દેશલપર - મંગવાણા હાઈવે પર ટ્રકમાં આગ લાગતા ચાલકનું મોત
મોડી રાત્રે ટ્રક પલ્ટી જતા આગ લાગી હતી : કરૂણ બનાવથી ગમગીની ફેલાઈ
ભુજ - કચ્છ ઉદય : નખત્રાણા તાલુકાના દેશલપરથી મંગવાણા હાઈવે પર ટ્રકમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. ગઈકાલે મોડી રાત્રે એક વાગ્યાના અરસામાં ટ્રકમાં આગ લાગતા ભુજ ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી. જોકે, ચાલક બહાર ન નીકળી શકતા મોત થયું હતું.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ બલકર ટ્રક પલટી જતા તેમાં આગ ફાટી નીકળી હતી. બનાવ એટલો ભયંકર હતો કે, ચાલક બહાર નીકળી શક્યો ન હતો. આ બનાવમાં ઘટનાસ્થળે જ ડ્રાઈવરનું મોત થયું હતું. નખત્રાણા પોલીસના જણાવ્યા પ્રમાણે આ બનાવમાં ભુજના ગણેશનગરમાં રહેતા ર૮ વર્ષિય ચેનાભાઈ ઉમરાભાઈ રબારી નામના યુવાનનું મોત થયું હતું. બનાવની જાણ થતા ભુજ ફાયર વિભાગના ભગતસિંહ જાડેજા, રફીક ખલીફા, પ્રતીક મક્વાણા, રમેશ આહિર, જય ઠક્કરે સ્થળ પર જઈ આગ બુઝાવી હતી. પોલીસે ઘટના સ્થળે જઈ ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલી એમએલસી મુજબ હતભાગી ગાડી નં.જીજે૧ર - ટીબી - ૯ર૪પ લઈને સાંઘીથી આવી રહ્યા હતા ત્યારે આ સ્થળે ગાડી પલટી ગયા બાદ ઈજાઓ થઈ હતી એ દરમિયાન આગ લાગતા સારવાર માટે મંગવાણામાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
............
અકસ્માત બાદ આગ લાગવાના કિસ્સામાં ચિંતાજનક વધારો
જિલ્લામાં અકસ્માત બાદ આગ લાગવાના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. ગત ર૭ તારીખે રાત્રે ભચાઉના વોંધ પાસે ટેમ્પો ટ્રાવેલરમાં અકસ્માત બાદ આગ લાગતા સાત કલાક બાદ આગની જ્વાળાઓ શાંત થઈ હતી. આ બનાવમાં ૧૮ પ્રવાસીનો બચાવ કરવામાં આવ્યો હતો. આ પૂર્વે રર ડિસેમ્બરના ભચાઉ - સામખિયાળી હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં ચાર વાહનો ભટકાયા અને આગ લાગ્યા બાદ અઢી વર્ષના બાળક અને ચાલકનું મોત થયું હતું. તો એક ડિસેમ્બરના જુના કટારિયા પાસે એલપીજી ભરેલું ટેન્કર પલ્ટ્યા બાદ બ્લાસ્ટ થતા સાત વાહનોમાં આગ લાગી હતી. ઉપરાઉપરી સામે આવતી ઘટનાઓ ચિંતામાં વધારો કરે છે.

Comments