Trending News
સ્થાનિક સમાચાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ : કમૂહુર્તા બાદ ગમે ત્યારે રણશિંગું ફૂંકાવાની શક્યતા

05 January

કચ્છમાં રાજકીય ગતિવિધિઓ તેજ 



જિલ્લા અને તાલુકા પંચાયતોમાં સત્તાના સમીકરણો તેજ બન્યા : સરની કામગીરી દરમ્યાન વહીવટદાર શાસન આવશે કે સમયસર ચૂંટણી થશે તે અંગે અટકળો 


ભુજ - કચ્છઉદય : ગુજરાત રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ આગામી સમયમાં યોજાનારી તાલુકા-જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ અત્યંત તેજ બની ગઈ છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી દિવસોમાં ચૂંટણીનું સમયપત્રક જાહેર કરવામાં આવે તેવી શક્યતા વચ્ચે કચ્છના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. હાલ સરની કામગીરી આખા દેશમાં થઈ રહી છે ત્યારે આ ચૂંટણીઓ ફેબ્રુઆરીમાં સમયસર યોજાશે કે પછી તેને પાછળ ઠેલવામાં આવશે તે બાબત હજુ સ્પષ્ટ થઈ નથી, પરંતુ રાજકીય પક્ષોએ અત્યારથી જ પાયાનું કામ શરૂ કરી દીધું છે.
ચૂંટણી યોજવા માટે હાલ બે વિકલ્પો વિચારાધિન છે, જેમાં નવી અને જૂની એમ બંને મતદાર યાદીનો સમાવેશ થાય છે. જો ચૂંટણી ફેબ્રુઆરીમાં જ યોજવી હોય તો તંત્રએ જૂની મતદાર યાદીનો સહારો લેવો પડશે, કારણ કે નવી મતદાર યાદી આગામી ૧૯ ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ થવાની છે. માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષાઓ અને વિધાનસભાનું સત્ર હોવાથી જો નવી યાદીની રાહ જોવામાં આવે તો ચૂંટણી એપ્રિલ કે મે માસ સુધી લંબાઈ શકે છે. જો ચૂંટણી લંબાય તો માર્ચના બીજા સપ્તાહમાં વર્તમાન ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થતા વહીવટદાર શાસન આવવાની પણ સંભાવના છે.
કચ્છ જિલ્લાના સંદર્ભમાં જોઈએ તો દિવાળી બાદ થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોમાં ફેલાયેલી નારાજગી અને ગ્રામ્ય પંથકના બિસ્માર રસ્તાઓ સત્તાધારી પક્ષ માટે ચિંતાનો વિષય હતા. જોકે, બદલાતા સમય સાથે આ પ્રતિકૂળ સંજોગોમાં સુધારો આવતા હવે ભાજપ માટે રાજકીય વાતાવરણ સાનુકૂળ બની રહ્યું હોય તેમ જણાય છે. જિલ્લાના મુખ્ય મથક ભુજ સહિતના વિસ્તારોમાં પક્ષીય બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે અને કાર્યકરોને સક્રિય કરવામાં આવ્યા છે.
આધારભૂત વર્તુળોના જણાવ્યા અનુસાર ૧૫ જાન્યુઆરીએ કમૂહુર્તા પૂર્ણ થતાની સાથે જ ચૂંટણીનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે. ચૂંટણીના જાહેરનામા અને મતદાન વચ્ચે ૨૧ દિવસનો સમયગાળો રાખવો અનિવાર્ય હોવાથી મકરસંક્રાંતિ પછી તુરંત જ જાહેરાત થવાની પ્રબળ શક્યતા છે. કચ્છના મતદારોમાં પણ હવે ચૂંટણીને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે અને રાજકીય મોરચે ઉમેદવારોની પસંદગી અંગેની આંતરિક ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.

Comments

COMMENT / REPLY FROM