અંજારમાં ભાડુઆતો પાસેથી ટ્રસ્ટની મિલકતનો કબજો મેળવાયો
અદાલતના આદેશ બાદ કરાઈ કાર્યવાહી
ગાંધીધામ - કચ્છ ઉદય : અંજાર શહેરના વરસામેડી નાકા વિસ્તારમાં આવેલી શ્રી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ અંજારની માલીકીની મિલકત લાંબા સમયથી ભાડુઆતોના કબજામાં હતી. ટ્રસ્ટને મિલકતની જરૂરિયાત ઊભી થતા તે સમયના ટ્રસ્ટી રમેશભાઈ જેઠાલાલ છાંટબાર દ્વારા ભાડુઆતો વસંતભાઈ જેઠાલાલ કોડરાણી, જગદીશ જેરામભાઈ રાવલીયા તથા પ્રવીણ જેરામભાઈ રાવલીયા સામે મિલકત ખાલી કરાવવા માટે નામદાર અંજાર કોર્ટમાં દાવો નં. ૭૬/૨૦૦૩ દાખલ કરવામાં આવ્યો હતો.આ દાવામાં ટ્રસ્ટની તરફેણમાં ચુકાદો આવતા તા. ૨૬-૦૩-૨૦૧૦ના રોજ નામદાર કોર્ટે ભાડુઆતોને તેમની ભાડુત હકવાળી જગ્યા ખાલી કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમ સામે ભાડુઆતો દ્વારા નામદાર અધિક જિલ્લા જજ સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી હતી પરંતુ તે અપીલ પણ નામંજુર કરવામાં આવી. ત્યારબાદ ભાડુઆતો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં સીવીલ અપીલ દાખલ કરાઈ હતી, જેમાં પણ ભાડુઆતોને રાહત મળી ન હતી.દરમિયાન ટ્રસ્ટી રમેશભાઈ છાંટબારનું અવસાન થયા બાદ નવનીયુક્ત ટ્રસ્ટીઓ સમીર ઈશ્વરલાલ છાંટબાર, વસંતાબેન મગનલાલ છાંટબાર તથા જીતેન્દ્રભાઈ સોનેજીભાઈ દ્વારા નામદાર કોર્ટના હુકમનું પાલન કરાવવા અંજાર કોર્ટમાં તામીલ અરજી નં. ૬૭/૨૦૧૧ દાખલ કરવામાં આવી હતી. સમગ્ર મામલો અંતે નામદાર સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, પરંતુ ભાડુઆતોના પક્ષે કોઈ પણ પ્રકારનો સ્ટે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો ન હતો.સ્ટે ના હોવાના કારણે અંજારના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ વાઘેલા સાહેબ દ્વારા ટ્રસ્ટના પક્ષે હુકમ કરી ભાડુઆતો પાસેથી મિલકતનો કબજો તથા ચડેલુ ભાડુ ટ્રસ્ટને સોંપવાનો આદેશ આપવામાં આવ્યો. વર્ષ ૨૦૦૩થી વિવિધ કોર્ટોમાં ચાલેલા લાંબા કાનૂની સંઘર્ષ બાદ અંતે ટ્રસ્ટની તરફેણમાં હુકમ થતાં, નામદાર કોર્ટના આદેશ મુજબ ભાડુઆતો પાસેથી મિલકતનો કબજો ટ્રસ્ટીઓ દ્વારા મેળવી લેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ટ્રસ્ટ તરફેથી એડવોકેટ પી. એમ. વરૂ, દર્શનાબેન જોલાપ્રા તથા કાન્તાબેન પ્રજાપતિએ કાનૂની રજૂઆત કરી હતી.

Comments