Trending News
સ્થાનિક સમાચાર

વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષસ્થાને ગાંધીધામ ખાતે યોજાશે કચ્છ ડિસ્ટ્રીક્ટ લેવલ વાઈબ્રન્ટ પ્રોગ્રામ

01 January




ઉચ્ચ અને ટેક્નિકલ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અતિથિ વિશેષ તરીકે રહેશે ઉપસ્થિત : પોર્ટ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, મિનરલ પ્રોસેસિંગ, ટુરિઝમ એન્ડ કલ્ચર, હેન્ડીક્રાફ્ટ્‌સ, ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોને કેન્દ્રમાં રાખીને યોજાશે કચ્છનો  વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ લેવલ પ્રોગ્રામ : જિલ્લાકક્ષાના વાઈબ્રન્ટ કચ્છ પ્રોગ્રામની અંતિમ તૈયારીઓની સમીક્ષા કરતા કલેક્ટર આનંદ પટેલ

ગાંધીધામ - કચ્છઉદય : તા. ૧૦-૧૧ જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીક્ટ લેવલ વાઈબ્રન્ટ પ્રોગ્રામનું આયોજન તા. ૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સવારે ૧૦ કલાકે ગાંધીધામમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર ખાતે વન અને પર્યાવરણ, ક્લાઈમેન્ટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને તેમજ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની અતિથિ વિશેષ તરીકેની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. ગાંધીધામ વાઈબ્રન્ટ પ્રોગ્રામમાં મહત્વપૂર્ણ એમઓયુ સાથે વિવિધ ટેક્નિકલ સેશન, એક્ઝિબિશન તેમજ પેનલ ડિસ્કશન યોજાશે. કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા અંતિમ તૈયારીઓની સ્થળ વિઝિટ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.  
ગાંધીધામ ખાતે આયોજિત વાઈબ્રન્ટ કચ્છ ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામમાં ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઈવેન્ટ પાર્ટનર તરીકે જ્યારે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ વેન્યૂ પાર્ટનર તરીકે જોડાયા છે. આ ઉપરાંત ફોકિયા અને કચ્છ મેનેજમેન્ટ એસોસિએશન એ નોલેજ પાર્ટનર તરીકે સહભાગી બન્યા છે. જિલ્લાકક્ષાના વાઈબ્રન્ટ પ્રોગ્રામમાં કચ્છના પોર્ટ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, મિનરલ પ્રોસેસિંગ, રિન્યુએબલ એનર્જી એન્ડ ગ્રીન હાઈડ્રોજન, ટુરિઝમ, કલ્ચર એન્ડ હેન્ડીક્રાફ્ટસના ક્ષેત્રોને કેન્દ્રિત કરવામાં આવ્યા છે. આ ક્ષેત્રો સાથે સંકળાયેલા વિવિધ ઉદ્યોગો, સરકારી સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ વગેરે સહભાગી બનશે.
કચ્છ જિલ્લાના સંલગ્ન ઉદ્યોગોને આવરી લેતા એક્ઝિબિશનમાં ૬૦થી વધારે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. આ સ્ટોલની મુલાકાત લઈને ઉદ્યોગકારો સીધા જ ઉદ્યોગકારો કે સ્ટાર્ટઅપ સાથે વ્યાપાર અંગેની ચર્ચા વિચારણા કરી શકશે. કચ્છીકલાઓને સાથે સંકળાયેલા હેન્ડીકાફ્ટ તેમજ એમ.એસ.એમ.ઈ, હેવી ઈન્ડસ્ટ્રીઝ સહિતના કુલ ૬૦થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.
ગાંધીધામના જિલ્લાકક્ષાના વાઈબ્રન્ટ પ્રોગ્રામમાં વિવિધ ક્ષેત્રોના ટેક્નિકલ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેશન દરમિયાન નિષ્ણાંતો દ્વારા વિવિધ વિષય પર માર્ગદર્શન આપવામાં આવશે. ખાસ કરીને ઈનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ, એગ્રીકલ્ચર ફૂડ પ્રોસેસિંગ એન્ડ નેચરલ ફાર્મિંગ, ટુરિઝમ એન્ડ હેન્ડીક્રાફ્ટ્‌સ વિષયોને આવરી લેવાશે. કચ્છની ખનીજ સંપદાને લઈને એક વિશેષ સેમીનારનું આયોજન ગુજરાત ઈન્સિટ્યૂટશન ઓફ ટાન્ફોર્મેશન, જીએમડીસી, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી કરવામાં આવ્યું છે. જ્યાં વિવિધ ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપ્સ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ વગેરે એક મંચ પર આવીને નિષ્ણાંતો સાથે ચર્ચા કરીને પોતાની વાત રાખી શકશે. આ જિલ્લાકક્ષાનો વાઈબ્રન્ટ કાર્યક્રમ એ ઔદ્યૌગિક એકમો, કર્મશિયલ યુનિટ તેમજ સંલગ્ન વ્યવસાયકારોને એક મંચ પુરો પાડીને કચ્છ જિલ્લાના ઉદ્યોગ વિકાસને નવો વેગ આપવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
  ગાંધીધામ ખાતેના વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ લેવલ પ્રોગ્રામ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે.
-----

Comments

COMMENT / REPLY FROM