કચ્છના ખનિજ સમૃદ્ધ વિસ્તારોમાં પવનચક્કીઓ પર લાગે રોક
પવન ઉર્જાના વિકાસના નામે આડેધડ અપાતી મંજૂરી સામે લાલબત્તી : જિલ્લાના પર્યાવરણ અને વન્યસંપદાનો વ્યાપક નુકસાન સાથે ખનિજ સંપદા પર લાગી જાય છે રોક : ગજોડ, રવાપર, ઘડાણી સહિત કચ્છના ખનીજ વિસ્તારોમા પવન ચક્કીને મંજુરી કેવી રીતે મળી... ? ભ્રષ્ટાચારની ચર્ચાએ ગરમી પકડી.... : દેશની ખનીજ હોવા છતાં ખનન નહી કરી શકે....
નિયમોનુસાર પવન ચક્કી આસપાસ ૧૦૦ મીટરથી વધુ વિસ્તારમાં ખનિજ ઉત્ખનન થઈ શકે નહીં : લીલી ઝાડીઓના સોથ સાથે ખનિજ પણ બંધ થતા રોજગારી પર સંકટ
ખનિજ સમૃદ્ધ વિસ્તારમાં પવનચક્કી લગાવવા જિલ્લા કક્ષાની ભૂસ્ત્રશાસ્ત્રી કચેરીની માત્ર સ્થળ પૂરતી ભૂમિકા : મંજૂરીનો નિર્ણય લેવાય છે રાજ્યની વડી કચેરી દ્વારા
ભુજ - કચ્છઉદય : વૈકલ્પિક ઉર્જાના વિકાસના નામે કચ્છમાં વિન્ડ એનર્જી અને સૌર ઉર્જાના મહાકાય પ્રોજેક્ટ કચ્છની ધરતી પર ધમધમી રહ્યા છે. કચ્છમાં આડેધડ પવનચક્કીઓ લાગી રહી છે, જેનાથી માત્ર કચ્છના પર્યાવરણ અને વન્યસંપદાને જનહીં, પરંતુ કચ્છના પેટાળમાં ધરબાયેલા વિપુલ ખનિજ ભંંડાર પર પણ બ્રેક લાગી જવાની ભીતિ સર્જાઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વિપુલ પ્રમાણમાં ખનિજ સંપદા ધરાવતા કચ્છ જિલ્લામાં પવન ઉર્જાના ઉત્પાદન માટે હજારોની સંખ્યામાં મહાકાય પવનચક્કીઓ લગાવવામાં આવી છે. જિલ્લાના ખનિજથી સમૃદ્ધ વિસ્તારોમાં પણ મહાકાય પાંખડાઓ લાગી જવાથી પેટાળમાં ધરબાયેલ કિંમતી ખનિજ સંપદા પર પણ રોક લાગી જતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. જિલ્લાના ખાણ ખનિજથી માંડી લોક પ્રતિનિધિઓનો અવાજ પણ આ મુદ્દે સંભળાતો નથી. સૌર ઉર્જા સાથે પવન ઉર્જાનું વિપુલ ઉત્પાદન કરવાની લ્હાયમાં કચ્છમાં ખાનગી અને સરકારી જમીનોમાં વિન્ડમીલ લગાવવામાં
આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છમાં અત્યાર સુધી પાંચ હજારથી વધુ પવનચક્કીઓ લાગી છે અને અંદાજીત ૯૦ લાખ ચોરસ મીટર સરકારી જમીન આ પ્રોજેક્ટ માટે આપી દેવામાં આવી છે. કચ્છમાં પવન ઉર્જા ક્ષેત્રે કાર્યરત ૧૧ ખાનગી કંપનીઓને અંદાજીન પ હજારથી વધુ સ્થળે મંજૂરી આપી દેવાઈ છે. જ્યારે અન્ય સેેંકડો સ્થળ માટે અરજીઓ હાલે પેન્ડિંગ છે. સૌથી વિસ્મયકારી બાબત એ છે કે, સરકારી ખરાબાની જમીનમાં ડુંગર હોય કે અન્ય જમીનના પેટાળમાં માટી, સાદી માટી, રેતી, બ્લેકટ્રેપ, બેન્ટોનાઈટ જેવા ગૌણ ખનિજ આવેલા હોય ત્યાં પણ પવનચક્કી લગાડવાની પરવાનગીઓ આપી દેવાય છે. ખનિજ મળી આવે છે તેવી સરકારી જમીનમાાં પવનચક્કી લગાવવા જિલ્લા કક્ષાની ભૂસ્તરશાસ્ત્રીની કચેરી તરફથી માત્ર અહેવાલ આપવામાં આવે છે. ખાણ - ખનિજ વિભાગની ટીમને માત્ર સ્થળ તપાસ જ કરવાની હોય છે, પરંતુ ત્યાં પવનચક્કી લગાવવામાં આવશે કે નહીં આ બાબતનો નિર્ણય રાજ્યની વડી કચેરી દ્વારા જ લેવામાં આવે છે.
આ બાબતે ભુજના ખાણ ખનિજ વિભાગના અધિકારી દેવેન્દ્ર બારિયાએ જણાવ્યું હતું કે, અમે સ્થાનિકે એનઓસી આપતા નથી. કમિશ્નર ઓફ જીઓલોજી એન્ડ માઈનિંગ દ્વારા એનઓસી આપવામાં આવે છે. જે વિસ્તારમાં પવનચક્કી લાગે ત્યાં ૧૦૦ મીટરની આસપાસ કોઈપણ ખનિજનું ઉત્ખનન કરી શકાતું નથી. છેલ્લા ૩ વર્ષમાં પૂર્વ અને પશ્ચિમ કચ્છના ૩૦૦થી વધુ ખનિજવાળા વિસ્તારોમાં પવનચક્કી લાગી જતા ખનિજનું ઉત્ખનન અટક્યું છે. કચ્છના જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર પવનચક્કી લાગતા પર્યાવરણ અને વન્યસંપદાને નુકસાન સાથે ખનિજ સંપદા પર પણ રોક લાગી જાય છે. લીલી ઝાડીઓ નષ્ટ થા અને ખનિજ પણ બંધ થાય તો આવા વિકાસથી કચ્છના લોકો માટે રોજગારીના પ્રશ્નો પણ ઉભા થશે તેવું પ્રબુદ્ધ નાગરિકો વધુમાં જણાવી રહ્યા છે.
