Trending News
સ્થાનિક સમાચાર

નખત્રાણાના ફુલાય ગામે સરકારી જમીન પરથી ૪૮ લાખનું દબાણ દૂર કરાયું

01 January




જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ મામલતદાર સહિતના કાફલાએ ૪૦ એકર જમીન પર થયેલ ગેરકાયદેસર ખેતી વિષયક દબાણ હટાવ્યું

ભુજ - કચ્છઉદય : નખત્રાણા તાલુકાના ફુલાય ગામમાં સરકારી પડતર જમીન પર કરવામાં આવેલા વર્ષો જૂના ગેરકાયદેસર દબાણો પર વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તારીખ ૩૧મી ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવેલી આ વિશેષ ઝુંબેશ અંતર્ગત ફુલાય ગામના સર્વે નંબર ૬૦ પૈકી ૧ વાળી અંદાજિત ૪૦ એકર જેટલી સરકારી જમીન પર કરવામાં આવેલું ગેરકાયદેસર ખેતી વિષયક દબાણ દૂર કરીને જમીનને ખાલી કરાવવામાં આવી છે. તંત્રની આ આકરી કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ સમગ્ર કામગીરી કચ્છ જિલ્લા કલેક્ટર અને નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલના સીધા માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી હતી. અગાઉ આ સરકારી જમીન પરના દબાણકર્તાઓને મામલતદાર કચેરી દ્વારા જમીન મહેસૂલ કાયદાની કલમ-૨૦૨ હેઠળ દબાણ હટાવવા માટે કાયદેસરની નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં જમીન ખાલી ન કરાતા, તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચીને આ જમીનને ખુલ્લી કરાવવામાં આવી હતી.
આ સરકારી ઓપરેશન દરમિયાન નખત્રાણા મામલતદાર આર. ડી. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને તેમની ટીમ, સર્કલ ઓફિસર હિતેશ આઈ. ચૌહાણ તેમજ અન્ય કચેરીના કર્મચારીઓ અને ડી.આઈ.એલ.આર. ભુજ કચેરીના સર્વેયરની હાજરીમાં સીમાંકન અને માપણીની પ્રક્રિયા પૂર્ણ કરી દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
તંત્ર દ્વારા ખાલી કરાવવામાં આવેલી આ ૪૦ એકર જમીન એટલે કે ૧૬-૮૦-૮૦ ચોરસ મીટર જમીનની જંત્રી મુજબની કિંમત અંદાજિત ૪૮,૫૬,૪૦૦ જેટલી થાય છે. આ કિંમતી જમીન હવે ખેતી વિષયક દબાણ મુક્ત કરીને ફરીથી સરકાર હસ્તક લેવામાં આવી છે. આગામી સમયમાં પણ તાલુકાના અન્ય વિસ્તારોમાં સરકારી જમીન પરના દબાણો સામે આવી જ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવા સંકેતો વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે.
------ 

 

Comments

COMMENT / REPLY FROM