ભુજ નગરપાલિકાને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મળ્યું નવું જેસીબી મશીન
ભુજ - કચ્છઉદય : ભુજ નગરપાલિકા દ્વારા શહેરની સાફ-સફાઈ અને વિકાસ કાર્યોને વધુ વેગવંત બનાવવા માટે એક મહત્વપૂર્ણ ડગલું ભરવામાં આવ્યું છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ ભુજ નગરપાલિકાને પોતાનું નવું જેસીબી મશીન પ્રાપ્ત થયું છે. આ અંગે માહિતી આપતા નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરમાં દૈનિક ધોરણે બેકહો લોડર એટલે કે જેસીબી મશીનની ખૂબ જ જરૂરિયાત રહેતી હતી. અત્યાર સુધી પાલિકાએ ખાનગી મશીનો ભાડે રાખીને કામગીરી કરવી પડતી હતી, પરંતુ હવે પોતાની માલિકીનું મશીન આવતા કામગીરી વધુ સરળ અને ઝડપી બનશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન જ્યારે ગટર કે પાણી ભરાવાની સમસ્યાઓ ઉભી થાય છે ત્યારે જેસીબીની તાતી જરૂરિયાત હોય છે. હવે પોતાની માલિકીનું સાધન હોવાથી પાલિકાએ ભાડા પેટે થતા મોટા ખર્ચમાં રાહત મળશે અને તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરી શકાશે. અંદાજે ૩૫ લાખ રૂપિયાની કિંમતનું આ જેસીબી મશીન સ્વચ્છ ભારત મિશનની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવ્યું છે. આ નવા સાધનના આગમનથી પાલિકાના સભ્યોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે અને આગામી સમયમાં શહેરની સ્વચ્છતા જાળવવામાં આ મશીન ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
-----

Comments