.........................
પેટાળમાં ધરબાયેલ ખનિજની નુકસાની વસૂલો
અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ પણ અગાઉ ખનિજ સમૃદ્ધ વિસ્તારમાં પવનચક્કી મુદ્દે કરી હતી રજૂઆત : ડુંગરમાં ઉભી થતી પવનચક્કીઓ અંગે પણ ઉઠાવ્યા હતા સવાલ
ભુજ - કચ્છઉદય : ખનિજથી સમૃદ્ધ કચ્છ જિલ્લામાં વૈકલ્પિક ઉર્જા માટે મહાકાય પ્રકલ્પો ધમધમતા થયા છે. સૌર ઉર્જા અને પવન ઉર્જા ક્ષેત્રે નોંધપાત્ર કમાગીરી થઈ રહી છે ત્યારે કચ્છ જિલ્લામાં દરિયા કાંઠા સિવાય અન્યત્ર લાગતી પવનચક્કીઓ જુદા - જુદા કારણોસર વિવાદમાં રહી છે. પર્યાવરણ અને કચ્છની જૈવિક સંપદાને નુકસાન સાથે ખનિજ ક્ષેત્રે પણ ક્યાંકને ક્યાંક નુકસાન થયું છે.
ખનિજ વિસ્તારમાં લાગતી પવનચક્કીઓના કારણે ખનન પર રોક લાગતી હોય છે. અબડાસાના જાગૃત ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર ખનિજવાળા વિસ્તારો અને ડુંગર પર લાગતી પવનચક્કીઓ અંગે તેમણે સંકલનની બેઠકમાં સવાલ ઉઠાવ્યા હતા. ખાસ કરીને પવનચક્કી લાગે અને ખનિજ ખનન પર રોક લાગતા સરકારને નુકસાન થતું હોય છે. આવા કિસ્સાઓમાં જમીનની કિંમત સાથે પેટાળમાં રહેલ ખનિજની રકમ સૂલવામાં આવે તેવી તેમણે વાત મૂકી હતી સાથે જ ડુંગર વિસ્તારમાં પવનચક્કી લાગતા ભવિષ્યમાં ડુંગર પર કંપની એકાધિકાર જમાવી લેશે કે કેમ તેવા સવાલો ઉઠાવ્યા હતા.
................
પવનચક્કીની કંપનીઓ દ્વારા જંગલ વિસ્તારમાં રસ્તા બનાવવા આડેધડ વૃક્ષોનું છેદન
ભુજ -કચ્છઉદય : કચ્છના જુદા જુદા પંથકોમાં ઝડપથી સ્થાપિત થતી પવનચક્કીઓ હવે ખેડૂતો અને પર્યાવરણ માટે ગંભીર ચિંતા બની રહી છે. હરિત ઊર્જા નામે શરૂ થયેલી આ પ્રવૃત્તિ ધીમે ધીમે કુદરતી તંત્ર અને ખેતી પ્રણાલી માટે મોટું જોખમ સાબિત થઈ રહી છે. પવનચક્કીઓના ઉપકરણો પહોંચાડવા માટે કંપનીઓ દ્વારા જંગલ વિસ્તારમાં રસ્તા બનાવવા આડેધડ કિંમતી વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું છે. વનવિભાગની મંજૂરી વગર હોવાનાં આક્ષેપો વચ્ચે પર્યાવરણને મોટું નુકસાન થયું છે. હરિયાળી ધરાવતા વિસ્તારોમાં હવે સૂકું ભૂદ્રશ્ય જોવા મળે છે. ખેડૂતોની વાડીઓમાંથી વીજવાયર પસાર કરવા પાકની જમીનને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું ખેડૂતોનું કહેવું છે. નુકસાન બદલ વળતર તરીકે માત્ર ઓછી રકમ ચૂકવાતી હોવાની વ્યથા પણ ખેડૂતો ખુલ્લેઆમ વ્યક્ત કરી રહ્યા છે. વીજવાયર ખેંચાય ત્યારે પાકનું નુકસાન ખૂબ થાય છે પરંતુ અમને મળતું વળતર ખર્ચ પણ પુરૂં ન પાડી શકે એમ ખેડૂત શાંતિભાઈ નાયાણીએ જણાવ્યું હતું. પંથકમાં અત્યારે જ્યાં જુઓ ત્યાં પવનચક્કીના વાયરો અને મશીનરીના ભાગો પડેલા જોવા મળે છે. સેંકડો પવનચક્કીઓના નવા ઉપકરણો હજુ પણ ઠલવાઈ રહ્યાં છે. આ ભારે મશીનરીના ૫૦થી ૭૦ ટન વજન ધરાવતા વાહનો ૨૦ ટન ક્ષમતાવાળા ગ્રામ્ય માર્ગોથી પસાર થતા હોવાથી માર્ગોની હાલત અત્યંત બિસમાર બની છે. ખાડાઓ, ધોવાણ અને તૂટેલા રસ્તાઓને કારણે ગ્રામજનોને ગંભીર મુશ્કેલીઓ સર્જાઈ છે.

Comments