ગાંધી - સરદારના ગુજરાતમાં દેશ ના ચોથા નંબરે દારૂ વેચાય છે. 
સુભાષીની યાદવે દેશની આઝાદીના ઘડવૈયાઓ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડો.ભીમરાવ આંબેડકરના મુલ્યો તથા યોગદાનો ભૂલી ભાજપ પોતાનું તથા આરએસએસનું અસ્તિત્વ ટકી રહે તેવા એજન્ડા પર કામ કરી રહી છે. કેન્દ્રની મોદી સરકાર આ નેતાઓનું નામ બદલી અને યોજનાઓમાં પરિવર્તન કરી ધીમે ધીમે આ યોજનોઓ બંધ કરી દેવાની નીતિ તરફ છે. કેન્દ્રની ભાજપ સરકારે મનરેગાનું નામ બદલી પૂજ્ય બાપુનું અપમાન કર્યું છે. લાખો મજુરો તથા મહિલાઓને રોજગાર આપતી આ યોજના બંધ કરવા તથા દિવસો ઘટાડવાના કારણે લોકો બેરોજગાર થઇ જશે. સરકારે તેમનો હકક છીનવવાનો આ પ્રયાસ કર્યો છે. સરકાર આ યોજનાના નામે કરોડોનો ટેક્ષ ભારતની પ્રજા પાસે થી વસુલે છે તે પણ વ્યર્થ જશે તેવું જણાવ્યું હતું. મનરેગા યોજના બચાવવા કોંગ્રેસ પક્ષ “ મનરેગા સંગ્રામ કાર્યક્રમો ” જિલ્લાઓ - તાલુકામાં યોજશે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇ કોંગ્રેસ પક્ષ મજબૂતીથી પ્રજાકીય પ્રશ્નો માટે લડત ચલાવશે. આંદોલનો, હલ્લા બોલ પ્રદર્શનો કરી સરકારની આંખ ઉઘાડશે તેવું શ્રી યાદવે જણાવ્યું હતું. 
આ કાર્યક્રમનું સંચાલન લાખાજી સોઢા, ભરત ગુપ્પ્તા, દેવેન્દ્રસિંહ ઝાલાએ કર્યું હતું. ભુજના કાર્યક્રમની અભારવિધિ પુષ્પાબેન સોલંકી જ્યારે ગાંધીધામમાં કાર્યક્રમની આભારવિધિ કોકિલાબેન ઘેડા એ કરી હતી. આ કાર્યક્રમમાં પક્ષના સીનીયર આગેવાનો, શહેર-તાલુકાના પ્રમુખો, જિલ્લા સમિતિના હોદેદારો, પાંખ-સેલના પ્રમુખો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકરો, મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થા લાલી આદીવાલ, ગુંજા યાદવ, જુમા મહેશ્વરી, રામદેવસિંહ જાડેજા, ગની કુંભાર, ધીરજ ગરવા વિગેરેએ સંભાળી હતી એવું પ્રવક્તા હુસેન રાયમાની યાદીમાં જણાવાયું હતું. 
----

Comments

COMMENT / REPLY FROM