રણોત્સવને અનુલક્ષીને વિવિધ જાહેરનામા જારી કરાયા
ભુજ - કચ્છઉદયઃ કચ્છમાં ભૌગોલિક વૈવિધ્યનો ઉત્તમ ખજાનો જોવા મળે છે, જેના લીધે આ જિલ્લો પ્રવાસનની દ્રષ્ટીએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. રાજ્ય સરકાર ના સહયોગથી ગુજરાત પ્રવાસન નિગમ લી. દ્વારા દર વર્ષે ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જેનો લાભ લેવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે ૫ણ ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવેલું છે. રણ ઉત્સવમાં સહેલાણીઓના અનુભવને વધુ સુખદ બનાવવા, સલામત પ્રવાસનને વેગ આપવા માટે જિલ્લા કલેકટર દ્વારા વિવિધ જાહેરનામા જારી કરાયા છે, જે અંતર્ગત ધોરડો રણ ઉત્સવ વિસ્તાર ખાતે નિયત સમિતિ પાસે રજિસ્ટ્રેશન કરાવ્યા સિવાય અનઅધિકૃત રીતે ચાલતી ઘોડે સવારી - ઊંટ સવારી ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત રણ ઉત્સવ વિસ્તારમાં આવતા પ્રવાસીઓ જાણતા-અજાણતા રણ વિસ્તારની અંદર પોતાના વાહનો લઈ જતાં હોય છે જેના કારણે ઘણીવાર વાહનો ફસાઈ જતા તેમને રેસ્કયુ કરવાની ફરજ ૫ડે છે અને તેના લીધે સફેદ રણની સુંદરતા, સ્વચ્છતા, પર્યાવરણીય ૫રિસ્થિતિને નુકશાન થાય છે. આ ૫રિસ્થિતિના નિવારણ માટે સફેદ રણ અને તેને સંલગ્ન વિસ્તાર ખાનગી વાહનો માટે ‘રિસ્ટ્રીક્ટેડ ઝોન’ તરીકે જાહેર કરાયો છે. જ્યારે ધોરડો રણ ઉત્સવ વિસ્તારના સબરસ બસ સ્ટેન્ડથી વોચ ટાવર સુધીના રસ્તા અને તેની બંને તરફનો ૨-૨કિ.મી.નો વિસ્તાર, વોચ ટાવરની આસપાસનો સફેદ રણ વિસ્તાર અને ’’રોડ ટુ હેવન’’ વિસ્તારમાં પ્લાસ્ટિકની બોટલ્સ, કોથળીઓ અને અન્ય પ્લાસ્ટિકની સિંગલ યુઝ ચીજવસ્તુઓ જાહેરમાં નાખવા ઉ૫ર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ત્રણેય જાહેરનામા તા.૨૮/૨ સુધી અમલમાં રહેશે.
---------

Comments