Trending News
સ્થાનિક સમાચાર

કચ્છની ૮૨ ખાનગી શાળાઓએ ૧૫ હજારથી વધુ ફી વસૂલવાની દરખાસ્ત કરતા સંચાલકોને રૂબરૂ તેડું

02 January


એફઆરસી દ્વારા જિલ્લાની ૨૭૫ ખાનગી શાળાઓનું ફી માળખું જાહેર કરાયા બાદ નિયત મર્યાદા કરતા વધુ ફી માંગતી શાળાઓ પાસે ખુલાસો મંગાશે

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં કાર્યરત ખાનગી શાળાઓ દ્વારા વધુ ફી વસૂલવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે ત્યારે ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા શાળાઓની ફીનું માળખું ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણ તંત્રથી પ્રાપ્ત વિગત મુજબ જિલ્લાની ખાનગી શાળાઓના ધોરણ, માધ્યમ અને સંલગ્ન બોર્ડ મુજબની તમામ વિગતો વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવી છે. આ યાદી મુજબ કચ્છની કુલ ૯૦૨ ખાનગી શાળાઓ પૈકી ૨૭૫ શાળાઓનું ફી માળખું ૧૫ હજાર રૂપિયાની મર્યાદામાં હોવાથી તેને માન્યતા આપી દેવામાં આવી છે. જોકે જિલ્લાની ૮૨ જેટલી ખાનગી શાળાઓ એવી છે જેણે ૧૫ હજાર રૂપિયા કરતા વધુ ફી વસૂલવા માટે દરખાસ્ત રજૂ કરી છે. આ શાળાઓની દરખાસ્તને સીધી રીતે માન્ય રાખવાને બદલે ફી રેગ્યુલેટરી કમિટીએ કડક વલણ અપનાવ્યું છે.
વધુ ફીની માંગણી કરનાર આ તમામ ૮૨ શાળાઓના સંચાલકોને કમિટી સમક્ષ રૂબરૂ હાજર થવા માટે આદેશ કરવામાં આવ્યા છે. સંચાલકોએ કયા કારણોસર અને કઈ સુવિધાઓના આધારે વધુ ફીની માંગણી કરી છે તેનું સ્પષ્ટીકરણ કમિટી સમક્ષ કરવાનું રહેશે. મહત્વનું છે કે વર્ષ ૨૦૧૭માં રાજ્ય સરકાર દ્વારા ફી નિર્ધારણનો કાયદો લાવવામાં આવ્યો હતો જેનો મુખ્ય હેતુ વાલીઓને ખાનગી શાળાઓની ફીના ભારણમાંથી મુક્તિ અપાવવાનો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ હવે કોઈપણ ખાનગી શાળા કમિટી દ્વારા નક્કી કરાયેલી ફી સિવાય એક પણ રૂપિયો વધારાનો વસૂલી શકશે નહીં. કમિટી દ્વારા આ શાળાઓની સુનાવણી કર્યા બાદ જ દરેક શાળા માટેનું ચોક્કસ ફી માળખું નક્કી કરવામાં આવશે. આ પ્રક્રિયાને કારણે હવે શાળાઓ વાલીઓ પાસેથી મનસ્વી રીતે ફી વસૂલી શકશે નહીં અને શાળાઓએ જે તે ફીના ઓર્ડર પણ જાહેરમાં પ્રદર્શિત કરવા પડશે.


 

Comments

COMMENT / REPLY FROM