Trending News
સ્થાનિક સમાચાર

કોલસાની જગ્યાએ માટી પધરાવી દેવાના કૌભાંડનો પર્દાફાશ, કંડલા પોર્ટના પ્લોટમાંથી ૩૨ ટન કોલસો ચોરી કરાયો

04 January


ટ્રાન્સપોર્ટના ટ્રક ચાલકે અજાણ્યા ઈસમ સાથે મળીને ૩.૭૪ લાખના માલની હેરાફેરી કરી 

ગાંધીધામ : કચ્છમાં અવારનવાર કોલસાની ગેરકાયદે હેરફેરનો મામલો સામે આવે છે ત્યારે વધુ એક વખત કોલસામાં મિલાવટનો મામલો સામે આવ્યો છે જે મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
કંડલા મરીન પોલીસ મથકે નોંધાયેલી એક ચોંકાવનારી ફરિયાદ મુજબ દીનદયાલ પોર્ટના પ્લોટ નંબર ૪૦ સી/૧ માંથી કિંમતી સ્ટીમ કોલસાની ચોરી કરીને તેમાં માટી જેવો પદાર્થ ભેળવી દેવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ ઘટના અંગે મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ અંજારમાં રહેતા પ્રીતમ સમીર રાયે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેની વિગતો મુજબ જય અંબિકા ટ્રેડલિંક ટ્રાન્સપોર્ટની ટ્રક નંબર જી.જે.૧૨.બી.વી.૮૩૩૯ ના ચાલક યુપીના નૌસાદ આલમ આબીદઅલી અને એક અજાણ્યા ઈસમે પૂર્વ આયોજિત કાવતરું રચીને આ ગુનાને અંજામ આપ્યો હતો. આરોપીઓએ પ્લોટમાં રહેલ આશરે ૩૨.૮૬૦ ટન સ્ટીમ કોલસો જેની કિંમત ૩,૭૪,૧૭૬ રૂપિયા થાય છે, તે પોતાના આર્થિક ફાયદા માટે બારોબાર વેચી દીધો હતો.
આ છેતરપિંડીને છુપાવવા માટે આરોપીઓએ અત્યંત ચાલાકી વાપરી હતી. ટ્રકમાં ભરેલા અસલી કોલસાની જગ્યાએ તેમણે માટી જેવો હલકી ગુણવત્તાનો પદાર્થ ભરી દીધો હતો જેથી વજનમાં કોઈ ફેરફાર ન જણાય. આ ભેળસેળ યુક્ત માલ શ્રીયમ પાવર એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીને મોકલી આપીને વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે કંપની અને ટ્રાન્સપોર્ટ સંચાલકોને જાણ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. કંડલા મરીન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પીએસઆઈ વાય.પી.ગોહિલ ચલાવી રહ્યા છે અને આ રેકેટમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ ચક્રો ગતિમાન 
કર્યા છે.

Comments

COMMENT / REPLY FROM