Trending News
સ્થાનિક સમાચાર

માધાપરના રહેણાંક વિસ્તારમાં ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ, ૩ શખ્સો પકડાયા

04 January



બિગ બેશ લીગ પર સટ્ટો રમાડતા ઈસમો પાસેથી ૧.૩૦ કરોડથી વધુના આઈ.ડી. બેલેન્સ સહિતનો મુદ્દામાલ જપ્ત, સાત શખ્સો સામે ગુનો નોંધાયો


ભુજ : માધાપર વિસ્તારમાં ધમધમતા હાઈટેક ક્રિકેટ સટ્ટાના નેટવર્ક પર પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ત્રાટકીને એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. સરહદી રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા માટે એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે માધાપરની સનરાઈઝ સિટી સોસાયટીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસને સચોટ વિગત મળી હતી કે આ સોસાયટીના મંદિર પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં કેટલાક શખ્સો એકઠા થઈને લાઈવ ક્રિકેટ મેચ પર રન અને હાર-જીતના સોદા કરી ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યા છે.
પોલીસની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ કરતા ત્રણ શખ્સો લાઈવ મેચ જોઈ મોબાઈલ એપ્લિકેશન દ્વારા સટ્ટો રમાડતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પકડાયેલા શખ્સોમાં ચિંતન હસમુખભાઈ ઠક્કર, હિરેન હસમુખભાઈ ઠક્કર અને પ્રિન્સ વિપુલભાઈ ઠક્કરનો સમાવેશ થાય છે. આ શખ્સો ઓસ્ટ્રેલિયામાં રમાતી બિગ બેશ લીગની સિડની થન્ડર વિરુદ્ધ હોબાર્ટ હેરીકેન્સ વચ્ચેની મેચ પર ગ્રાહકો પાસેથી સટ્ટો લેતા હતા. પોલીસને તપાસ દરમિયાન આરોપીઓના મોબાઈલ ફોન અને ટેબ્લેટમાંથી ક્રિકેટ સટ્ટાના માસ્ટર અને એડમિન આઈ.ડી. મળી આવ્યા હતા, જેમાં કુલ ૧,૩૦,૦૦,૯૧૦ રૂપિયાનું જંગી બેલેન્સ જોવા મળ્યું હતું.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે ૧૨ નંગ મોબાઈલ ફોન, ૧ ટેબ્લેટ અને રોકડ રકમ સહિત કુલ ૯૫,૨૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે, મુખ્ય દરોડા દરમિયાન અન્ય ચાર શખ્સો હાજર મળી આવ્યા ન હતા, જેમાં પાલનપુરના અજયભાઈ ઠક્કર, ભુજના કિશનભાઈ રામજીભાઈ ઠક્કર, વિકી ઠક્કર અને ભચાઉના બિપિન લુહારના નામ ખુલ્યા છે. પોલીસે આ તમામ સાત શખ્સો વિરુદ્ધ માધાપર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ ૧૨(એ) મુજબ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે. રહેણાંક વિસ્તારની વચ્ચે ચાલતા આ હાઈટેક સટ્ટાના પર્દાફાશથી સટ્ટાબજારમાં ફફડાટ વ્યાપી ગયો છે. 

 

Comments

COMMENT / REPLY FROM