Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના પવન ઊર્જા ક્ષેત્રે ફ્રાન્સની પાંખિયા વગરની બ્લેડલેસ ટેકનોલોજી બની શકે આર્શીવાદરૂપ 

04 January

પરંપરાગત પવન ચક્કીઓથી પક્ષીઓ અને પર્યાવરણ પર જોખમ


અવાજ અને જોખમ મુક્ત પવન ઊર્જાનો નવો સૂર્યોદયફ્રાન્સમાં વિકસિત નવીન ટેકનોલોજી પાછળ ‘વોર્ટેક્સ ઇન્ડ્યુસ્ડ વાઇબ્રેશન’ નામનું વિજ્ઞાન કરે છે કામ બ્લેડલેસ ટર્બાઇન પવનના સંપર્કથી માત્ર ધ્રુજારી એટલે કે ઓસિલેશન અનુભવે છે, તેનાથી ઉત્પન્ન થતી ગતિજ ઉર્જાને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન દ્વારા વીજળીમાં કરવામાં આવે છે રૂપાંતરિતપક્ષીઓના અસ્તિત્વને જોખમમાં મૂક્યા વગર મેળવી શકાય સ્વચ્છ અને શાંત પવન ઊર્જા




ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લો એશિયામાં પવન ઊર્જાના સૌથી મોટા હબ તરીકે ઉભરી આવ્યો છે પરંતુ તેની પાછળ પર્યાવરણીય કિંમત પણ ચૂકવવી પડી રહી છે. વર્તમાન સમયમાં કાર્યરત વિશાળકાય પાંખિયાવાળી પવન ચક્કીઓ કચ્છની સંવેદનશીલ જીવ સૃષ્ટિ માટે ખતરો બની રહી છે. ખાસ કરીને કચ્છના રણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ અને સ્થાનિક પક્ષીઓ આ પવન ચક્કીઓના ફરતા પાંખિયાઓ સાથે અથડાવાને કારણે મૃત્યુ પામે છે. દુર્લભ ગણાતા ઘોરાડ જેવા પક્ષીઓ માટે પણ આ ઊંચા ટાવર્સ અને તેના વીજ વાયરો મોટું જોખમ ઉભું કરી રહ્યા છે. આ ઉપરાંત પવન ચક્કીઓમાંથી ઉત્પન્ન થતો સતત ઘોંઘાટ અને જમીનમાં થતા કંપનો સ્થાનિક વન્યજીવો અને આસપાસના રહેવાસીઓના સ્વાસ્થ્ય પર પણ પ્રતિકૂળ અસર કરે છે.
ફ્રાન્સમાં વિકસિત નવીન ટેકનોલોજી પાછળ ’વોર્ટેક્સ ઇન્ડ્યુસ્ડ વાઇબ્રેશન’ નામનું વિજ્ઞાન કામ કરે છે. પરંપરાગત પવન ચક્કીઓ પવનના વેગથી પાંખિયા ફેરવીને ઉર્જા ઉત્પન્ન કરે છે જ્યારે આ બ્લેડલેસ ટર્બાઇન પવનના સંપર્કથી માત્ર ધ્રુજારી એટલે કે ઓસિલેશન અનુભવે છે. જ્યારે પવન આ નળાકાર સ્તંભ સાથે અથડાય છે ત્યારે ત્યાં હવાનું દબાણ સર્જાય છે અને તેનાથી ઉત્પન્ન થતી ગતિજ ઉર્જાને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન દ્વારા વીજળીમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં કોઈ પણ ભાગ ગોળ ફરતો ન હોવાથી ઘર્ષણ ઓછું થાય છે અને યંત્રની આવરદામાં અનેકગણો વધારો થાય છે. કચ્છ જેવા રેતાળ વિસ્તારમાં જ્યાં ધૂળ અને ક્ષારને કારણે મશીનરી જલ્દી ખરાબ થાય છે ત્યાં આ ટેકનોલોજી અત્યંત કારગત નીવડી શકે છે.
આ આધુનિક ટર્બાઇન કોઈ પણ પ્રકારના ફરતા પાંખિયા વગર કાર્યરત હોવાથી તે પક્ષીઓ માટે માર્ગમાં આવતો કોઈ અવરોધ બનતા નથી. તેમાં અવાજનું પ્રદૂષણ શૂન્ય હોવાથી વન્યજીવોના કુદરતી નિવાસસ્થાનમાં ખલેલ પહોંચતી નથી. કચ્છમાં જે રીતે પવન ચક્કીઓના કારણે કુદરતી સૌંદર્ય અને જમીનનું ધોવાણ થાય છે તેની સામે આ નાના અને ઓછી જગ્યા રોકતા ટર્બાઇન વધુ અસરકારક સાબિત થઈ શકે તેમ છે. આ સિસ્ટમમાં ગિયરબોક્સ કે લુબ્રિકન્ટ ઓઈલની જરૂર પડતી નથી જે પર્યાવરણને કેમિકલના પ્રદૂષણથી પણ બચાવે છે. પક્ષીઓના અસ્તિત્વને જોખમમાં મૂક્યા વગર આ ટેકનોલોજી દ્વારા સ્વચ્છ અને શાંત પવન ઊર્જા મેળવવી હવે કચ્છ માટે હકીકત બની શકે છે.

...........


કચ્છમાં વિકાસ અને પર્યાવરણ એકબીજાના પૂરક બને તો સોનામાં ભળે સુગંધ


કચ્છ જિલ્લામાં આ ક્રાંતિકારી બ્લેડલેસ પવન ઊર્જા ટેકનોલોજીનો વહેલી તકે અમલ થાય તે માટે સરકાર, સ્થાનિક વહીવટી તંત્ર, પર્યાવરણવિદો, ઊર્જા ક્ષેત્રના ઉદ્યોગપતિઓ અને જનતાના સહિયારા પ્રયાસો અનિવાર્ય છે. રાજ્ય સરકારે આધુનિક અને પર્યાવરણલક્ષી ઊર્જા નીતિઓને પ્રોત્સાહન આપીને આવા પ્રોજેક્ટ્‌સને પ્રાથમિકતા આપવી જોઈએ. સ્થાનિક વહીવટી તંત્રએ આ ટેકનોલોજીના સફળ પ્રયોગો અને સંભવિત ફાયદાઓ અંગે જાગૃતિ ફેલાવીને અમલીકરણ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. સાથે જ ઊર્જા ઉદ્યોગના અગ્રણીઓએ પણ પરંપરાગત પદ્ધતિઓમાંથી બહાર આવીને આ નવીન ટેકનોલોજીમાં રોકાણ કરવા તત્પરતા દાખવવી પડશે. પર્યાવરણવિદો અને સામાજિક સંગઠનોએ આ ટેકનોલોજીના પર્યાવરણીય ફાયદાઓ અંગે જનજાગૃતિ ફેલાવીને તેને સ્વીકૃતિ અપાવવામાં મદદરૂપ થવું જોઈએ. આ તમામ હિતધારકોના સંકલિત પ્રયાસો જ કચ્છને બ્લેડલેસ પવન ઊર્જાના અગ્રણી કેન્દ્ર તરીકે સ્થાપિત કરી શકશે, જ્યાં વિકાસ અને પર્યાવરણ એકબીજાના પૂરક બની રહેશે. 

Comments

COMMENT / REPLY FROM